Get The App

માઇક્રોસોફ્ટના ચીફ ટેક્નોલોજી ઓફિસરે કહ્યું, ‘આગામી 5 વર્ષમાં 95% કોડ AI દ્વારા જનરેટ થશે’

Updated: Apr 5th, 2025


Google News
Google News
માઇક્રોસોફ્ટના ચીફ ટેક્નોલોજી ઓફિસરે કહ્યું, ‘આગામી 5 વર્ષમાં 95% કોડ AI દ્વારા જનરેટ થશે’ 1 - image


AI will Code 95 Percent By Next Five Year: માઇક્રોસોફ્ટના ચીફ ટેક્નોલોજી ઓફિસર કેવિન સ્કોટનું કહેવું છે કે આગામી પાંચ વર્ષમાં 95 ટકા કોડ AI દ્વારા જનરેટ કરવામાં આવશે. AI જ્યારથી આવ્યું ત્યારથી સોફ્ટવેર એન્જિનિયરની માંગમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે. આગામી પાંચ વર્ષમાં એમાં ઘણો મોટો ઘટાડો જોવા મળશે.

AIને કારણે નોકરી પર જોખમ

AI જ્યારથી આવ્યું છે ત્યારથી મોટાભાગના કામ આંગળીના ટેરવે ખૂબ જ ઝડપથી અને ચોક્કસ રીતે થઈ રહ્યાં છે. એમાં કોડિંગ, વેબસાઇટ અને એપ્લિકેશન બનાવવાનું પણ સમાવેશ થાય છે. અત્યારે AIની થોડી મર્યાદાઓ છે, પરંતુ આગામી પાંચ વર્ષમાં કોઈ પણ પ્રકારની મર્યાદા નહીં રહે. તેમ જ જેમ-જેમ AI વિકસિત થતું જશે તેમ-તેમ મનુષ્યની નોકરી પર જોખમ વધતું જશે. મોટાભાગની કંપનીઓ ઘણા સોફ્ટવેર એન્જિનિયર રાખવા કરતાં એક AI નિષ્ણાત રાખવાનું પસંદ કરશે જે દરેક પ્રકારના કામ કરી શકે. આથી સમય અને પૈસાની બચત થશે, જો કે પરિણામે બેરોજગારીમાં વધારો થશે.

95 ટકા કોડ બનાવશે AI

માઇક્રોસોફ્ટના ચીફ ટેક્નોલોજી ઓફિસર કેવિન સ્કોટ દ્વારા હાલમાં જ 20VC પોડકાસ્ટમાં હાજરી આપવામાં આવી હતી. આ પોડકાસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે, ‘આગામી પાંચ વર્ષમાં 95 ટકા કોડ AI જનરેટ કરશે.’ મનુષ્ય દ્વારા ખૂબ જ સાચવી સમજીને અને વિચારીને જે કોડિંગ કરવામાં આવે છે તેવું ખૂબ જ ઓછું જોવા મળશે. જો કે AI માનવની જગ્યા લઈ લેશે એવું કહેવું ખોટું છે. AIમાં જે સમસ્યા આવશે તે ઉકેલવાનું કામ માનવ દ્વારા જ કરવામાં આવી શકે છે. AI ફક્ત કોડ જનરેટ કરે છે, પરંતુ એમાં સર્જનાત્મકતા દર્શાવવાનું કામ માનવ જ કરી શકશે.

માઇક્રોસોફ્ટના ચીફ ટેક્નોલોજી ઓફિસરે કહ્યું, ‘આગામી 5 વર્ષમાં 95% કોડ AI દ્વારા જનરેટ થશે’ 2 - image

આ પ્રકારના બદલાવ અગાઉ પણ જોયા છે

કેવિન સ્કોટ છેલ્લા 40 વર્ષથી કોડિંગ કરી રહ્યાં છે. AIને લઈને હાલ જે બદલાવ આવી રહ્યો છે તે ટેક્નોલોજી ઉદ્યોગમાં પ્રથમ વાર નથી. આ વિશે કેવિન કહે છે, ‘હું બાળક હતો ત્યારે 1980ના દાયકામાં ખૂબ જ મોટો બદલાવ આવ્યો હતો. એ સમયે ચર્ચા થતી હતી કે કોડિંગ કરવાની ખરી રીત કઈ છે. એ સમયે દરેક કહેતા હતા કે એસેમ્બલી લેન્ગવેજ જેનાથી આવડે તે જ સાચું કોડિંગ કરી શકે છે. જો કે એ વિચારો દૂર થતાં ગયા અને ટેક્નોલોજી આગળ વધતી ગઈ, સાથે ખૂબ જ ઊંચા સ્તરનું પ્રોગ્રામિંગ શરૂ થયું.’

