મેટાની ફેશિયલ રેકોગ્નિશન ટેક્નોલોજી: ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર સેલિબ્રિટી સ્કેમ એડ્સ અટકાવવા અને એકાઉન્ટ રિકવર કરવા ઉપયોગી બનશે ટૂલ
Meta New Tool: મેટા દ્વારા એક નવી પહેલ કરવામાં આવી રહી છે. તેઓ હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર સેલિબ્રિટી સ્કેમ એડ્સને અટકાવવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. સોશ્યલ મીડિયા પર સેલિબ્રિટીઝના નામે ઘણા સ્કેમ થાય છે, જેમાં ઘણા લોકો પાસેથી પૈસા પડાવી લેવામાં આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી સેલિબ્રિટીઝના અવાજ અને ચહેરાનો એડ્સમાં ઉપયોગ કરવામાં આવે છે, જેને કારણે લોકો લલચાય અને છેતરાય છે.
નવું ટૂલ
મેટા દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એક નવા ટૂલ પર કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં ફેશિયલ રેકોગ્નિશન ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ ટૂલની મદદથી તેઓ લાખો એડ્સને ચકાસશે અને તેઓ ઓરિજિનલ છે કે નહીં તે શોધીને તેમને બ્લોક કરશે. ટેક્સ્ટ, ઇમેજ અને વીડિયો બધાંમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જો કોઈ હીરોની એડ શંકાસ્પદ લાગે, તો તેને જે-તે સેલિબ્રિટીના સોશ્યલ મીડિયા એકાઉન્ટના ફોટા સાથે મેચ કરવામાં આવશે. જો ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હશે, તો તે પકડી જશે અને નેચરલ હોવા પર એડ ચાલુ રાખવામાં આવશે. આ તમામ ડેટાનો ઉપયોગ કર્યા બાદ સિસ્ટમ તેને ડિલીટ કરી દેશે, જેથી સેલિબ્રિટીઝના ફેશિયલ રેકોગ્નિશનના ડેટા સેવ ન રહે.
ફેક પ્રોફાઇલ
મેટા દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે ઘણા સેલિબ્રિટીઝની ઘણી પ્રોફાઇલ અને એકાઉન્ટ્સ હોય છે, જેમાંથી કેટલાકનો ઉપયોગ સ્કેમ માટે થાય છે. હાલ મેટા યૂઝર્સના રિપોર્ટ પર નિર્ભર છે, પરંતુ હવે આ ફેશિયલ રેકોગ્નિશન ટૂલનો ઉપયોગ ફેક પ્રોફાઇલ શોધવા માટે પણ કરશે. આથી શંકાસ્પદ એકાઉન્ટને ડિલીટ કરવામાં આવશે. આ ટૂલની મદદથી મેટા તેના દરેક પ્લેટફોર્મ માટે ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરી રહી છે.
એકાઉન્ટ રિકવર માટે વીડિયો સેલ્ફી
ઘણાં વાર યૂઝર્સ દ્વારા તેમનો પાસવર્ડ ભૂલી જવાય છે, જેથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટને રિકવર કરવા માટે હવે વીડિયો સેલ્ફી ફરજીયાત કરવામાં આવશે. ઘણી વાર એકાઉન્ટ હેક થઈ જાય છે, જેથી એકાઉન્ટ કોમ્પ્રોમાઇઝ થયા પર તેને એક્સેસ કરવા માટે વીડિયો સેલ્ફી ફીચરનો ઉપયોગ કરવામાં આવશે. યૂઝર્સ દ્વારા પોતાનો વીડિયો મોકલવો પડશે અને તે વીડિયો અને પ્રોફાઇલનો ફોટો મેચ થયા બાદ જ તેમને એકાઉન્ટનો એક્સેસ મળશે. આ રીતે એક ટૂલ ઘણી રીતે કાર્યરત થશે.