રોમેન્સ સ્કેમને કેવી રીતે ઓળખશો? એનાથી બચવા માટે આટલું જાણો...
Meta Company on Romance Scam: મેટા કંપની દ્વારા હાલમાં જ તેમના યુઝર્સને તેના પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર થતાં સ્કેમને લઈને ચેતવવામાં આવ્યા છે. એને રોમેન્સ સ્કેમ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્કેમમાં યુઝર્સ સાથે રોમેન્સની આડમાં તેમની પાસે પૈસા પડાવી લેવામાં આવે છે. સોશિયલ મીડિયા અને ડેટિંગ ઍપ્સ પર આ ખૂબ જ વધુ જોવા મળે છે. આ પ્રકારના સ્કેમમાં યુઝર્સને ઇમોશનલી બ્લેકમેલ કરવામાં આવે છે અને એનો લાભ ઉઠાવી તેમની પાસેથી પૈસા પડાવી લેવામાં આવે છે.
રોમેન્સ સ્કેમ શું છે?
રોમેન્સ સ્કેમ સોશિયલ મીડિયા અને ડેટિંગ ઍપ્સ પર ચાલતો એક સ્કેમ છે. આ સ્કેમમાં યુઝર પાસેથી પૈસા પડાવી લેવામાં આવે છે. આ માટે છેતરપિંડી કરનાર યુઝર સાથે સંપર્કમાં આવે છે અને તેની સાથે પ્રેમમાં પડ્યો હોવાની વાતો કરે છે. પોતાની ફિલિંગ્સ જણાવીને તે વ્યક્તિની સાથે વાતો કરે છે અને ચોક્કસ સમય એટલે કે ચાન્સ મળતાં જ તે પૈસાની જરૂર છે એમ કહે છે અથવા તો ઇનવેસ્ટમેન્ટ પ્લાન બતાવે છે અને એમાં ઇનવેસ્ટ કરવા કહે છે.
કેવી રીતે ઓળખશો રોમેન્સ સ્કેમને?
રોમેન્સ સ્કેમ કરનારી વ્યક્તિ ખૂબ જ ઝડપથી વાતો આગળ વધારે છે. તેઓ થોડા જ દિવસની અંદર પોતાના પ્રેમનો એકરાર કરે છે. તેઓ કોઈ પણ વાતમાં ઉતાવળ કરતાં હોય છે. આ સાથે જ પૈસાની ડિમાન્ડ કરે છે અને એ પણ કોઈ ઇમરજન્સી દેખાડી. ઇનવેસ્ટમેન્ટ પ્લાન સતત ઓફર કરતાં રહે છે. વીડિયો કોલ નથી કરતા અને કોઈ દિવસ રૂબરુમાં મળવા પણ નથી આવતા. જોકે આ પ્રકારના સ્કેમ કરનારાની ટાઇપિંગ મિસ્ટેક અને ગ્રામરની ભૂલો ખૂબ જ થતી હોય છે. એવી વ્યક્તિ જેને કોઈ પણ મ્યુચ્યુઅલ ફ્રેન્ડ ન હોય અને કોઈ પણ ઓળખ વગર કનેક્ટ થતાં હોય એવી વ્યક્તિ આ પ્રકારના સ્કેમ કરી શકે છે.
સેફ્ટીને ધ્યાનમાં રાખવી
સોશિયલ મીડિયા પર આ પ્રકારના સ્કેમ ખૂબ જ વધુ થઈ રહ્યા હોવાથી મેટા દ્વારા કેટલાક સેફ્ટી ફીચરને લોન્ચ કરવામાં આવ્યાં છે. જો કોઈ વ્યક્તિ શંકાસ્પદ એકાઉન્ટ પરથી વાત કરી રહ્યો હોય તો એ વિશે યુઝરને સેફ્ટી નોટિસ મોકલવામાં આવશે. ખાસ કરીને દેશની બહાર બેઠા-બેઠા વાત કરતાં હોય એવા એકાઉન્ટ માટે ખાસ. મેટા દ્વારા ટીનેજર માટે ખાસ વોર્નિંગ ફીચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને બહુ જલદી એ ફીચરને પણ લોન્ચ કરવામાં આવશે.
કોલ બ્લોક કરવા
વોટ્સએપ દ્વારા સાઇલન્સ કોલ ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફીચર અજાણ્યા નંબર પરથી આવતાં કોલને અટકાવે છે. આથી જરૂર ન હોય એવા કોલથી બચી શકાય છે. ઓનલાઇન સ્કેમને અટકાવવા માટે આ ફીચરને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સાથે જ મેટા દ્વારા એક નવી સિસ્ટમ શરુ કરવામાં આવી છે. એ મુજબ સ્કેમ કરનારા અને શંકાસ્પદ એકાઉન્ટને ઓટોમેટિક બ્લોક કરી દેવામાં આવે છે. આ તમામ ફીચર મેટાના પ્લેટફોર્મને વધુ સિક્યોર બનાવવા માટે રજૂ કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચો: મુંબઈની ઓફિસ માટે એક મહિનાનું 4.79 કરોડ રૂપિયા ભાડુ ચૂકવશે ગૂગલ
અન્ય કંપનીઓ સાથે પાર્ટનરશિપ
મેટા કંપનીએ ભારતમાં ઇન્ટરનેટ પ્રોવાઇડર સાથે મળીને આ વિશે પણ વધુ કડક પગલાં લેવાનું શરુ કર્યું છે. ટેલિકોમ કંપની, ફિનટેક અને ડિજિટલ સર્વિસ પ્રોવાઇડર્સ દરેક એક સાથે મળીને ઓનલાઇન ફ્રોડ થતાં અટકાવી રહ્યા છે. ઓનલાઇન સ્કેમને દૂર કરવા માટે મેટા દ્વારા હાલમાં દરેક પ્લેટફોર્મ પરથી ટોટલ 4,08,000 એકાઉન્ટ્સને ડિલીટ કર્યાં છે. મોટાભાગના એકાઉન્ટ નાઇજિરિયા, ઘાના અને બેનિનથી ઓપરેટ કરવામાં આવતાં હતાં.