મધમાખીઓ ઝુકરબર્ગ માટે માથાનો દુઃખાવો બની, ન્યૂક્લિયર આધારિત AI ડેટા સેન્ટર ઘોંચમાં
Mark Zuckerberg AI Project: મેટા પ્લેટફોર્મ્સના સીઈઓ માર્ક ઝુકરબર્ગની ન્યુક્લિયર ઉર્જા સંચાલિત એઆઈ ડેટા સેન્ટર સ્થાપવાની મહત્વાકાંક્ષી યોજના પર મધમાખીઓને કારણે પાણી ફરી વળ્યું છે. પ્લાન્ટના સ્થળે દુલર્ભ પ્રજાતિની મધમાખીઓ મળી આવતાં કંપનીએ હવે અનેક સરકારી નિયમોનું પાલન કરવું પડે તેમ હોઈ તેમાં અવરોધ સર્જાયો હોવાનું અહેવાલો જણાવે છે. અન્ય સ્પર્ધક કંપનીઓ પણ આ પ્રકારના ડેટા સેન્ટર બનાવી રહી હોવાથી મેટાએ પણ આ મામલે ઝડપથી નિર્ણય લેવો પડશે તેવું ઝુકરબર્ગે જણાવ્યું હતું.
ન્યુક્લિયર ઉર્જા સંચાલિત AI સેન્ટર
2022માં ઝુકરબર્ગની 100 અબજની નેટવર્થ ધોઈ નાંખનારા મેટાવર્સે આ વર્ષે બીજા ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં સારા પરિણામો આપતાં ઝુકરબર્ગની સંપત્તિમાં જંગી વધારો થયો છે. જેના પગલે ઝુકરબર્ગે એઆઇમાં કંપનીને અગ્રણી સ્થાન અપાવવા ન્યુક્લિયર ઉર્જા સંચાલિત એઆઈ ડેટા સેન્ટર બનાવવાની યોજના ઘડી હતી.
આ પણ વાંચોઃગુજરાતમાં મેડિકલ માફિયા બેફામ, હોસ્પિટલમાં દર્દીઓ 'ગ્રાહક' બન્યાં, વીમા કંપનીઓને બખ્ખાં
દુર્લભ પ્રજાતિની મધમાખીથી પ્રોજેક્ટ ઘોંચમાં
આ ડેટા સેન્ટર જ્યાં બનાવવાનું હતું ત્યાં દુર્લભ પ્રજાતિની મધમાખીઓ મળી આવતાં આ પ્રોજેક્ટ ઘોંચમાં પડ્યો છે. જો આ પ્લાન્ટ સાકાર થયો હોત તો મેટા પાસે તે પરમાણુ ઉર્જા સંચાલિત દુનિયાનું પ્રથમ એઆઈ ડેટા સેન્ટર બન્યું હોત.
અન્ય ટોચની કંપનીઓ પણ સ્પર્ધામાં
ગુગલે 2030માં શરૂ થનારાં તેના ડેટા સેન્ટર્સ માટે વીજ પુરવઠો પુરો પાડવા સાત મીની ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવાની જાહેરાત કરી હતી. એમેઝોન અને માઈક્રોસોફટે પણ આ દિશામાં કામ શરૂ કર્યું છે. આ કંપનીઓની સ્પર્ધામાં પાછળ ન પડી જવાય તે માટે ઝુકરબર્ગે પણ પરમાણુ ઉર્જા સંચાલિત એઆઇ સેન્ટર બનાવવાની દિશામાં કામ શરૂ કર્યું હતું પણ તેમાં હવે મધમાખીઓને કારણે અવરોધ સર્જાયો છે. એઆઈ ડેટા સેન્ટર્સમાં જટિલ નેટવર્કિંગ ઈન્ફ્રાસ્ટ્રકચર તથા વિશાળ સ્ટોરેજ સિસ્ટમ ઉભી કરવામાં આવતી હોઈ તેમાં જંગી વીજ પુરવઠાની જરૂર પડે છે. આ વીજ પુરવઠો મેળવવા માટે કંપનીઓ હવે મીની ન્યુક્લિયર પ્લાન્ટ બનાવવા માંડી છે.