ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપને વેચવા માટે કેમ ફરજ પાડવામાં આવી શકે છે મેટાને?
Meta May Forced To Sell Instagram: ફેસબુકની પેરન્ટ કંપની મેટાને હવે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ વેંચવા માટે ફરજ પાડવામાં આવી શકે છે. માર્ક ઝકરબર્ગ દ્વારા વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ખરીદવામાં આવ્યા હતા અને તેને લઈને ફેડરલ ટ્રેડ કમિશન દ્વારા એન્ટીટ્રસ્ટ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ હાલમાં મેટાની એક વ્હિસલબ્લોઅરને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આથી મેટા પર અમેરિકાની નેશનલ સિક્યુરિટીને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. મેટાએ 2012માં ઇન્સ્ટાગ્રામ અને 2014માં વોટ્સએપ ખરીદ્યાં હતાં. ત્યાર બાદ મેટા પર છ વર્ષથી તપાસ કરવામાં આવી રહી છે અને હવે તે કાનૂની આંટીઘૂંટમાં ફસાયું છે.
માર્ક ઝકરબર્ગ અને મેટા પર આરોપ
સરકારી એજન્સી દ્વારા મેટાને ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ખરીદવા માટે પરવાનગી મળી ગઈ હતી અને તેમાં કંઈ ખોટું ન હોવાનું પણ સામે આવ્યું હતું. જોકે હવે જે આરોપ લાગ્યા છે એના કારણે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપના ભવિષ્ય પર સવાલો ઊભા થાય છે. વોલ સ્ટ્રીટ જર્નલના જણાવ્યા મુજબ માર્ક ઝકરબર્ગ પર હવે પોતાના ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સંબંધોનો ઉપયોગ કરી ફેડરલ ટ્રેડ કમિશનના કેસને બંધ કરાવવા માટે વિનંતી કરવામાં આવી રહી હોવાનું પણ સામે આવ્યું છે. મેટાએ આ આરોપને ફગાવી દીધા છે.
જોકે મેટાની ભૂતપૂર્વ કર્મચારી અને વ્હિસલબ્લોઅર સારાહ વિન-વિલિયમ્સે અમેરિકાની સેનેટ સામે સાક્ષી આપી માર્ક ઝકરબર્ગ અને મેટા વિરુદ્ધ મંતવ્ય આપ્યાં હતાં. સારાહ 2017માં મેટામાં જોડાયેલી હતી અને તેણે મેટામાં ગ્લોબલ પોલિસીના ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. તેણે માર્ક ઝકરબર્ગ, ચીફ ગ્લોબલ અફેર્સ ઓફિસર જો કેપલાન અને ભૂતપૂર્વ ચીફ ઓપરેટિંગ ઓફિસર શેરિલ સેન્ડબર્ગ સાથે ખૂબ જ નજીકથી કામ કર્યું હતું.
સારાહે બુધવારે કોર્ટમાં આ આરોપ મૂક્યો હતો કે મેટા કંપની 2015થી ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે મળીને કામ કરી રહી હતી. આ અંગે વધુ જણાવતાં સારાહે કહ્યું, ‘મેં જોયું છે કે મેટાના એક્ઝિક્યૂટિવ વારંવાર અમેરિકાના મૂલ્યોનું ઉલ્લંઘન કરતા હતા અને નેશનલ સિક્યોરિટીને અવગણતા હતા. બેઇજિંગ સાથે સારા સંબંધો જાળવવા માટે તેઓ આ કાર્ય ગુપ્ત રીતે કરતા હતા. આ રીતે તેમણે ચીનમાં 18 બિલિયન ડોલરની કમાણી કરી છે. ચાઇનિઝ કમ્યુનિસ્ટ પાર્ટી અને માર્ક ઝકરબર્ગનો મુખ્ય હેતુ એક જ છે અને તે છે તેમની ટીકા કરનારને ચુપ કરાવવાનો.’
માર્ક ઝકરબર્ગ અને તેમની કંપની વિશ્વાસપાત્ર નથી એવું ઘણા લોકોનો આરોપ છે અને એ અંગેના તથ્યો પણ રજૂ કરવામાં આવ્યા છે. સારાહના નિવેદનથી આ આરોપોને વેગ મળ્યો છે. આથી મેટાના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર શેરિલ સેન્ડબર્ગ અને ઇન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરીને કોર્ટમાં ટ્રાયલ માટે બોલાવવામાં આવશે એવું લાગે છે.
ફેડરલ ટ્રેડ કમિશનના કેસ વિશે મેટાનો જવાબ
ફેડરલ ટ્રેડ કમિશન દ્વારા જે કેસ કરવામાં આવ્યો છે તે અંગે મેટાના પ્રવક્તા ક્રિસ્ટોફર સેગ્રો દ્વારા તેમના સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે અમે આ કેસને પડકારશું. આ અંગે ક્રિસ્ટોફર કહે છે, ‘આ ટ્રાયલમાં એજ વસ્તુ તથ્યો તરીકે રજૂ કરવામાં આવશે જે દુનિયાભરના 17 વર્ષની ઉંમરથી લઈને દરેકને ખબર હશે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ હંમેશાંથી ચીનની કંપની ટિક-ટોક, યૂટ્યુબ, એક્સ, આઇમેસેજ અને અન્ય પ્લેટફોર્મના હરીફ રહ્યા છે. ફેડરલ ટ્રેડ કમિશન દ્વારા એકવાર મેટાને આ કંપનીઓ ખરીદવા માટે પરવાનગી આપવામાં આવી હોવા છતાં, દસ વર્ષ બાદ ફરી કેસ કરતાં એક વાત નક્કી થાય છે કે કોઈ પણ દિવસ ક્યારેય કોઈ પણ વાતને અંતિમ મહોર નથી લાગતી.’
