ગૂગલ અને માઇક્રોસોફ્ટને ટક્કર આપવા મેટા તૈયાર: AIની મદદથી સર્ચ એન્જિન બનાવી રહ્યું છે
Meta AI Search Engine: મેટા કંપની હવે ગૂગલ અને માઇક્રોસોફ્ટને ટક્કર આપવાની તૈયારી કરી રહી છે. સર્ચ એન્જિનના માર્કેટમાં અત્યાર સુધી ગૂગલની મોનોપોલી હતી, પરંતુ માઇક્રોસોફ્ટ તેને સારી એવી ટક્કર આપી રહ્યું છે. ચીન અને અન્ય દેશોમાં તેમના પોતાના સર્ચ એન્જિન છે, પણ દુનિયાભરના માર્કેટમાં આ બે કંપનીઓનું વર્ચસ્વ છે અને હવે તેને તોડવા માટે મેટા કંપની એમાં પ્રવેશ કરી રહી છે.
સ્વતંત્રતા માટેનો પ્રયાસ
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપમાં Meta AI ચેટબોટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ હાલમાં ગૂગલ અને માઇક્રોસોફ્ટના બિંગ સર્ચ એન્જિનનો સહારો લે છે. ન્યૂઝ, સ્પોર્ટ્સ અને સ્ટોક્સ જેવી માહિતી માટે તેને આ સર્ચ એન્જિન પર નિર્ભર રહેવું પડે છે. આથી તે સ્વતંત્ર રીતે કામ કરી શકતું નથી. માટે, મેટા પોતાનું સર્ચ એન્જિન બનાવી રહ્યું છે જેથી તેમનું AI તેમની પોતાની શરતો પર કામ કરી શકે.
ડેવલપમેન્ટ સ્ટેજ
Meta દ્વારા આ માટે એક ટીમ બનાવવામાં આવી છે જે ફક્ત આ પ્રોજેક્ટ પર જ કામ કરી રહી છે. છેલ્લા આઠ મહિનાથી આ ટીમ એના પર ખૂબ જ મહેનત કરી રહી છે અને તેમણે એક ડેટાબેઝ તૈયાર કર્યો છે, જે સર્ચ એન્જિનને મદદ કરશે. ઘણી વાર એવા સમાચાર આવ્યા છે કે મેટા દ્વારા ઇન્ટરનેટ પરથી ડેટા કલેક્ટ કરવામાં આવી રહ્યો છે. આ ડેટા સર્ચ એન્જિન બનાવવા માટે અને તેમના ચેટબોટને માહિતી પૂરી પાડવા માટે કલેક્ટ કરવામાં આવી રહ્યો હતો. આ સર્ચ એન્જિનમાં Meta AI નો ઉપયોગ થતાં ન્યૂઝ, કરન્ટ અફેર્સ અને કોઇ પણ ઇવેન્ટ માટેની સમરી તેમને ચેટબોટમાં પણ મળી જશે. મેટાને આ માટે અન્ય સોર્સની જરૂર નહીં પડે.
યુઝર્સને ફાયદો
AI સર્ચ એન્જિનની મદદથી મેટા અને યુઝર્સ બન્નેને ફાયદો થશે. મેટા માટે ફાયદો એ થશે કે તેને ગૂગલ અને બિંગ પર નિર્ભર ન રહેવું પડશે, જેને કારણે API માટેનો ખર્ચ પણ બચશે. આ સાથે જ મેટા યુઝરને ખૂબ જ પર્સનલાઇઝ ઇન્ફોર્મેશન પૂરી પાડી શકશે. મેટા સર્ચ એન્જિન માર્કેટમાં આવવાથી સ્પર્ધા વધશે અને એનો સીધો ફાયદો યુઝર્સને મળશે. યુઝર્સને કયું સર્ચ એન્જિન વાપરવું, એ પસંદ કરવાની મકાન મળી જશે.
પડકારો
ઝીરોથી સર્ચ એન્જિન બનાવવું એ કોઈ નાની વાત નથી. આ માટે મેટાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ટેક્નિકલ અને નાણાકીય પડકારો ઉપરાંત, મેટાને એ ખાતરી કરવી પડશે કે તેમનું સર્ચ એન્જિન ગૂગલ અને બિંગ કરતા વધુ સારી અને વિશ્વાસપાત્ર માહિતી આપે છે. જો એમાં સફળ રહે, તો જ સર્ચ એન્જિન સફળ રહેશે અને આ મેટા માટે ખૂબ જ મોટી ચેલેન્જ છે.
સર્ચ એન્જિનનું ભવિષ્ય
મેટાની જેમ OpenAI અને Apple પણ AI ની મદદથી સર્ચ એન્જિન બનાવવા પર ફોકસ કરી રહ્યા છે. તેઓ પણ અન્ય કંપનીઓ પર નિર્ભર રહેવા માંગતા નથી. આથી, ભવિષ્યમાં વધુ સર્ચ એન્જિન જોવા મળશે. સ્પર્ધા વધશે, નવી ટેક્નોલોજી આવશે અને તે યુઝર્સને અવનવી રીતે માહિતી પૂરી પાડશે.