છોડવાઓ માટે પણ ઝેર બની રહ્યું છે માઇક્રોપ્લાસ્ટિક: આપણા ભોજન પર પણ પડશે એની અસર, જાણો કેવી રીતે…
MicroPlastic Affecting Photosynthesis Process: માઇક્રોપ્લાસ્ટિક હવે છોડવાઓ માટે પણ ઝેર બની રહ્યું છે. માઇક્રોપ્લાસ્ટિકનું માપ પાંચ મિલિમિટર કરતાં પણ ઓછું હોય છે. આ માઇક્રોપ્લાસ્ટિક હવે આપણી પૃથ્વીના દરેક ખુણામાં પહોંચી ગયું છે. દરિયામાં તરસે હોય કે આપણે શ્વાસ લેતા હોઈએ, દરેક જગ્યાએ માઇક્રોપ્લાસ્ટિકનું પ્રદૂષણ જોવા મળે છે. પાણી અને તેમાં રહેતા જીવજંતુઓ સાથે એ માણસને પણ કેવી રીતે અસર કરે છે તે વિશે ઘણી ચર્ચાઓ થઈ છે અને થતી રહેશે. જો કે, હાલમાં જ અમેરિકાની નેશનલ એકેડેમી ઓફ સાયન્સીસની એક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે કે માઇક્રોપ્લાસ્ટિક હવે છોડવાઓને પણ અસર કરી રહ્યું છે. તેની અસર ફોટોસિન્થેસિસ પર પડી રહી છે.
શું છે ફોટોસિન્થેસિસ?
સરળ ભાષામાં કહીએ તો છોડવાઓ પોતાના માટે જે ભોજન બનાવે છે તે પ્રક્રિયાને ફોટોસિન્થેસિસ કહેવામાં આવે છે. છોડના પાંદડા કે જેમાં ક્લોરોફિલ હોય છે, તે સૂર્યપ્રકાશને શોષી લે છે. છોડ પાંદડા દ્વારા હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ ખેંચે છે અને મૂળ દ્વારા જમીનમાંથી પાણી લે છે. સૂર્યપ્રકાશની ઊર્જાનો ઉપયોગ કરીને, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીને મિક્સ કરીને પોતાનું ભોજન બનાવે છે. આ સાથે જ છેક જે બચે છે તે હવામાં પાછું છોડે છે, જે છે ઓક્સિજન. છોડ માટે ઓક્સિજન નકામી છે, પરંતુ આપણાં માટે તે જીવનની સૌથી મહત્વની વસ્તુ છે. ફોટોસિન્થેસિસની આ પ્રક્રિયા ખૂબ જરૂરી છે કારણ કે તે છોડને ભોજન પૂરુ પાડે છે અને આપણને જીવવા માટે ઓક્સિજન આપે છે. પૃથ્વીના તાપમાનનું સંતુલન જાળવવા માટે પણ આ પ્રક્રિયા અત્યંત મહત્વની છે.
માઇક્રોપ્લાસ્ટિક ફોટોસિન્થેસિસને કેવી રીતે અસર કરી રહ્યા છે?
છોડવા અને માનવજીવન માટે અતિઆવશ્યક એવા ફોટોસિન્થેસિસની પ્રક્રિયાને માઇક્રોપ્લાસ્ટિક અવરોધી રહ્યા છે તે એક અભ્યાસમાં જણાયું છે. છોડ પર માઇક્રોપ્લાસ્ટિક બેસી જાય છે, જેના કારણે પ્રકાશ પાંદડાના ક્લોરોફિલ સુધી પહોંચી શકતો નથી. જો પ્રકાશ ક્લોરોફિલ સુધી ન પહોંચે તો ફોટોસિન્થેસિસની પ્રક્રિયા થતી નથી. માઇક્રોપ્લાસ્ટિક હવે જમીનમાં પણ ભળી રહ્યા છે. માટીમાં પ્લાસ્ટિકનું પ્રમાણ વધુ હોય ત્યારે તેની પાણી શોષી રાખવાની ક્ષમતા ઘટે છે, જે છોડને વિપરીત અસર કરે છે. કેટલાક માઇક્રોપ્લાસ્ટિકમાં ઝેરી કેમિકલ હોય છે, જે જમીનમાં મળીને છોડમાં જઈ શકે છે. તે પરિસ્થિતિ છોડ માટે હાનિકારક છે અને અંતે ફોટોસિન્થેસિસમાં ખલેલ પહોંચાડે છે.
ભોજનના પાક પર થઈ રહેલી અસર
ફોટોસિન્થેસિસમાં અવરોધને કારણે ભોજનના પાકના ઉત્પાદન પર પણ અસર પડી રહી છે. એક અભ્યાસ દર્શાવે છે કે માઇક્રોપ્લાસ્ટિક ફોટોસિન્થેસિસની પ્રક્રિયામાં 7% થી 12% ઘટાડી શકે છે. જેના પરિણામે વર્ષે 109.73 મિલિયન મેટ્રિક ટનથી 360.87 મિલિયન મેટ્રિક ટનનો પાક ઓછો થાય છે. ઘઉં, ચોખા અને મકાઇના પાક પર તેની વધુ અસર થતી જોવા મળે છે, જેના કારણે 4% થી 14% ઘટાડો થાય છે. આ ઘટતો પાક મોંઘવારી વધારશે અને દુનિયાભરમાં ભૂખમરાને વધુ વેગ આપશે. 2040 સુધીમાં 400 મિલિયન લોકો ભૂખ્યા રહેવાનું સંકટ ઊભું થઈ શકે છે.
કેમ આ ચિંતાજનક છે?
ફોટોસિન્થેસિસ વગર જીવન અશક્ય છે. એની ઉપર ફૂડચેન અને આખી આબાદી નિર્ભર છે. 2058 સુધી દુનિયાની વસ્તી 10 બિલિયન થવાની શક્યતા છે, જેથી ખોરાકની પુરવઠો સિદ્ધાંતને વધુ મહત્વ મળે છે. કાર્બન ડાયોક્સાઇડ શોષીને ઓક્સિજનના ઉત્પાદનથી ફોટોસિન્થેસિસ ક્લાઇમેટ કન્ટ્રોલમાં પણ મદદ કરે છે. એના વિના, પર્યાવરણ અને માનવજાતની આરોગ્ય સ્થિતિ દિનપ્રતિદિન ખતરાની ઘંટિ વાગશે.
માઇક્રોપ્લાસ્ટિકની સમસ્યાનો ઉકેલ
માઇક્રોપ્લાસ્ટિકને રોકવા માટે પ્લાસ્ટિકના ઉત્પાદન અને નિકાલ અંગે સખ્ત નિયમો બનાવવાં જરૂરી છે. બાયોડિગ્રેડેબલ વિકલ્પ શોધવા તેમજ જમીન અને પાણીમાંથી માઇક્રોપ્લાસ્ટિક દૂર કરવા ટેક્નોલોજીમાં રોકાણ કરવું જોઈએ. આ સાથે સરકાર, રિસર્ચર્સ અને લોકોના એકસાથે કાર્ય કરતા પ્રયત્નોથી પર્યાવરણને બચાવવું શક્ય છે.