ઇન્સ્ટાગ્રામને વેંચી દેવાની વાતને પડકારશે માર્ક ઝકરબર્ગ
મેટા પર એ આરોપ મૂકવામાં આવ્યો છે કે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપને ખરીદવાનું કારણ માર્કેટમાંથી હરીફાઈને દૂર કરવાનું હતું. જોકે આ વાતને માર્ક ઝકરબર્ગ પડકારશે. નિષ્ણાતોનું માનવું છે કે મેટા દ્વારા તેને ખરીદી લેવામાં આવી ત્યાર બાદથી ઇન્સ્ટાગ્રામના યુઝર્સને શું ફાયદો થયો છે તેની આસપાસ જ આ અંગે ચર્ચા કરવામાં આવશે. વેન્ડરબિલ્ટ લો સ્કૂલની એન્ટીટ્રસ્ટ માટેની પ્રોફેસર રેબેકા હો એલન્સવર્થ કહે છે, ‘ફેડરલ ટ્રેડ કમિશનનો આરોપ છે કે ફેસબુકની હરીફાઈને પૂરી કરવા માટે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ખરીદી લેવામાં આવ્યા હતા. જોકે આ અંગે માર્ક ઝકરબર્ગનો પોતાનો ઇમેલ પણ તેના વિરુદ્ધ કામ કરી શકે છે, કારણ કે તેણે એમાં કહ્યું હતું કે હરીફાઈનો સામનો કરવા કરતાં તેને ખરીદી લેવું વધુ સારું છે. શબ્દશ: ઉપયોગ એમાં કરવામાં આવી શકે છે. તેમને પૂછવામાં આવશે કે શું યુઝર્સ આ મર્જર વગર સારા રીતે એપનો ઉપયોગ કરી શક્યા હોત? આ સમયે મેટા દ્વારા આંકડાઓ અને કારણો રજૂ કરવામાં આવશે કે ઇન્સ્ટાગ્રામ આજે જે છે તે મેટા કંપનીના કારણે છે. ફેસબુક દ્વારા તેને ખરીદી લેવામાં આવ્યા હોવાથી તેનો સીધો ફાયદો તેના યુઝર્સને થયો છે.’
મેટા અને ફેડરલ ટ્રેડ કમિશનનો મતભેદ
ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વાર પાવરમાં હતા ત્યારે આ કેસ ફાઇલ કરવામાં આવ્યો હતો. યુસી બર્કલી લોના પ્રોફેસર પ્રસાદ કૃષ્ણમૂર્તિ અનુસાર આ કેસ દ્વારા અમેરિકામાં એન્ટી-ટ્રસ્ટ કાયદાનું કેટલું મહત્વ છે તે સાબિત થશે. આ અંગે પ્રસાદે કહ્યું કે, ‘આ ખૂબ જ મોટો કેસ છે, કારણ કે તેમાં સોશિયલ મીડિયા જાયન્ટ મેટાનો સમાવેશ થાય છે. મેટા દુનિયાનું સૌથી મોટું સોશિયલ મીડિયા માર્કેટ કરતું પ્લેટફોર્મ છે. યુઝર્સ તેમની રોજિંદી લાઇફમાં ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપનો ઉપયોગ કરે છે અને તેથી તેમના પર આ કેસની અસર જોવા મળશે.’
મેટા દ્વારા ઇન્સ્ટાગ્રામને એક બિલિયન અમેરિકન ડોલરમાં ખરીદી કરવામાં આવ્યું હતું. તેમ જ વોટ્સએપને 19 બિલિયન ડોલરમાં ખરીદવામાં આવ્યું હતું. આ અંગે પ્રસાદ કહે છે, ‘આ કંપનીઓને ખરીદી લેવાથી ફેસબુકને ફાયદો થયો હતો, કારણ કે માર્કેટમાં તેણે તેની પકડ જાળવી રાખી હતી. અન્ય પ્લેટફોર્મ સાથે હરીફાઈ કરવાની જગ્યાએ તેને ખરીદી લેવાથી ખૂબ જ ફાયદો થાય તે સ્પષ્ટ હતું.’
આ પણ વાંચો: ચીન નહીં, હવે ભારત! અમેરિકાને આઇફોન અને લેપટોપમાં 20%નો ફાયદો
માર્ક ઝકરબર્ગ અને મેટાની વિશ્વસનિયતા પર સવાલ કરતાં ફેડરલ ટ્રેડ કમિશન કેટલાક તથ્યો રજૂ કરશે, જે સાબિત કરશે કે તેમણે સોશિયલ મીડિયા માર્કેટમાં પોતાનું પ્રભુત્વ જમાવી રાખવા માટે આ કૃત્ય કર્યું હતું અને હરીફાઈથી પણ બચી શકે. 2021માં આ કેસ કરવામાં આવ્યો હતો, જેને ફગાવી દેવામાં આવ્યો હતો, કારણ કે તે સમયે ચોક્કસ સાબીતી નહોતી. જોકે ત્યાર બાદ તે સાબીતી રજૂ કરતાં જ 2022માં જજ દ્વારા કેસને પરવાનગી આપી દેવામાં આવી હતી.