‘તમારું કામ સરકારી વિભાગ કરતા પણ ખરાબ’, પેજ બ્લૉક મુદ્દે દિલ્હી હાઈકોર્ટમાં ‘ફેસબુક’ની ઝાટકણી
દિલ્હી હાઈકોર્ટે એક ટીવી ચેનલનું ઈન્સ્ટાગ્રામ પેજ બ્લૉક કરવાની અરજી મામલે આજે સુનાવણી હાથ ધરી હતી, જેમાં કોર્ટે ફેસબુક (Facebook), ઈન્સ્ટાગ્રામ (Instagram) અને વોટ્સએપ (WhatsApp)ની પેટા કંપની મેટા (Meta)ની ઝાટકણી કાઢી છે. કોર્ટે કહ્યું કે, મેટાની કામ કવાની રીત સરકારી વિભાગો કરતાં પણ ખરાબ છે.
ઈન્સ્ટાગ્રામ પેજ બ્લૉક કરાતા કોર્ટમાં ફરિયાદ
વાસ્તવમાં ઈન્ટાગ્રામે એક ટીવી ચેનલનું ઈન્સ્ટાગ્રામ પેજ બ્લૉક કરી દીધું હતું. આ કેસની સુનાવણી કરી રહેલા એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પીએસ અરોરાની બેંચે કહ્યું કે, જો મીડિયા હાઉસે ફરિયાદ કર્યા બાદ સુનાવણી ન થાય તો પ્રથમ દ્રષ્ટિએ એવું માનવામાં આવશે કે, સોશિયલ મીડિયા ટીવી ચેનલના કાઉન્સિલને ગોળગોળ ફેરવી રહ્યા છે.
નહીં તો કોર્ટ મેટાને દંડ ફટકારશે : દિલ્હી હાઈકોર્ટ
કોર્ટે મેટાની ઝાટકણી કાઢી કહ્યું કે, ‘તમારું કામ સરકારી વિભાગથી પણ ખરાબ છે. મહેરબાની કરીને સાવધાન રહો. તમારી સિસ્ટમ કામ કરી રહી નથી. મેટાએ પોતાની સિસ્ટમને યોગ્ય રાખવી પડશે. નહીં તો કોર્ટ દંડ ફટકારવાનો આદેશ પસાર કરી શકે છે.’ ઉલ્લેખનીય છે કે, થર્ડ પાર્ટી કોપીરાઈટનું ઉલ્લંઘન થયું હોવાની ફરિયાદ બાદ ઈન્સ્ટાગ્રામ પેજને બંધ કરાતા ટીવી ચેનલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી-2021ના નિયમ 3(1)(c)ની બંધારણીયતાને પણ પડકારવામાં આવી છે.