Get The App

ઘરની વસ્તુ ખરીદવા માટે 2100 રૂપિયાની ભોજન માટેની કૂપનનો ઉપયોગ કરતાં મેટાએ 24 કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂક્યા

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
ઘરની વસ્તુ ખરીદવા માટે 2100 રૂપિયાની ભોજન માટેની કૂપનનો ઉપયોગ કરતાં મેટાએ 24 કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂક્યા 1 - image


Meta Fired Employee Over Food Coupon: મેટા કંપની દ્વારા હાલમાં ખૂબ જ નાનકડી વાતને લઈને કંપનીમાંથી 24 વ્યક્તિને કાઢી મૂકવામાં આવ્યા છે. મેટાએ ઘણા કર્મચારીઓને હાલમાં કંપનીમાંથી છૂટા કર્યા છે અને હજી પણ કરવાનું છે. જોકે આ 24 કર્મચારીની ભૂલ માત્ર એટલી હતી કે તેમણે ભોજન માટેની કૂપનનો ઉપયોગ ઘરની વસ્તુ ખરીદવા માટે કર્યો હતો.

ભોજન માટેની કૂપન

લોસ એન્જલસની કંપનીમાં કામ કરનારા કર્મચારીઓને ભોજન માટે 25 અમેરિકન ડૉલર એટલે કે અંદાજે 2100 રૂપિયાની કૂપન આપવામાં આવે છે. આ કૂપનનો ઉપયોગ ભોજન માટે કરવાનો હોય છે. જો કે કેટલાક કર્મચારીઓએ એ કૂપનનો ઉપયોગ ટૂથપેસ્ટ, કપડાં ધોવાનો પાવડર અને વાઇન ગ્લાસ જેવા ઘરની વસ્તુ ખરીદવા માટે કર્યો હતો. તેમ જ કામ ન કરી રહ્યા હોય ત્યારે ઘરે ફૂડ મોકલનાર વ્યક્તિને પણ કાઢી મૂકવામાં આવ્યા છે.

હ્યુમન રિસોર્સ ઇનવેસ્ટિગેશન

કંપની દ્વારા હ્યુમન રિસોર્સ ઇનવેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું. આ ઇનવેસ્ટિગેશનમાં જાણવા મળ્યું હતું કે ઘણી વખત કર્મચારીઓ ભોજન માટેની કૂપનનો દુરુપયોગ કરી રહ્યા છે. એક મહિલા કર્મચારી જેની સેલરી 4,00,000 અમેરિકન ડૉલર છે, તેને પણ ફૂડ માટેની કૂપન આપવામાં આવે છે. તેનો પતિ જ્યારે ભોજન બનાવતો હોય અથવા તો તે તેના મિત્ર સાથે બહાર ડિનર કરતી હોય ત્યારે આ કૂપનનો ઉપયોગ ઘરે ભોજન મોકલવા માટે કરતી હતી. કંપની દ્વારા ઘણી વાર કર્મચારીઓને ચેતવવામાં આવ્યા હતા. જો કે, જેઓ સતત આ નિયમનો ભંગ કરી રહ્યા હતા, તેમને કંપનીએ કાઢી મૂક્યા છે.

ઘરની વસ્તુ ખરીદવા માટે 2100 રૂપિયાની ભોજન માટેની કૂપનનો ઉપયોગ કરતાં મેટાએ 24 કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂક્યા 2 - image

કંપનીના નવા નિયમો

મેટા કંપની કેવી રીતે કામ કરી રહી છે એના સ્ટ્રક્ચર પર નવેસરથી કામ કરવામાં આવ્યું છે. એના હેઠળ જે પણ કર્મચારીઓ સતત નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, તેમને દરવાજા દેખાડવામાં આવી રહ્યા છે. તેમ જ આ સ્ટ્રક્ચર હેઠળ છટણી કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં મેટામાંથી 21000 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. હાલમાં મેટામાં 70,799 કર્મચારીઓ કામ કરી રહ્યા હોવાનો અંદાજ છે.

આ પણ વાંચો: વોટર સાઇકલમાં અસંતુલન: માનવ ઇતિહાસનો પાણીને લગતો સૌથી મોટો ખતરાનો સંકેત

ફ્રીમાં ભોજન

ટૅક્નોલૉજી સેક્ટરમાં ઘણું કામ હોવાથી મોટાભાગની કંપનીઓમાં ફ્રીમાં ભોજન પૂરું પાડવામાં આવે છે. મેટાની મોટી-મોટી કંપનીઓમાં કાફે હોવાથી ત્યાં ભોજન ફ્રીમાં મળી રહે છે. જો કે, નાની-નાની ઑફિસોમાં એ ન હોવાથી ત્યાં કર્મચારીઓને ફૂડ માટે કૂપન આપવામાં આવે છે. દરરોજ બ્રેકફાસ્ટ માટે 20 ડોલર, લંચ માટે 25 અને ડિનર માટે 25 ડોલર આપવામાં આવે છે. કર્મચારીઓને તેમના સમય અને ઑફિસના સમય અનુસાર આ કૂપનનો ઉપયોગ કરવો પડે છે.


Google NewsGoogle News