અઢાર વર્ષથી નાની ઉંમરના યુઝરની પ્રાઇવસીની જવાબદારી ઉપાડી ઇન્સ્ટાગ્રામે, આ માટે નવું AI ટૂલ બનાવી રહ્યું છે મેટા
Meta Making New AI Tool For Instagram: મેટા હાલમાં એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ બનાવી રહી છે. એની મદદથી ઇન્સ્ટાગ્રામના યુઝરની ઉંમર નાની છે કે મોટી એ શોધવામાં આવશે. ઇન્સ્ટાગ્રામ તેના યુઝરની પ્રાઇવસીને લઈને હવે ખૂબ જ સચેત થઈ ગયું છે. અઢાર વર્ષથી નાની ઉંમરની વ્યક્તિ તેમની પ્રાઇવસી વિશે જાગૃત નથી હોતી, એથી ઇન્સ્ટાગ્રામ દ્વારા તેમની જવાબદારી પોતે લેવામાં આવી રહી છે.
બે કેટેગરી રાખવામાં આવી
ઇન્સ્ટાગ્રામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ બે કેટેગરીમાં યુઝર્સનું વિભાજન કરશે. પહેલી કેટેગરીમાં અઢાર વર્ષથી ઉપરના યુઝર્સ અને બીજી કેટેગરીમાં અઢાર વર્ષથી નીચેના યુઝર્સનો સમાવેશ કરવામાં આવશે. અઢાર વર્ષથી નાની ઉંમરના યુઝર્સની પ્રોફાઇલમાં ઇન્સ્ટાગ્રામ દ્વારા તમામ પ્રાઇવસી સેટિંગ્સ ઓટોમેટિક લગાવી દેવામાં આવશે. આ માટે યુઝર્સને કોઈ વિકલ્પ આપવામાં નહીં આવે. અઢાર વર્ષથી ઉપરની વ્યક્તિ તેમના પ્રાઇવસી સેટિંગ્સને તેમની મરજી મુજબ ઉપયોગ કરી શકશે.
કેવી રીતે કામ કરશે આ ટૂલ?
આ ટૂલ એક વાર લોન્ચ કરવામાં આવ્યું ત્યાર બાદ તે યુઝર્સના એકાઉન્ટ ડેટાને એનલાઇઝ કરશે. યુઝર્સ કઈ ઉંમરના છે, તેમ જ યુઝર્સની પ્રોફાઇલ, ફોલોઅર્સ અને તે કેવા કન્ટેન્ટ સાથે ઇન્ટરૅકશન કરે છે દરેક વસ્તુ જોવામાં આવશે. આ સાથે જ હેપી બર્થડેની પોસ્ટ કરવામાં આવી હોય તો એને પણ એનાલાઇઝ કરવામાં આવશે અને એના પરથી ઉંમરનો અંદાજો લગાવવામાં આવશે. જો કે એ કેટલું સાચું સાબિત થશે એ વિશે હજી સુધી કોઈ માહિતી નથી.
અઢાર વર્ષથી નાની ઉંમરના યુઝર્સ માટે નવા પ્રાઇવસી સેટિંગ્સ
AI ટૂલમાં ખબર પડી કે યુઝરની ઉંમર અઢાર વર્ષથી ઓછી છે તો એને સીધું 'ટીન એકાઉન્ટ' તરીકે જાહેર કરવામાં આવશે. યુઝરે પોતાની ઉંમર પ્રોફાઇલમાં ગમે એટલા વર્ષ લખ્યા હોય તો પણ એ એકાઉન્ટને ટીન એકાઉન્ટમાં રાખવામાં આવશે. ટીન એકાઉન્ટમાં ખૂબ જ સખત પ્રાઇવસી સેટિંગ્સ છે જેને સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. ઇન્સ્ટાગ્રામ દ્વારા આ ટૂલને આગામી વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવી શકે છે.
રિસ્ટ્રીક્શન
અઢાર વર્ષથી નાની ઉંમરના લોકો માટે સખત પ્રાઇવસી સેટિંગ્સ છે. જો કે યુઝરની ઉંમર 16 કે 17 વર્ષની હશે તો તેઓ પેરન્ટ્સની પરવાનગી લીધા બાદ પ્રાઇવસી સેટિંગ્સમાં બદલાવ કરી શકશે. મેટાની આ પોલીસીને ઘણા ક્રિટિક્સ દ્વારા વખાણવામાં આવી છે. યુઝર્સ પોતાનું ધ્યાન ન રાખતા હોવાથી કંપની હવે તેમનું ધ્યાન રાખી રહી છે એ ઉદ્દેશને ખૂબ વખાણવામાં આવ્યો છે. અને એથી જ નાની ઉંમરના યુઝર્સમાં સખત રિસ્ટ્રીક્શન હશે. એટલું રિસ્ટ્રીક્શન હશે કે તેમને કન્ટેન્ટ પણ તેમની ઉંમરને લગતું જોવા મળશે.
કાયદાકીય કેસ
મેટા પર ઘણા કેસ કરવામાં આવ્યાં છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ઇન્સ્ટાગ્રામ એડિક્ટિવ હોવાથી ટીનેજરની મેન્ટલ હેલ્થ પર અસર પડી રહી છે. આ સાથે જ ઘણા પેરન્ટ્સ દ્વારા મેટા પર તેમના બાળકોને એડલ્ટ કન્ટેન્ટ અને તેમના જીવને જોખમમાં મૂકે એવા કન્ટેન્ટ દેખાડવામાં આવી રહ્યાં હોવાની પણ ફરિયાદ કરવામાં આવી હતી. આથી મેટા આ દરેક બાબતનું ધ્યાન રાખીને આ ટૂલ બનાવી રહી છે.
આ પણ વાંચો: ટોયોટાએ જાપાનમાં લોન્ચ કરી એર ટેક્સી: 322 કિમિની ઝડપે ઉડે છે ઈલેક્ટ્રિક એર ટેક્સી
ઉંમરનું વેરિફિકેશન
મેટા દ્વારા ભૂલ થાય તો એ માટે યુઝર્સ અપિલ કરી શકે છે. આ માટે ઉંમરનું વેરિફિકેશન કરવાની સુવિધા પણ છે. યુઝર્સ પોતાનું ઓળખપત્ર અથવા તો વિડીયો અપલોડ કરી શકે છે. આ દ્વારા ઉંમરનું વેરિફિકેશન પૂરી થયા બાદ એકાઉન્ટની પ્રાઇવસીમાં ફરી બદલાવ કરી શકાય છે. જો કે ઘણા યુઝર્સના એકાઉન્ટમાં પ્રાઇવસીથી સંકળાયેલ સમસ્યા હોવાથી તેઓ નવું એકાઉન્ટ બનાવે છે. આથી મેટા એના પર પણ કામ કરી રહી છે કે એક જ ઇમેલનો ફરી ઉપયોગ થયો હોય તો તે જાણી શકશે. એક મોબાઇલમાં ફરી નવું એકાઉન્ટ એક્સેસ કરવામાં આવશે તો મોબાઇલના યુનિક આઇડેન્ટિફિકેશન નંબર પરથી પણ મેટાને એ સમજ થઈ જશે.