માઈક્રોસોફ્ટએ લોન્ચ કર્યું નવુ ટૂલ Copilot, કલાકોનું કામ કરી આપશે ગણતરીના સેકન્ડ્સમાં
કંપનીએ તેને આ પ્લેનેટનું સૌથી પાવરફૂલ પ્રોડક્ટિવિટી ટૂલ પણ ગણાવી દીધું
કંપનીએ કહ્યું આ બધું Open AIના GPT 4ને લીધે શક્ય બન્યું છે, તમે Copilot ટૂલને આસિસ્ટન્ટ પણ માની શકો છો
image : Twitter |
માઈક્રોસોફ્ટએ એક એવું ટૂલ લોન્ચ કર્યું છે જે કદાચ આ દાયકાનું સૌથી શક્તિશાળી પ્રોડક્ટિવિટી ટૂલ હોઈ શકે છે. કંપનીએ તેને આ પ્લેનેટનું સૌથી પાવરફૂલ પ્રોડક્ટિવિટી ટૂલ પણ ગણાવી દીધું છે. માઈક્રોસોફ્ટએ તેનું નામ Copilot રાખ્યું છે અને આ બધું Open AIના GPT 4ને લીધે શક્ય બન્યું છે. તમે Copilot ટૂલને આસિસ્ટન્ટ પણ માની શકો છો.
Copilot ટૂલ શું છે?
Copilot શું છે અને કેવી રીતે કામ કરે છે? તે કેવી રીતે તમારા જીવનને સરળ બનાવી શકે છે? તેના પર ચર્ચા કરીશું પણ એ પહેલા Copilotનું એક નાનકડું ઉદાહરણ જણાવું છું. આ રસપ્રદ ઉદાહરણથી તમારી અંદર પણ Copilotને સમજવાની ઉત્સુકતા વધી જશે. માની લો કે તમે ક્યાંક નોકરી કરી રહ્યા છો અને બોસને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપવું છે કે પછી તમારે ક્યાંક નોકરી મેળવવી છે અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરવું છે. એક સરસ મજાનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં ઓછોમાં ઓછા બે કલાક તો લાગી જ જશે. અનેકવાર તો ઘણા દિવસ વીતી જવા છતાં પ્રેઝન્ટેશન તૈયાર થઈ શકતું નથી પણ Copilot ટૂલથી અનેક દિવસોનું આ કામ અમુક સેકન્ડ્સમાં જ થઈ જશે.
તમારા આ પ્રશ્નોનો સેકન્ડ્સમાં ઉકેલ આવી જશે
પાવર પોઈન્ટની સ્લાઇડમાં તમારે શું લખવું છે? કઈ ડિજાઇન રાખવી છે? કયા એનિમેશન રાખવા છે? કયા ટેમ્પલેટ સિલેક્ટ કરવા છે? કયા ફોટા લેવા છે? એનિમેશન કઈ રીતે યૂઝ કરવા જોઈએ? વગેરે જેવા તમામ મૂંઝવણભર્યા પ્રશ્નોના જવાબ તમને Copilot અમુક જ સેકન્ડ્સમાં આપી દેશે. તમારે ફક્ત Copilotને કમાન્ડ આપવાના અને તે તમારું કલાકોનું કામ અમુક જ સેકન્ડ્સમાં કરી આપશે.
સત્ય નડેલાએ કહ્યું કે કીબોર્ડ અને માઉસની જેમ Copilot પણ જરૂરી બની જશે
માઈક્રોસોફ્ટની એક ઈવેન્ટ આયોજિત કરવામાં આવી હતી. આ રેકોર્ડેડ ઈવેન્ટમાં કંપનીના સીઈઓ સત્ય નડેલાએ Copilot વિશે માહિતી આપી હતી. સત્ય નડેલાએ કહ્યું કે Copilotને એટલા માટે ડિજાઈન કરાયું છે કે જેથી લોકોનું મુશ્કેલ કામ અમુક જ સેકન્ડ્સમાં પૂરું થઈ જાય. સત્ય નડેલાએ એમ પણ કહ્યું કે જેમ હાલના સમયમાં માનવી કી-બોર્ડ, માઉસ અને મલ્ટીટચ કમ્પ્યૂટિંગ વિશે વિચારી પણ ના શકે એવી જ રીતે ભવિષ્યમાં વ્યક્તિ Copilot અને નેચરલ લેંગ્વેજ વગર કમ્પ્યૂટિંગ વિશે વિચારી પણ નહીં શકે.
Copilot કામ કઈ રીતે કરે છે?
માઈક્રોસોફ્ટ 360 Copilot કંપનીનું એક નવું ટૂલ/આસિસ્ટન્ટ છે જે માઈક્રોસોફ્ટ ઓફિસ 365ની તમામ પ્રોડક્ટ્સમાં મળશે. Ms Word, Ms Excel, PowerPoint અને Outlook સહિત માઈક્રોસોફ્ટની અન્ય પ્રોડક્ટ્સ જેમ કે Teamsમાં Copilot સપોર્ટ અપાશે. માઈક્રોસોફ્ટે Copilotના લોન્ચિંગ દરમિયાન કહ્યું કે અત્યાર સુધી લોકો PowerPointના ફક્ત 10% ટૂલ યૂઝ કરતા હતા પણ Copilot આવ્યા બાદ PowerPointના 100% ટૂલ્સ યૂઝ કરી શકાશે. તમારે ફક્ત કમાન્ડ આપવાના રહેશે અને Copilot તમારું આખું કામ કરી આપશે.
તમને આ ટૂલ ક્યારે ઉપલબ્ધ થશે?
માઈક્રોસોફ્ટએ કહ્યું કે હાલ માઈક્રોસોફ્ટ 365 Copilotનું ટેસ્ટિંગ 20 કસ્ટમર સાથે કરાઈ રહ્યું છે જેમાં 8 Fortune 50 કંપનીઓ સામેલ છે. આવનારા સમયમાં તેના પ્રિવ્યૂને વધુ લોકોને અપશે. જોકે Copilotનું ટારગેટ કસ્ટમર બેઝ ઓફિસમાં છે એટલા માટે કંપની શરૂઆતમાં કંપનીઓને જ તેનું એક્સેસ આપશે જેથી તે તેમના કર્મચારીને તેની સુવિધા આપી શકે.