પ્રચંડ સૂર્ય તોફાન : આકાશમાં અદ્ભુત નઝારો પૃથ્વી પર ભારે અસર: સંચાર પ્રણાલીઓ તૂટી પડી
- આ વખતે 'જીયો-મેગ્નેટિક-સ્ટોર્મ' તેની ૫ માંથી ૫ની તીવ્રતમ સીમાએ: યુ.એસ. વેધર પ્રિડીકશન સેન્ટરે આપેલી ચેતવણી
બોલ્ડર, કોલોરાડો : 'સૂર્ય-કીરીટ'ની જ્વાળાઓ અચાનક જ લેલિહ્યમાન બની લંબાઈ જતાં આકાશમાં અદ્ભૂત નઝારા દેખાઈ રહ્યા છે, અને અમેરિકાના આલ્બામા તથા નોર્ધન કેલિફોર્નિયા સુધી અદ્ભૂત ઔરોરાએ આકાશમાં ''દૈવી-રંગોળી'' પૂરાઈ રહી હોય તેવું દ્રશ્ય વિસ્તરી રહ્યું હતું. પરંતુ તે સાથે જીયો-મેગ્નેટિક-સ્ટોર્મની અસરને લીધે પૃથ્વી પરની સંચાર વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. કારણ કે આ 'તોફાન'ની તીવ્રતા ચરમસીમાએ પાંચમાંથી પાંચ સુધી પ્રસરી રહી હતી.
આ માહિતી આપતા સી.એન એન જણાવે છે કે, આવું ભાગ્યે જ બનતું દ્રશ્ય ઓક્ટોબર ૨૦૦૩માં જોવા મળ્યું હતું. આ વખતે આ અદ્ભૂત દ્રશ્ય સપ્તાહના અંતિમ દિવસોમાં પણ દેખાઈ શકશે, તેમ કહેતા યુ.એસ.ની નેશનલ ઓરાનિક એન્ડ એટમોસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશન જણાવે છે કે, આવો અદ્ભૂત નઝારો વર્ષો સુધી જોવા મળ્યો નથી.
વિજ્ઞાાની બિલ નીયે આ સૂર્ય તોફાનો અંગે આશંકા દર્શાવી છે, અને કહ્યું છે કે આપણો સમાજ વિજ્ઞાાન અને ટેકનોલોજી ઉપર આધારિત છે. આ સાથે તેઓએ ૧૮૫૯માં બનેલી 'કેટિંગટન ઘટના'ની યાદ આપી હતી અને કહ્યું હતું કે ઈલેક્ટ્રિસીટી અને ઈલેકટ્રોનિકસ ઉપર આપણે ઘણો મદાર રાખીએ છીએ પરંતુ તેમાં જો ભંગાણ પડે તો તેમાંથી શી સ્થિતિ સર્જાઈ શકે તેનો પણ વિચાર કરવો જોઈએ.
બિલ નીયેએ તેમ પણ કહ્યું હતું કે ગમે તેટલું કહીએ પરંતુ ટ્રાન્સફોર્મર્સ સહિત આપણા લગભગ તમામ ઈલેક્ટ્રિક અને ઈલેક્ટ્રોનિક સાધનો આવી આપત્તિ સામે ટકી શકે તેટલાં સક્ષમ નથી પરિણામે આપણે કલ્પી પણ ન શકીએ તેથી ગૂંચવણો ઉપસ્થિત થઈ શકે તેમ છે.
સામાન્યતઃ આ સપ્તાહ શાંતિમય રહ્યું છે તેમાં દક્ષિણના ૪૮ રાજ્યોમાં તો આકાશ સ્વચ્છ રહ્યું છે પરંતુ ટેક્સાસ અને લૂઈઝિયાના રાજ્યોમાં વાદળોને લીધે આ અદ્ભૂત દ્રશ્ય જોવા મળ્યું ન હતું.
વિજ્ઞાાનીઓ કહે છે કે, સૂર્ય કિરીટની જ્વાળાઓ આ વખતે સૌથી વધુ તીવ્ર પાંચમાંથી પાંચ અંક સુધીની હોવાથી ૨૦૨૪ના મધ્ય ભાગ કે અંત ભાગ સુધી તેની અસર ઓછાવત્તા અંશે જોવા મળશે.
તે સર્વવિદિત છે કે સોલર-સાઇકલ્સમાં ઘણીવાર ઓચિંતો આવેગ આવી જાય છે પછીથી તે શમી પણ જાય છે. જોકે આ વખતની સોલાર સાઇકલ-૨૫ પૂર્વની સાઇકલ્સ કરતાં ઘણી તીવ્ર રહી છે તેમ પણ ખગોળશાસ્ત્રીઓએ CNNને જણાવ્યું હતું.