મેટા કંપનીનો ન્યુક્લિયર-પાવર્ડ AI ડેટા સેન્ટરનો પ્લાન અટકી જવાનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો... વાંચો કારણ
Meta Nuclear Plant: મેટા કંપનીએ ન્યુક્લિયર પાવરની મદદથી એક AI ડેટા સેન્ટર બનાવવા માટેની જાહેરાત કરી હતી. જોકે, આ ડેટા સેન્ટરનો પ્લાન હાલમાં અટકી ગયો છે. આ અટકવાનું કારણ પણ ખૂબ જ અજાયબ છે.
મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ
મેટા કંપનીના ચીફ એક્સીક્યુટીવ ઓફિસર માર્ક ઝકરબર્ગે વિઝન જોયું હતું કે મેટા પહેલી ટેક કંપની બનશે જે AI માટે ન્યુક્લિયર પાવરનો ઉપયોગ કરશે. આ માટે કંપનીએ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ઓપરેટર સાથે ડેટા સેન્ટર બનાવવા માટે ચર્ચા પણ શરૂ કરી દીધી હતી. આ ડેટા સેન્ટરને ઇંધણ-મૂક્ત ઇલેક્ટ્રિસિટીથી ચલાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. પર્યાવરણને પ્રદૂષિત ન કરવાની મેટાની પહેલમાં આ મહત્ત્વનો પ્લાન છે.
દુર્લભ મધુમાખી
આ ડેટા સેન્ટર માટે જ્યારે જગ્યા તપાસવામાં આવી રહી હતી ત્યારે ભાગ્યે જ જોવા મળતી મધુમાખીનો ગ્રુપ મળી આવ્યો. આ પ્રજાતિ કઈ છે એના વિશે જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ તેના કારણે આ પ્લાન પર બ્રેક લાગી ગઈ છે. પર્યાવરણ સુરક્ષા માટેની નિયમાવલીઓ આ બાબતને અટકાવી રહી છે.
રેગ્યુલેશન પ્રોસેસ
માર્ક ઝકરબર્ગે કહ્યું કે પર્યાવરણ અને નિયમન પ્રોસેસની જટિલતાઓ આ પ્રોજેક્ટને આગળ વધારવામાં અવરોધક બની છે. મેટા આને લગતી પર્યાવરણ સુરક્ષા નિયમાવલીઓને સ્ટડી કરી રહ્યું છે અને આ પ્રોસેસને આગળ વધારવા માટે યોગ્ય રસ્તો શોધી રહ્યું છે.
AIની એનર્જી ડિમાન્ડ
AIની એનર્જી ડિમાન્ડ ખૂબ જ વધુ છે અને તેને પૂરી કરવા માટે મેટા ન્યુક્લિયર પાવર તરફ વળ્યું છે. મેટાને જોઈને ગૂગલ, એમેઝોન અને માઇક્રોસોફ્ટ પણ સસ્ટેનેબલ એનર્જી માટે પ્રયાસ કરી રહ્યા છે. ગૂગલએ તાજેતરમાં કેરોસ પાવર સાથે ડીલ કરી છે અને માઇક્રોસોફ્ટે થ્રી માઇલ આઇલેન્ડ ન્યુક્લિયર પ્લાન્ટને ફરી શરૂ કરવા માટેની ડીલ કરી છે.
આ પણ વાંચો: સ્કેમર્સની નવી જાળ: સરકારી કર્મચારીઓના ઈમેલ આઇડી અને પાસવર્ડનું થઈ રહ્યું છે વેચાણ
ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કેન્સલ થયું તો...
મેટાના ન્યુક્લિયર પાવર પ્લાન્ટને મુલતવી રાખવાથી પર્યાવરણને વધુ નુકસાન થશે. હાઇ-ટેક કંપનીઓ હવે AI તરફ વળી રહી છે અને AIને વધુ પાવરની જરૂર છે. જો ન્યુક્લિયર પાવરની જગ્યાએ અન્ય કોઇ પર્યાય શોધવામાં આવે, તો પર્યાવરણને નુકસાન થઈ શકે છે. સોલર પાવર પ્લાન્ટ ડેટા સેન્ટરને પૂરતી એનર્જી પૂરી પાડી શકશે એમ નથી. એમેઝોન પણ 2040 સુધીમાં AI ડેટા સેન્ટર માટે 150 બિલિયન અમેરિકન ડોલર ખર્ચ કરવાની તૈયારીમાં છે.