રશિયન મીડિયાને બેન કર્યું મેટાએ, ‘વિદેશી દખલગિરી’નું નામ આપી આ પગલું ભર્યું
Meta Block Russian Media: મેટા કંપની દ્વારા રશિયાની મીડિયાને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને થ્રેડ્સ પરથી બેન કરવામાં આવી છે. આ મીડિયા કંપનીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ ગુપ્ત રીતે લોકોને ઇન્ફ્લુએન્સ કરવા માટે કરવામાં આવી રહ્યો હતો. દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની દ્વારા રશિયન મીડિયાને બેન કરવામાં આવ્યું હોવાથી હાઉસ ઓફ રશિયન ફેડરેશન ક્રેમ્લિન દ્વારા એની ટિકા કરવામાં આવી છે.
ના છૂટકે કરવું પડ્યું બ્લોક
છેલ્લા ઘણાં સમયથી મેટા કંપની તેમના વિવિધ પ્લેટફોર્મ પર રશિયન મીડિયાની કેટલીક એડ્સને બ્લોક કરી રહી હતી. તેમ જ તેમની પોસ્ટને વધુ લોકો સુધી પહોંચાડતા અટકાવી રહી હતી. આ એવી પોસ્ટ હતી જે લોકોને ગેરમાર્ગે દોરતી હતી. તેમ જ ગુપ્ત રીતે લોકોને ખોટી રીતે પ્રભાવિત કરતી હતી. જોકે એમ છતાં તેમના આ પ્રકારના ઓપરેશન સતત ચાલું રહેતાં એને બ્લોક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશે મેટા દ્વારા સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે ‘ઘણી ચર્ચા વિચારણ કર્યા બાદ અમે રશિયન સ્ટેટ મીડિયાને આખરે બ્લોક કરવાનું નક્કી કર્યું છે. રોસિયા સેગોડ્ન્યા, RT અને અન્ય કંપનીઓને અમારા દરેક પ્લેટફોર્મ પરથી દુનિયાભરમાં બ્લોક કરી રહ્યાં છીએ. તેઓ ‘વિદેશી દખલગિરી’ કરી રહ્યાં હતાં.’
મેટા કંપનીએ પોતાનું નામ બદનામ કર્યું?
બેન પહેલાં RT મીડિયાના ફેસબુક પર 7.2 મિલિયન ફોલોઅર્સ હતા અને ઇન્સ્ટાગ્રામ પર એક મિલિયન કરતાં વધુ ફોલોઅર્સ હતા. આ બેન વિશે હાઉસ ઓફ રશિયન ફેડરેશન ક્રેમ્લિનના પ્રવક્તા ડિમિટ્રી પેસ્કોવે કહ્યું હતું કે ‘આ પ્રકારના નિર્ણય લઈને મેટા પાતોનું નામ બદનામ કરી રહ્યું છે. ફક્ત રશિયન મીડિયા માટે આ પ્રકારના સિલેક્ટિવ એક્શન મેટા દ્વારા લેવામાં આવ્યાં એ અમને સ્વિકાર્ય નથી. મેટા સાથે અમારા રિલેશનને નોર્મલ કરવામાં આ એક્શન હવે વધુ અડચણ ઊભી કરશે.’
2022થી થઈ હતી શરૂઆત
મોસ્કો દ્વારા 2022માં મેટા કંપનીને ઉગ્રવાદી કંપની જાહેર કરવામાં આવી હતી. એ વર્ષે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને રશિયામં બ્લોક કરી દેવામાં આવ્યું હતું. યુક્રેન અને રશિયાની વોરને લઈને ફેસબુક પર ઘણાં લોકો તેમનો ગુસ્સો કાઢી રહ્યાં હતાં. ફેસબુકે તેની હેટ સ્પીચ પોલીસીને કારણે આ તમામ પોસ્ટને કાઢી નાખી હતી. આથી રશિયાએ ડિમાન્ડ કરી હતી કે તેમના લોકોને આ ગુસ્સો કાઢવા દેવામાં આવે અને પોલીસીમાં બદલાવ કરવામાં આવે. જોકે એ શક્ય ન થતાં રશિયાએ બન્ને પ્લેટફોર્મ જ બ્લોક કરી દીધા હતા. વોટ્સએપને પણ બેન કરી દેવામાં આવ્યું હતું. જોકે એનો ઉપયોગ ખૂબ જ વધુ પ્રમાણમાં થતો હોવાથી એને અનબ્લોક કરવામાં આવ્યું હતું. રશિયમાં ટેલિગ્રામનો ઉપયોગ પણ ખૂબ જ થાય છે.
વાઇટ હાઉસે કમેન્ટ કરવાનું ટાળ્યું
આ વિશે અમેરિકાના વાઇટ હાઉસ દ્વારા મેટા કંપનીના આ નિર્ણય વિશે કમેન્ટ કરવાનું ટાળવામાં આવ્યું હતું. RT મીડિયાના બે કર્મચારી પર અમેરિકાની સરકાર દ્વારા મની-લોન્ડરિંગનો કેસ ફાઇલ કરવામાં આવ્યો છે. 2024ના ઇલેક્શનમાં દખલગિરી કરવા માટે આ મીડિયા હાઉસ દ્વારા અમેરિકન કંપનીને હાયર કરી તેમની પાસે કન્ટેન્ટ બનાવવામાં આવતું હોવાની ચર્ચા ચાલી હતી.