માણસે મંગળ ગ્રહ પર પણ ફેલાવી દીધું પ્રદૂષણ, ૭૧૧૮.૬૭ કિલો પડયો રહયો છે કચરો
મંગળ પરના જુદા જુદા ૧૪ મિશનોનો હાર્ડવેર છેવટે કચરો બની જાય છે
હીટ શીલ્ડ,પેરાશૂટ અને લેંડિગ મોડયૂલ જુદા જુદા સ્થળે પડીને ફેલાઇ જાય છે.
વોશિંગ્ટન,૨૯ સપ્ટેમ્બર,૨૦૨૨,ગુરુવાર
પૃથ્વી પર આધુનિકતાના નામે માણસે જળ થી થર સુધી પ્રદૂષણ ફેલાવી દીધું છે. ઘુંધવતા મહાસાગરો ડસ્ટબીન બનતા જાય છે. શહેરી વિસ્તારોમાં લેન્ડ ફિલ ડુંગર જેટલા ઉંચા થતા જાય છે. વાયુ પ્રદૂષણથી વિશ્વમાં દર વર્ષે ૯ લાખ લોકોના મોત થાય છે. આ તો થઇ પૃથ્વીની વાત સ્પેસમાં પણ સેટેલાઇટ અને સ્પેસ ક્રાફટના કરોડો ટુકડાઓનું પ્રદૂષણ છે.
સૌથી નવાઇની વાત તો છે કે મંગળ ગ્રહ પણ પ્રદૂષણથી બાકાત નથી. મંગળ ગ્રહ પર માણસ વસવાની કલ્પના કરે છે. છેલ્લા ૫૦ વર્ષમાં વિવિધ અભિયાનો અને સંશોધનોના કારણે મંગળ પર ૭૧૧૮.૬૭ કિલો કચરો ફેલાયેલો છે. યુનાઇટેડ નેશન્સ ઓફિસ આઉટર સ્પેસ અફેર્સના જણાવ્યા અનુસાર ૧૮ દેશો દ્વારા ૧૮ ઓબ્જેકટસ મંગળ ગ્રહ પર મોકલવામાં આવ્યા છે.
આ તમામ વસ્તુઓ ૧૪ જુદા જુદા મિશન અંર્તગત મોકલવામાં આવ્યા હતા. જેમાંના કેટલાક મિશન તો હજુ પણ કામ કરી રહયા છે. દાયકાઓથી મંગળ ગ્રહ પર ચાલતા લાલ ગ્રહ પરના અભિયાનોથી સપાટી પર કચરો ફેલાયેલો છે.
આ કચરામાં અનેક પ્રકારની વસ્તુઓ જેમાં ધાતુના ટુકડા,જાળીઓ,વિશિષ્ટ પ્રકારના કપડા, કાંચના ટુકડા, ફિલામેંટ,સ્પ્રિંગ, નટ-બોલ્ટ વગેરેનો સમાવેશ થાય છે.વૈજ્ઞાાનિકોએ પ્રથમ વાર મંગળ ગ્રહ પરના કચરાને શોધવામાં સફળતા મળી છે. આથી મંગળ ગ્રહ પર કોઇ રહેતું તો નથી તેમ છતાં શા માટે કચરો એનો જવાબ મળી જાય છે.
મંગળ પર જેટલા પણ રોવર સપાટી પર પડે છે તે અત્યંત ઝડપથી ટકરાતા હોવાથી ટુકડાઓમાં વહેંચાઇ જાય છે.સપાટી પર ચારે તરફ ફેલાઇ જાય છે. હીટ શીલ્ડ,પેરાશૂટ અને લેંડિગ મોડયૂલ જુદા જુદા સ્થળે પડીને ફેલાઇ જાય છે. આ ઉપરાંત નાના નાના ટુકડાઓ પણ ફેલાય છે. મંગળ ગ્રહ પર મિશન મોડ્યૂલ તૈયાર કરવામાં આવે છે. આ મોડયૂલ યાનને વાતાવરણમાં ઉતરતી વખતે સુરક્ષા આપે છે છેવટે આ મોડયૂલ જ કચરો બની જાય છે.
જેમાં હીટ શીલ્ડ, પેરાશૂટ અને લેંડિંગ ક્રાફટ હોય છે. અંતરિક્ષયાનને મંગળના વાયુમંડળને પાર કરાવે છે જે છેવટે મિશન પછી નકામા બની જાય છે. આથી મંગળ ગ્રહ પર પણ માણસ દ્વારા પ્રદૂષણ ફેલાયું છે જેનું વજન ૭૧૦૦ કિલોગ્રામથી વધારે છે.