માઇક્રોસોફ્ટનું આ AI ડૉક્ટર્સની લાઇફને બનાવશે સરળ, જાણો કેવી રીતે…
Dragon Copilot AI for HealthCare: માઇક્રોસોફ્ટ દ્વારા નવું AI લોન્ચ કરવામાં આવ્યું છે. એને ડ્રેગન કોપાઇલટ નામ આપવામાં આવ્યું છે. લાસ વેગાસમાં ચાલી રહેલા હેલ્થકેર ઇન્ફોર્મેશન એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ સોસાયટી 2025માં એને લોન્ચ કરવામાં આવ્યું છે. આ એક વૉઇસ આસિસ્ટન્ટ છે જે ક્લિનિકલ કામને એક સિસ્ટમમાં ચલાવવા માટે મદદ કરે છે. આ એક એવી સિસ્ટમ છે જે હેલ્થકેર સિસ્ટમમાં કામ કરતાં વ્યક્તિઓના કામને ઓછું કરશે.
શું છે ડ્રેગન કોપાઇલટ?
માઇક્રોસોફ્ટની સ્પીચ રિકગ્નિશન ટેક્નોલોજી છે એના આધારે જ ડ્રેગન કોપાઇલટ બનાવવામાં આવ્યું છે. જોકે એમાં હવે જનરેટિવ AIનો ઉમેરો કરવામાં આવ્યો છે જે હેલ્થકેરમાં મદદ કરશે. આ મોડલ ઇલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડ્સનો પણ સમાવેશ કરશે. એની મદદથી હેલ્થકેરમાં કામ કરતા વ્યક્તિ જે-તે પેશન્ટ્સના રેકોર્ડ્સની નોટ્સ પણ જોઈ શકશે, તેમ જ દરેક હિસ્ટ્રી મેળવી શકશે અને રિયલ-ટાઇમમાં દરેક ટાસ્ક ઓટોમેટિક કરી શકશે.
માઇક્રોસોફ્ટના કહ્યાં મુજબ આ AI આસિસ્ટન્ટનો ઉપયોગ કરવાથી વ્યક્તિ એક પેશન્ટ પર અંદાજે પાંચ મિનિટ બચાવી શકે છે. સમયના આ બચાવને કારણે દિવસ દરમ્યાન 13 પેશન્ટને વધુ ચેક કરી શકાશે. આ સાથે જ ક્લિનિકલ વર્ક-લાઇફ બેલેન્સમાં 70 ટકા વધારો થયો છે. આ સિસ્ટમને કારણે કર્મચારીઓ જે થાકી જતા હતા એમાં ઘટાડો થયો છે અને પેશન્ટ સાથેની મેડિકલ હિસ્ટ્રી જાણવા પાછળ પણ ઓછો સમય ફાળવવો પડે છે.
કેવી રીતે મદદ કરે છે આ સિસ્ટમ?
ડ્રેગન કોપાઇલટનું એક અદ્ભુત ફીચર છે કે તે ઓટોમેટિક ડોક્યુમેન્ટેશન કરશે. ડૉક્ટર્સ અને પેશન્ટ વચ્ચે જે પણ વાતચીત થાય છે એને આ સિસ્ટમ સાંભળશે અને એના પરથી જે-જે મહત્ત્વની નોટ્સ હોય એને ડોક્યુમેન્ટ કરશે. આ માટે ડૉક્ટર દ્વારા કોઈ આદેશ આપવાની જરૂર નહીં પડે. જોકે આ માટે કસ્ટમાઇઝ કરવાનો પણ ઓપ્શન આપે છે જેથી ડૉક્ટર એક વાર એને ચેક કરીને જરૂરી સુધારા-વધારા કરી શકે. આ AI ડોક્યુમેન્ટેશનની સાથે જેટલી પણ નોટ્સ હશે એને સમરીઝ કરીને ટૂંકમાં દરેક માહિતી આપી શકે છે. આ સાથે જ રેફરલ લેટર્સ લખવાની પણ આ સિસ્ટમમાં ક્ષમતા છે. પેશન્ટ અને ડૉક્ટર વચ્ચેની વાતચીત દરમિયાનના કેટલાક મેડિકલ ઓર્ડર પણ કેપ્ચર કરશે અને એનો સમાવેશ રેકોર્ડ્સમાં કરશે.
મેડિકલ ડેટા મેળવી શકાશે?
ડ્રેગન કોપાઇલટની મદદથી પેશન્ટના મેડિકલ ડેટા પણ મેળવી શકાય છે. જોકે આ માટે AI મેડિકલ હિસ્ટ્રી ચેક કરે છે અને ફેમિલી મેડિકલ બેકગ્રાઉન્ડ પણ ચેક કરે છે. જો આ તમામ ડેટા ઓનલાઇન હોય અથવા તો એક જ ડૉક્ટર પાસે ગયા હોય અને એ ડૉક્ટર પાસે તમામ ડેટા હોય તો AI એ તમામનો ઉપયોગ કરીને દરેક માહિતી આપી દેશે. આ તમામ માહિતી અન્ય કામમાં કોઈ રોક લગાવવા વગર આપશે. આ સાથે જ AI પૂરાવો સાથે મેડિકલ ગાઇડલાઇન્સ પણ આપી શકે છે. આ પૂરાવાની મદદથી એના રિસ્પોન્સમાં કેટલું તથ્ય છે એ જાણી શકાશે.
હેલ્થકેર માટે આ કેટલું સિક્યોર છે?
હેલ્થકેર ડેટા ખૂબ જ સેન્સિટિવ હોય છે આથી માઇક્રોસોફ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે ડ્રેગન કોપાઇલટમાં સિક્યોર ફ્યુચર ઇનિશિએટીવનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એનાથી AI અને ડેટાની પ્રાઇવસીને પ્રોટેક્ટ કરવામાં આવે છે તેમ જ રેગ્યુલેટરી સ્ટાન્ડર્ડને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. માઇક્રોસોફ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ AIને ખૂબ જવાબદારી પૂર્વક બનાવવામાં આવ્યું છે અને એ હેલ્થકેરમાં કામ કરતા વ્યક્તિને એકદમ સાચી અને સિક્યોર માહિતી પૂરી પાડશે.
આ પણ વાંચો: UPI માટે જાહેર થયેલા નવા નિયમો: 31 માર્ચ સુધી અમલ કરો, નહીંતર સર્વિસ બંધ થઈ જશે
ક્યારે કરવામાં આવશે લોન્ચ?
માઇક્રોસોફ્ટ દ્વારા ડ્રેગન કોપાઇલટને આ વર્ષે મે મહિનામાં અમેરિકા અને કેનેડામાં લોન્ચ કરવામાં આવશે. ત્યાર બાદ યુનાઇટેડ કિંગડમ, જર્મની, ફ્રાન્સ અને નેધરલેન્ડ્સમાં પણ લોન્ચ કરવામાં આવશે. માઇક્રોસોફ્ટનું ડ્રેગન મેડિકલ સોલ્યુશન જે-જે માર્કેટમાં ઉપયોગ થઈ રહ્યું છે ત્યાં આ AIને લોન્ચ કરવાનું પ્લાનિંગ છે.