ચેટજીપીટી અને જેમિની સામે ટકી રહેવું મેટા માટે જરૂરી: AI માટે લોન્ચ કરશે અલગથી એપ્લિકેશન
Meta AI Standalone App: મેટા કંપનીએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ રીલની એક અલગથી એપ લોન્ચ કરવાની યોજના બનાવી છે. જો કે, આ સાથે મેટા કંપની વધુ એક એપ પણ લોન્ચ કરી શકે છે. આ એપ્લિકેશન છે Meta AI. ચેટજીપીટી અને અન્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્લિકેશનોને ટક્કર આપવા માટે મેટા કંપની હવે પોતાના AI માટે અલગથી એપ્લિકેશન લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. માર્કેટમાં ટકી રહેવા અને અન્ય કંપનીઓને ટક્કર આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ચેટબોટ વિકાસ
2023ની સપ્ટેમ્બરમાં મેટા કંપની દ્વારા તેમના AIમાં અનેક ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. યૂઝર્સ ટેક્સ્ટ દ્વારા આ AI પાસેથી ઇમેજ બનાવવામાં સક્ષમ હતા. મેટા કંપની દ્વારા આ ફીચરને વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને મેસેન્જરમાં શામેલ કરવામાં આવ્યો હતો. આ તમામ એપ્લિકેશનો અને વેબ પરથી યૂઝર્સ મેટા AIનો ઉપયોગ કરી શકે છે. તેથી યૂઝર્સ માટે હવે કોઈ પણ વસ્તુને સર્ચ કરવું ખૂબ જ સરળ બની ગયું છે. જો કે, ઘણા યૂઝર્સ એવા છે જેઓ મોટાભાગે AIનો ઉપયોગ અલગ રીતે કરવાનું પસંદ કરે છે. તેથી ગયા વર્ષે ચોથા ક્વૉર્ટરની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
અલગ એપ્લિકેશન યૂઝર્સનું મંતવ્ય
મેટા કંપનીના ચીફ એક્સીક્યુટીવ ઓફિસર માર્ક ઝકરબર્ગ દ્વારા તેમની થ્રેડ્સ એપ્લિકેશન પર યૂઝર્સ સાથે ચર્ચા કરવામાં આવી હતી. એ દરમ્યાન ઘણા યૂઝર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મેટા કંપનીએ તેમના ડિજિટલ આસિસ્ટન્ટ માટે અલગથી એપ્લિકેશન બનાવવી જોઈએ. આ અંગે માર્ક ઝકરબર્ગે પણ તેમની સપાટી બતાવી હતી. યૂઝર્સનું માનવું છે કે આ અલગ એપ્લિકેશન તેમને અલગ અનુભવ આપે છે, જે તેમને અન્ય એપ્લિકેશનોમાં નથી મળતો. આ સાથે યૂઝર્સ તેમની ચેટબોટ સાથેની વાતચીતને પણ પ્રાઈવેટ રાખી શકે છે અને એ ચેટનો ઉપયોગ AI યૂઝરની જરૂરિયાતને સમજવા માટે ખૂબ જ સારી રીતે કરી શકે છે.
સબસ્ક્રિપ્શનની શરૂઆત
મેટા કંપની અત્યાર સુધી તેમના ફીચર્સને મફતમાં ઉપયોગ કરવા દે છે. જો કે, હવે તે પણ OpenAIની જેમ તેમના પ્રીમિયમ અને પાવરફુલ વર્ઝન માટે સબસ્ક્રિપ્શન વિકલ્પ ધરાવવાનો વિચાર કરી રહી છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે યૂઝર્સને હવે પૈસા ચૂકવવા પડશે. ચેટજીપીટી, કોપાઇલટ, ગ્રોક અને જેમિનીની જેમ મેટા પણ હવે આ પ્રકારના વર્ઝનની શરૂઆત કરવા જઈ રહી છે. મેટાના ફાઇનાન્સ ચીફ સુસાન લીએ જાન્યુઆરીમાં કહ્યું હતું કે કંપની હવે તેમના ગ્રાહકોને વધુ સારો અનુભવ આપવાના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પેઇડ ભલામણો થી લઈને પ્રીમિયમ ઓફરો વગેરે પર કંપની હવે વિચાર કરી રહી છે.
મેટા AIનું માર્કેટ પરફોર્મન્સ
મેટા AIના જાન્યુઆરીમાં એક્ટિવ યૂઝર્સમાં વધારો થયો છે. ડિસેમ્બરમાં એક્ટિવ યૂઝર્સ 600 મિલિયન હતાં, જે વધીને જાન્યુઆરીમાં 700 મિલિયન થયા છે. જો કે, કેટલીક એનાલિટિક્સ કંપનીઓને અન્ય AI એપ્લિકેશનો સાથે મેટા AIની સરખામણી કરવામાં મુશ્કેલી પડી રહી છે, કારણ કે મેટા AIની હજી સુધી પોતાની એપ્લિકેશન નથી. એક ડેટા અનુસાર મેટા AIને એક મહિનાના દસ લાખ મિનિટથી પણ ઓછા વ્યુઝ મળે છે અને એ ચેટજીપીટી અને જેમિની તો દૂરની વાત, પરંતુ અન્ય મિડ રેન્જની એપ્લિકેશનો કરતાં પણ ઓછું કહેવામાં આવે છે.
આ પણ વાંચો: એપલ પર કરવામાં આવ્યો કેસ: સ્માર્ટવોચમાં કાર્બન ન્યુટ્રાલિટી ન હોવાનો આરોપ
મેટા AIનો ઉપયોગ ભારતમાં વધુ
મેટા AI માટે ભારત ખૂબ જ મોટું માર્કેટ છે. ભારતમાં વોટ્સએપ યૂઝર્સ ખૂબ જ વધુ છે. તેમ જ મેટા AIનો સૌથી વધુ ઉપયોગ ભારતમાં વોટ્સએપ પર થાય છે. ત્યાર બાદ બીજા ક્રમે ફેસબુકનો સમાવેશ થાય છે. જો કે, ફેસબુકમાં પણ મેટા કંપનીને હવે વધુ પોટેન્શિયલ દેખાઈ રહ્યું છે.