For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જીમેઇલમાં ઇ-ન્યુઝલેટર્સનું મેનેજમેન્ટ સહેલું બનશે

Updated: Apr 21st, 2024

જીમેઇલમાં ઇ-ન્યુઝલેટર્સનું મેનેજમેન્ટ સહેલું બનશે

તમારા જીમેઇલ એકાઉન્ટમાં વિવિધ કંપની તરફથી આવતા ઇ-ન્યૂઝલેટરનો ભરાવો થતો રહે છે? આપણે પોતે કોઈને કોઈ તબક્કે જે તે કંપનીના ઇ-ન્યૂઝલેટરને સબસ્ક્રાઇબ કર્યા હોય છે, એટલે કે તે મેળવવા સંમતિ આપી હોય છે. આથી આવા ન્યૂઝલેટર આવે તેમાં કશું ગેરકાયદેસર નથી.

આપણી સંમતિ કે જાણ વિના ઇમેઇલ્સનો મારો થાય તેને જીમેઇલની સિસ્ટમ આપોઆપ સ્પામ ફોલ્ડરમાં મોકલી આપે છે. આ વ્યવસ્થા દિવસે દિવસે બહેતર બનતી જાય છે અને સ્પામ ફોલ્ડરમાંના મેઇલ્સ નિશ્ચિત દિવસો પછી આપોઆપ ડિલીટ થતા હોય છે. એટલે એ બાબતની આપણે કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી.

પરંતુ આપણી સંમતિ સાથે આવતા ઇ-ન્યૂઝલેટર પણ ધીમે ધીમે માથાનો દુઃખાવો બની શકે છે. આવા ઇમેઇલ્સ આપોઆપ ડિલીટ થતા નથી. તેમજ આપોઆપ અલગ કોઈ ફોલ્ડરમાં જતા નથી. તેથી તેને મેનેજ કરવાનું મુશ્કેલ બને છે. જોકે હવે વાત સહેલી બનશે.

જીમેઇલ એપમાં ટૂંક સમયમાં ‘મેનેજ સબસ્ક્રિપ્શન્સ’ નામે એક આખું પેજ ઉમેરાઈ રહ્યું છે. આપણી એપમાં આ ફીચર ઉમેરાય તે પછી જીમેઇલ એપમાં ડાબી તરફની પેનલમાં ‘મેનેજ સબસ્ક્રિપ્શન્સ’નો વિકલ્પ જોવા મળશે. તેને ક્લિક કરતાં સબસ્ક્રિપ્શન્સનું અલગ પેજ ઓપન થશે. આ પેજ પર આપણે જેટલી કંપનીના ઇ-ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કર્યા હોય તેનું લિસ્ટ જોવા મળશે, તેમજ કંપની તરફથી કેટલા ન્યૂઝ લેટર્સ આવે છે તે પણ જોવા મળશે. અહીંથી તેમને અનસબસ્ક્રાઇબ કરી શકાશે.

તમને કદાચ ખ્યાલ હશે કે આ વર્ષે જાન્યુઆરી મહિનાથી જીમેઇલમાં એક નવું ફીચર ઉમેરાયું છે. તેને કારણે આપણા પર ઇ-ન્યૂઝલેટર આવે ત્યારે તેના સેન્ડરના નામની બાજુમાં જ અનસબસ્ક્રાઇબનું બટન જોવા મળે છે. તેને ક્લિક કરીને આપણને હવે જે ન્યૂઝલેટરમાં રસ રહ્યો ન હોય તેને બંધ કરી શકીએ છીએ. હવે સબસ્ક્રિપ્શન મેનેજ કરવાનું એક આખું અલગ પેજ મળવાથી આખી વાત વધુ સહેલી બનશે.

Gujarat