Get The App

ચીનને ટક્કર આપવા મેટાની નીતિમાં ફેરફાર, Llama AIનો ઉપયોગ અમેરિકન મિલિટરીમાં કરવાની મંજૂરી

Updated: Nov 5th, 2024


Google NewsGoogle News
ચીનને ટક્કર આપવા મેટાની નીતિમાં ફેરફાર, Llama AIનો ઉપયોગ અમેરિકન મિલિટરીમાં કરવાની મંજૂરી 1 - image


Meta Give AI Access To US Government: મેટા કંપની દ્વારા હાલમાં જ તેમની Llama AIની પોલિસીમાં બદલાવ કરવામાં આવ્યો છે. આ બદલાવ તેમણે અમેરિકાની મિલિટરી માટે કર્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલનો ઉપયોગ મિલિટરીમાં કરવા માટેની પરવાનગી આપવામાં આવી છે. આ પરવાનગી આપવાનું કારણ ચીન છે. ચીન દ્વારા ગેરકાયદેસર Llama AIનો ઉપયોગ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ ખાસ મિલિટરી માટે બનાવવામાં આવ્યું હોવાના અહેવાલો છે.

પોલિસીમાં બદલાવ

ચીન દ્વારા આ ટૂલ બનાવવામાં આવ્યા હોવાના અહેવાલો દરમ્યાન, મેટા કંપનીએ તેની ટીકા કરી હતી અને કહ્યું હતું કે આ ટૂલ ગેરકાયદે ઉપયોગમાં લેવામાં આવ્યું છે. મેટા કંપનીની પોલિસી છે કે તેમના ટૂલનો ઉપયોગ મિલિટરી માટે કરવામાં નહીં આવે. જો કે, ચીન દ્વારા એ કરવામાં આવતાં, મેટા દ્વારા તેમના આ મોડલનો ઉપયોગ અમેરિકાની મિલિટરીને કરવાની પરવાનગી આપવામાં આવી છે. માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે 'અમેરિકાની સરકારના દરેક ડિપાર્ટમેન્ટમાં Llama AIનો ઉપયોગ કરવામાં આવે એ માટે અમે તેમની સાથે મળીને કામ કરી રહ્યાં છીએ.'

સરકારની સાથે કોન્ટ્રેક્ટરને પણ પરવાનગી

મેટા કંપનીએ અમેરિકાની સરકારને પરવાનગી આપવા સાથે, તેમના દેશના ડિફેન્સ માટે કામ કરતાં દરેક કોન્ટ્રેક્ટરને Llama AIનો ઉપયોગ કરવાનું એક્સેસ આપ્યું છે. આ કોન્ટ્રેક્ટરમાં એમેઝોન વેબ સર્વિસીસ, ઓરેકલ, માઇક્રોસોફ્ટ, પ્લાન્ટિએર અને લોકહીડ માર્ટિન જેવી ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, ઓરેકલ Llama AIનો ઉપયોગ કરીને એરક્રાફ્ટ મેઇન્ટેનન્સના ડોક્યુમેન્ટ્સ બનાવવાનું કામ સરળ બનાવશે. આ સાથે જ ટેક્નિશિયન સરળતાથી પ્લેનમાં શું ખરાબી છે તે શોધી શકશે અને રિપેરનો સમય પણ બચશે.

આ પણ વાંચો: મિલિટરી ટૂલ બનાવવા માટે મેટાનું Llama AIનો ઉપયોગ કરી રહ્યું છે ચીન, જાણો વિગતો...

ચીનને ટક્કર આપવા મેટાની નીતિમાં ફેરફાર, Llama AIનો ઉપયોગ અમેરિકન મિલિટરીમાં કરવાની મંજૂરી 2 - image

ડેટા સિક્યુરિટી

Llama AIની મદદથી દરેક ગુપ્ત માહિતીને ક્લાઉડ પ્લેટફોર્મ પર સ્ટોર કરવામાં આવશે. આ માટે એમેઝોન વેબ સર્વિસીસ અને માઇક્રોસોફ્ટે તેની જવાબદારી ઉઠાવી છે. તમામ માહિતીની સુરક્ષા માટે આ કંપનીઓ જવાબદાર રહેશે, જેને કારણે હવે માહિતી ચોરી કરવી વધુ મુશ્કેલ બની જશે. બન્ને કંપની Llama AIનો ઉપયોગ કરશે. તેમ જ દરેક માહિતી અલગ-અલગ પ્લેટફોર્મ પર અલગ-અલગ રીતે સ્ટોર કરવામાં આવશે, જેથી હેકર્સ માટે તેને હેક કરવું ખૂબ જ મુશ્કેલ થશે.

આ પણ વાંચો: રિવોર્ડ પોઇન્ટ રિડેમ્પશનના નામે છેતરપિંડી: SBIની ચેતવણી જાણો અને બચો

અન્ય દેશોને પણ સહાય

અમેરિકાની સાથે, મેટા કંપનીએ તેમના Llama AI મોડલને યુનાઇટેડ કિંગડમ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલેન્ડની સરકારને પણ એક્સેસ આપ્યું છે. આ એક્સેસને કારણે આ દેશો પણ હવે AIનો ઉપયોગ તેમની મિલિટરીમાં કરી શકશે. આથી, ચીનને ટક્કર આપવા માટે અમેરિકા સજ્જ થઈ ગયું છે અને અન્ય દેશોને પણ તે માટે તૈયાર કરી રહ્યું છે.


Google NewsGoogle News