ગૂગલ પર ટ્રેન્ડ થઈ રહી છે મેટા: ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ્સના યુઝર હંમેશાં માટે ડિલીટ કરવા માગે છે એકાઉન્ટ, જાણો કેમ
Meta Trending On Google: મેટા કંપનીની પ્રોડક્ટ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ્સને ડિલીટ કેવી રીતે કરવાનું એ વિશે હાલમાં ગૂગલ પર વધુ સર્ચ કરવામાં આવી રહ્યું છે. ગૂગલ સર્ચનો આ ટ્રેન્ડ મેટા કંપની માટે ખતરાની ઘંટી સમો છે. જોકે આ ટ્રેન્ડ થવાનું કારણ મેટા કંપની પોતે છે. કંપનીએ તેની કન્ટેન્ટ મોડરેશન અને ફેક્ટ-ચેકિંગ પોલિસીમાં બદલાવ કરવામાં આવી રહ્યો હોવાની જાહેરાત કરી છે. આ જાહેરાતને કારણે ઘણાં યુઝર હવે એનો ઉપયોગ કરવાનું યોગ્ય નથી લાગી રહ્યું.
શું છે આ પોલીસી?
મેટા કંપની દ્વારા કન્ટેન્ટ મોડરેશન અને ફેક્ટ-ચેક ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમ દ્વારા સોશિયલ મીડિયા પર પોલિટિકલ કન્ટેન્ટ પર લિમિટ લગાવવામાં આવી હતી. તેમ જ ખોટી અને કોઈને નુક્સાન કરતી માહિતીને બ્લોક કરવામાં આવતી હતી. તેમ જ કોઈ પણ ન્યુઝ પાછળના તથ્યોને ચેક કરવામાં આવતાં હતાં. આ પોલીસીમાં હવે બદલાવ કરવાની જાહેરાત કરવામાં આવી છે. માર્ક ઝકરબર્ગ દ્વારા આ ટીમ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
બદલાવને લઈને થઈ ટીકા
માર્ક ઝકરબર્ગ દ્વારા જે બદલાવ કરવામાં આવી રહ્યો છે એને લઈને એની ખૂબ જ ટીકા કરવામાં આવી રહી છે. યુઝરનું કહેવું છે કે હવે મેટાના દરેક પ્લેટફોર્મ પર હેટસ્પીચ વધુ જોવા મળશે. તેમ જ ખોટી માહિતીઓ ભરપૂર જોવા મળશે. તેમજ ઇલેક્શન દરમ્યાન હવે વધુ પડતાં પોલિટિકલ કેમ્પેનને લગતી પોસ્ટ જોવા મળશે. આથી સોશિયલ મીડિયા હવે એટલું સોશિયલ નથી રહ્યું એવું ઘણાં યુઝર્સનું કહેવું છે.
ગૂગલ સર્ચ ટ્રેન્ડ
માર્ક ઝકરબર્ગના આ બદલાવની જાહેરાત બાદ ગૂગલ સર્ચ પર ઘણાં યુઝર્સ દ્વારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ્સને કેવી રીતે હંમેશાં માટે ડિલીટ કરવું એ વિશે સર્ચ કરવામાં આવી રહ્યું છે. ‘હંમેશાં માટે ફેસબુક કેવી રીતે ડિલીટ કરવું’ અને ‘ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કેવી રીતે ડિલીટ કરવું’ એ ખૂબ જ મોટી માત્રામાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. આ માત્રા એટલી મોટી છે કે એને ટકાવારીમાં માપવું ખોટું કહેવાશે. આ સાથે જ ‘ફેસબુકનો પર્યાય શું છે’, ‘કેવી રીતે ફેસબુક બંધ કરવું’ અને ‘કેવી રીતે થ્રેડ્સ ડિલીટ કરવું’ને પણ ખૂબ જ સર્ચ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા થોડા દિવસોમાં આ સર્ચની ટકાવારી 5000 ટકા ઘણી વધી ગઈ છે.
મેટા પર આરોપ
છેલ્લાં ઘણાં વર્ષથી મેટા કંપની દ્વારા આ હેટસ્પીચ અને ખોટી માહિતીને અટકાવવામાં આવી હતી. ખોટી માહિતીને કારણે અને હેટસ્પીચને કારણે ઘણી વાર હિંસા થાય છે. આવી હિંસામાં છ જાન્યુઆરીની કેપિટલ હિંસાને ગણવામાં આવે છે. એમાં ડોનાલ્ડ ટ્રમ્પનો હાથ હોવાનો પણ આરોપ લાગ્યો હતો. આ પ્રકારની માહિતીને મેટા કંપનીએ અટકાવવી જોઈએ. જોકે હવે તેમણે આ ડિપાર્ટમેન્ટ જ બંધ કરવાની જાહેરાત કરી હોવાથી તેમના પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તેઓ આ વિશે કોઈ એક્શન લેવા નથી માગતા. કંપની આ દરેક વસ્તુની સામે આંખ આડા કાન કરવા માગે છે.
દુનિયાભરમાં થાય છે અસર
સોશિયલ મીડિયા પર ખોટી માહિતી અને હેટ સ્પીચને કારણે જે હિંસા થાય છે એ ફક્ત અમેરિકામાં જ નહીં, પરંતુ ઘણી જગ્યાએ થાય છે. ભારતમાં પણ કોઈ જગ્યાએ કોમી રમખાણ થાય ત્યારે સોશિયલ મીડિયા બંધ કરવા માટે ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવે છે. થોડા સમય પહેલાં જ મ્યાનમારમાં પણ સોશિયલ મીડિયાને કારણે ઘણી હિંસા થઈ હતી. મિલિટરીના કેટલાક મેમ્બર દ્વારા ફેસબુકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એને લઈને રિહિંગ્યા કમ્યુનિટીના ઘણાં લોકો હિંસામાં મૃત્યુ પામ્યા હતા.