AI સ્કીલ વધારવા માટેનું ટૂલ

કેવિન સ્કોટ માને છે કે AIને કારણે સોફ્ટવેર ડેવલપમેન્ટનો દ્રષ્ટિકોણ એકદમ બદલાઈ જશે. જોકે એનો અર્થ એ નથી કે ખૂબ અદ્ભુત રીતે પ્રોગ્રામિંગ કરનાર વ્યક્તિની જરૂર નહીં રહે. આ વિશે કેવિન કહે છે, ‘AIનો ઉપયોગ શરૂઆતના કોડિંગ માટે કરી શકાય છે. જોકે અન્ય કામ માટે મનુષ્યની જરૂર પડે છે. તેમ છતાં, AIને સ્કીલ વધારવા માટેના ટૂલ તરીકે જોઈ શકાય છે. નાના અને મોટા કામ, જેમ કે વેબસાઇટ બનાવવી, માટે AIનો ઉપયોગ થઈ શકે છે. હવે તે માટે કોઈ ડેવલપરની જરૂર નહીં પડે. જો દુનિયાનો સૌથી મુશ્કેલ કોમ્પ્યુટર પ્રોબ્લેમ ઉકેલવો હોય, ત્યારે તમને કોમ્પ્યુટર સાયન્ટિસ્ટની જરૂર પડશે. AI એકલું કંઈ નહીં કરી શકે.’

ટીમમાં થશે ઘટાડો

AI હોવા છતાં કોડિંગ માટે મનુષ્યની જરૂર પડે છે એ વાત નક્કી છે. જોકે કેવિન સ્કોટ એ પણ સ્વીકાર કરે છે કે સોફ્ટવેર એન્જિનિયર્સની સંખ્યામાં ઘટાડો થશે. હવે દરેક કંપની નાની-નાની ટીમો દ્વારા મોટા-મોટા કામ કરી શકશે. આથી નોકરીઓ પર અસર પડશે એ વાત નક્કી છે. કેવિન સ્કોટ કહે છે, ‘ફક્ત દસ વ્યક્તિની ટીમ દ્વારા ખૂબ મોટી સિદ્ધિઓ મેળવી શકાય છે એટલી કે એક સંપૂર્ણ કંપની પણ ચલાવી શકાય છે.’

આ પણ વાંચો: ‘ચેટજીપીટી માટે ઇન્ડિયા સૌથી ઝડપથી વિકાસ થતું માર્કેટ છે’, આવું કહ્યું OpenAIના ચીફ ઓપરેટિંગ ઑફિસર બ્રેડ લાઇટકેપે

અન્ય એક્સપર્ટનું શું કહેવું છે?

AI માનવ દ્વારા કરવામાં આવતી કોડિંગની જગ્યા લેશે એ નક્કી છે. એન્થ્રોપિક કંપનીના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર ડારિયો એમોડેએ હાલમાં જ કહ્યું કે આગામી છ મહિનામાં 90 ટકા કોડિંગ AI દ્વારા કરવામાં આવશે. OpenAIના ચીફ પ્રોડક્ટ ઓફિસર કેવિન વેલે જણાવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં કોડિંગમાં AI મનુષ્ય કરતાં આગળ નિકળી જશે. OpenAIના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર સેમ ઓલ્ટમેને કહ્યું કે સોફ્ટવેર એન્જિનિયર્સ માટેની માંગમાં ઘણો ઘટાડો થશે, કારણ કે AI ખૂબ ઝડપથી વિકસિત થઈ રહ્યું છે.

Tags :