મેટા દ્વારા કોલેજ સ્ટૂડન્ટનું થ્રેડ એકાઉન્ટ સસ્પેન્ડ: ઝકરબર્ગ અને મસ્કના પ્રાઇવેટ જેટને કરી રહ્યો હતો ટ્રેક
Meta Suspend Collage Student Account: મેટા દ્વારા હાલમાં જ એક કોલેજ સ્ટૂડન્ટનું થ્રેડ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ વિદ્યાર્થી માર્ક ઝકરબર્ગ, ઇલોન મસ્ક, કિમ કાર્ડાશિયન, ડોનલ્ડ ટ્રમ્પ અને ટેલર સ્વિફ્ટ જેવી હસ્તીઓના પ્રાઇવેટ જેટને ટ્રેક કરી રહ્યો હતો. પ્રાઇવેટ જેટને ટ્રેક કરતો હોવાથી મેટા દ્વારા આ વિદ્યાર્થીના એકાઉન્ટને બંધ કરી દેવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીનું નામ જેક સ્વીની છે અને પ્રાઇવસી પોલિસી અને ભવિષ્યમાં શારીરિક હાની પહોંચાડી શકે તે કારણ આપીને તેનું એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું છે.
કોણ છે જેક સ્વીની?
જેક સ્વીની એક ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સ્ટુડન્ટ છે. તે યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ ફ્લોરિડામાં અભ્યાસ કરી રહ્યો છે. ટ્વિટર એટલે કે હાલમાં X પર બોટ એકાઉન્ટ બનાવીને તે ખૂબ જ ફેમસ થયો હતો. તે જાણીતી સેલિબ્રિટીઝ જેવી કે માર્ક ઝકરબર્ગ, ઇલોન મસ્ક, કિમ કાર્ડાશિયન, ડોનલ્ડ ટ્રમ્પ અને ટેલર સ્વિફ્ટ જેવી હસ્તીઓના પ્રાઇવેટ જેટને ટ્રેક કરે છે. આ ટ્રેકિંગના ડેટા તે સોશિયલ મીડિયા પર શેર કરે છે. કોણ ક્યાં અને ક્યારે પ્રાઇવેટ પ્લેનમાં જાય છે તે તમામ માહિતી તે સોશિયલ મીડિયા પર શેર કરે છે.
કેવી રીતે મેળવે છે માહિતી?
આ માટે જેક સ્વીની કોઈ ગેરકાયદેસર કામ નથી કરતો. અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા દરેક ડેટા કોઈને પણ મળી શકે છે. જો કે જેક આ તમામ ડેટાને મેળવીને તેને બોટ એકાઉન્ટ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરે છે. તેણે ટ્વિટર એટલે કે હાલમાં X દ્વારા શરૂ કર્યું હતું. ત્યાર બાદ ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ પર પણ આ પ્રકારના એકાઉન્ટ બનાવ્યા હતા. જો કે હવે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
મસ્ક અને ટેલર સ્વિફ્ટની ધમકી
ઇલોન મસ્ક અને ટેલર સ્વિફ્ટ દ્વારા જેક સ્વીનીને ધમકી આપવામાં આવી હતી. ટેલર સ્વિફ્ટ દ્વારા તો તેના પર કાયદેસરનો કેસ કરવામાં આવશે એવું પણ કહ્યું હતું. તેણે સ્ટોકિંગ અને હેરેસમેન્ટનો કેસ કરવાની તૈયારી દેખાડી હતી. 2022માં ઇલોન મસ્ક દ્વારા તેની ઇન્ફોર્મેશન શેર ન કરવા માટે પૈસાની ઓફર કરી હતી. જો કે જેક સ્વીનીએ પૈસાની ડિમાન્ડ કરી ત્યારે ઇલોન મસ્ક દ્વારા તેને એક પણ જવાબ આપવામાં નહોતો આવ્યો. ત્યાર બાદ ઇલોન મસ્કે ટ્વિટર ખરીદીને તેને X બનાવ્યું અને જેક સ્વીનીનું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું હતું. ઇલોન મસ્ક દ્વારા ફિઝિકલ સેફ્ટીનો ભંગ થઈ રહ્યો હોવાનું કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ કંપનીમાં નિયમ બનાવવામાં આવ્યો હતો કે કોઈ પણ વ્યક્તિ અન્ય વ્યક્તિની લાઇવ લોકેશનને શેર નહીં કરી શકે.
આ પણ વાંચો: વોટ્સએપનું નવું ફીચર: વેબ અને વિન્ડોઝ ઍપ્લિકેશનમાં પણ હવે સેવ કરી શકાશે કોન્ટેક્ટ
મેટાએ લીધો નિર્ણય
મેટા કંપની દ્વારા જેક સ્વીનીનું એકાઉન્ટ તેને કોઈ પણ પ્રકારની માહિતી આપ્યા વગર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. તેણે તેના પર્સનલ એકાઉન્ટ પરથી આ માહિતી શેર કરી હતી. મોટાભાગે મેટા કંપની દ્વારા માહિતી આપવામાં આવે છે, પરંતુ જેકને કોઈ પણ નોટિફિકેશન આપવામાં નહોતું આવ્યું અને તેના તમામ પ્રાઇવેટ પ્લેનને ટ્રેક કરતાં એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.