ભારતમાં મેટા કંપનીને મોટો ફટકો, 213 કરોડનો દંડ અને પાંચ વર્ષ માટે બેન
Meta Fined 213 Crore: ભારતમાં કોમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા (CCI) દ્વારા ફેસબુકની પેરન્ટ કંપની મેટા પર 213.14 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને પાંચ વર્ષનો બેન લગાવવામાં આવ્યો છે. 2021ની વોટ્સએપ પ્રાઇવસી અપડેટના કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે. આ પ્રાઇવસી અપડેટ દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી, જે માટે આ દંડ અને બેન લાગુ કરવામાં આવ્યો છે. તેમજ કંપનીને આ પ્રકારની પ્રવૃત્તિઓથી ભવિષ્યમાં દૂર રહેવાનું સૂચન કરવામાં આવ્યું છે.
શું છે કેસ?
કોમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા દ્વારા 2021માં વોટ્સએપ વિરુદ્ધ આ પગલાં ઉઠાવવામાં આવ્યા હતા. તે સમયે વોટ્સએપ દ્વારા યુઝર્સના ડેટાને એકત્ર કરવામાં આવ્યા હતા અને એ ડેટાને મેટાની અન્ય કંપનીઓ સાથે શેર કરવામાં આવ્યા હતા. આને યુઝર્સની પ્રાઇવસીનું ઉલ્લંઘન ગણવામાં આવ્યું છે.
પાંચ વર્ષનો બેન
મેટા કંપનીને 213.14 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, સાથે સાથે વોટ્સએપ પર પણ બેન લગાવવામાં આવ્યો છે. વોટ્સએપ હવે મેટા કંપનીની કોઈપણ અન્ય કંપની અથવા બિન-મેટા કંપનીને પાંચ વર્ષ સુધી કોઈપણ ડેટા આપશે નહીં. એડવર્ટાઇઝમેન્ટ માટે પણ આ ડેટાને શેર કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આથી, વોટ્સએપ અને મેટાને રેવેન્યુમાં મોટો ફટકો પડશે. વોટ્સએપના ભારતમાં 500 મિલિયનથી વધુ એક્ટિવ યુઝર્સ છે.
પ્રાઇવસી પોલીસીની તપાસ
કોમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા દ્વારા 2021માં વોટ્સએપની પ્રાઇવસી પોલિસીને અપડેટ કરવામાં આવી હતી. આ મુજબ, વોટ્સએપ ફેસબુક અને મેટાની અન્ય કંપનીઓ સાથે પણ ડેટા શેર કરશે. 2016થી, યુઝર્સ પાસે તેમના ડેટા શેર કરવા અથવા ન કરવાનો વિકલ્પ હતો. પરંતુ 2021ની જાન્યુઆરીમાં રજૂ કરેલી નીતિ અનુસાર, વોટ્સએપના ઉપયોગ માટે આ તમામ શરતો માનવી ફરજિયાત હતી.
મેટાનો યુ-ટર્ન
આ નીતિની ખૂબ ટીકા કરવામાં આવી હતી. લોકોએ વખોડી કાઢતાં મેટા કંપનીએ યુ-ટર્ન લીધો અને એ નીતિને કેન્સલ કરવાનો નિર્ધાર કર્યો. જોકે, વોટ્સએપ દ્વારા યુઝર્સને ખાતરી આપવામાં આવી કે તેમની પ્રાઇવસી સુરક્ષિત છે અને બિઝનેસ સંબંધિત નીતિમાં બદલી કરવામાં આવી છે.
મેટા પર લગાવેલા આરોપ
મેટા કંપનીની નવી નીતિ પર સાડા ત્રણ વર્ષ સુધી તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ કોમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયાએ નક્કી કર્યું કે વોટ્સએપની નીતિ યોગ્ય નથી. ઉપયોગ કરવો હોય તો શરતો માનવી જ પડશે, તે ખોટું છે. આ નીતિમાં યુઝર્સ પાસે અસ્વીકાર કરવાનો વિકલ્પ નથી અને તેમના ડેટાને મેટા કંપની સાથે શેર કરવાની શરત માનવી જ પડશે. આથી યુઝર્સ પાસે સ્વતંત્રતા નહોતી અને તેમને નિયંત્રણમાં રાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: સ્કેમર્સનો સમય બગાડવા માટે નવી યુક્તિ: આવી ગઈ AI દાદી
કોમ્પિટિશન પર અસર
કોમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા મુજબ, મેટા કંપનીએ કલમ 4(2)(A)(I)નું ઉલ્લંઘન કર્યું છે. CCIનું કહેવું છે કે મેટાએ ઓનલાઇન એડવર્ટાઇઝમેન્ટના માર્કેટમાં પોતાનું પ્રભુત્વ જમાવી રાખવા માટે મેસેજિંગ ઍપ્લિકેશનમાં પોતાના સ્થાનનો ફાયદો ઉઠાવ્યો છે. મેટાની તમામ કંપનીઓને વોટ્સએપ દ્વારા ડેટા મળી જતાં, અન્ય કંપનીના માર્કેટમાં પ્રવેશ માટે અવરોધ ઊભા થયા છે. આથી, કોમ્પિટિશન સામાન્ય રીતે રહેતી નથી.
અંતિમ નિર્ણય
આ કારણસર મેટા કંપનીને દંડ સાથે વોટ્સએપને પાંચ વર્ષ સુધી ડેટા શેર ન કરવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.