લિવિંગ ફિઝિક્સ : સૂર્યપ્રકાશ પશુપક્ષીઓને સાંજે ઘરની રાહ ચીંધે છે તેવું રોબોટે સમજાવ્યું

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
લિવિંગ ફિઝિક્સ : સૂર્યપ્રકાશ પશુપક્ષીઓને સાંજે ઘરની રાહ ચીંધે છે તેવું રોબોટે સમજાવ્યું 1 - image


- બોમ્બે આઈઆઈટીના લિવિંગ ફિઝિક્સના સફળ પ્રયોગો

- લિવિંગ ફિઝિક્સમાં બાયોલોજી અને ફિઝિક્સ જોડાતાં આરોગ્ય નિદાનમાં ક્રાંતિ આવશે: શરીરમાં કેન્સરના કોષો કઈ રીતે ફેલાય છે તે જાણી શકાશે

મુંબઇ : ગાય, બળદ,ભેંસ,બકરી જેવાં પ્રાણીઓ ઘાસનો ચારો ચરીને સાંજે તેમનાં ઘરે કઇ રીતે પાછાં ફરે છે. પોપટ,ચકલી,કબૂતર વગેરે પક્ષીઓ આહાર માટે આખો દિવસ અહીંતહીં ઉડયા બાદ સૂર્યાસ્ત થયા પછી તેમનાં માળામાં કઇ રીતે  પાછાં આવે છે. એટલે કે પ્રાણીઓ અને પક્ષીઓ ઘરે કે માળામાં પાછાં ફરવા માટેનો રસ્તો કે દિશા કઇ રીતે શોધે છે ?  ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી (આઇ.આઇ.ટી.--મુંબઇ)ના વિજ્ઞાાનીઓએ આ રહસ્ય શોધવા -સમજવા  રોબોટની મદદથી ખાસ પ્રયોગો  કરતાં તેમાં જણાયું હતું કે સૂર્યપ્રકાશને અનુસરી પશુપક્ષીઓ પોતાનાં ઘરની દિશા નક્કી કરે છે. 

આઇ.આઇ.ટી.(મુંબઇ)ના ફિઝિક્સના આસિસ્ટન્ટ પ્રોફેસર નીતિન કુમારે આ ટેકનિકલ પ્રયોગની વિશે ગુજરાત સમાચારને કહ્યું હતું કે રોબોટ દ્વારા થયેલા આ પ્રયોગનો મૂળ હેતુ લિવિંગ મેટર ફિઝિક્સને સમજવાનો છે. સરળ રીતે સમજીએ તો કોઇપણ પદાર્થમાં એટમ(અણુ) અને મોલેક્યુલ(સુક્ષ્મ તત્ત્વ) હોય છે. જોકે અણુ અને સુક્ષ્મ તત્ત્વ સજીવ નથી. આમ છતાં આ જ અણુ અને સુક્ષ્મ તત્ત્વ સજીવ હોય તો તેની ગતિવિધિ કેવી હોય અને તે કઇ રીતે કાર્ય કરે તે સમજવાનો અમે રોબોટના પ્રયોગ દ્વારા  પ્રયાસ કર્યો છે. આ પ્રયોગ માટે અમે પશુઓેનાં અને પક્ષીઓનાંે ઉદાહરણ લીધાં છે. 

 આ રોબોટની રચનામાં પ્રો.નીતિન કુમાર (આઇ.આઇ.ટી.-મુંબઇ), પ્રો.હર્ષ સોની (આઇ.આઇ.ટી.- મંડી), પ્રો.અર્નબ  પાલ(આઇ.એમ.સીએસ.-ચેન્નાઇ) સહિત  સોમનાથ પ્રામાણિક અને અરૂપ બિશ્વાસ (બંને પીએચ.ડી. વિદ્યાર્થીઓ)ની ટીમે પાયારૂપ યોગદાન  આપ્યું છે. 

ૈહાલ ભૌતિક વિજ્ઞાાનના ક્ષેત્રમાં લિવિંગ મેટર ફિઝિક્સ વિશે ગહન સંશોધન થઇ રહ્યું છે. આપણો ભારત દેશ પણ આ જ સંશોધનમાં મહત્વનું યોગદાન આપે એવો અમારો  ઉમદા હેતુ છે. 

આ હેતુ માટે અમે ખાસ પ્રકારનો રોબોટ બનાવ્યો છે.આ રોબોટની રચનામાં મોઇક્રો પ્રોસેસર,બેટરી,લાઇટ સેન્સર, ઇન્ફ્રારેડ સેન્સર વગેરે ઉપકરણો ગોઠવ્યાં છે. રોબોટને બે પૈડાં છે, જે તેની સમતુલા જાળવવા માટે છે.વળી, રોબોટના માર્ગમાં કદાચ પણ કોઇ અવરોધ કે વસ્તુ કે પથ્થર આવે તો તે અવરોધ ચોક્કસ કેટલા અંતરે છે તેની  તેને આગોતરી જાણ થઇ જાય તેવી પણ  રચના છે.

વળી, પ્રયોગ દરમિયાન  અમે   રોબોટને અમુક ખાસ પ્રકારના કમાન્ડ્ઝ પણ આપ્યા હતા. ઉદાહરણરૂપે ગાય કે ભેંસ અથવા પોપટ આહાર --પાણી મેળવવા અહીં તહીં જાય છે.અમારો રોબોટ પણ આ જ રીતે જુદી જુદી દિશામાં ફરતો હતો. ઉપરાંત, પ્રાણીઓને અને પંખીઓ પણ સૂર્યાસ્ત થયો હોવાની સમજણ સાથે પોતાના ઘરે કે માળામાં પાછાં ફરે છે. આ જ બાબતને સમજવા માટે રોબોટમાંના લાઇટ સેન્સરની ગતિવિધિમાં ફેરફાર(પ્રકાશ ઓછો -વધુ થવો) થતા હતા.રોબોટ પ્રકાશમાં થતા વધારા-ઘટાડાના આધારે તેના મૂળ સ્થાને પાછો આવ્યો હતો. 

અમારી ટીમે એક કરતાં વધુ પ્રયોગ કર્યા ત્યારે અમને સંતોષકારક પરિણામ પણ મળ્યાં છે. અમે આ પ્રયોગ  અને તેનાં પરિણામ પણ રેકોર્ડ કર્યાં છે.અમે આ જ પ્રયોગનાં પરિણામના આધારે હવે ભવિષ્યમાં એક કરતાં વધુ રોબોટ સાથે આવા જ પ્રયોગ કરવા ઇચ્છીએ છીએ.

પ્રો.નીતિન કુમારે બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહ્યું હતું કે ફિઝિક્સ(ભૌતિકશાસ્ત્ર)ને બાયોલોજી(જીવ વિજ્ઞાાન) સાથે પણ સીધો સંબંધ છે. સરળ રીતે સમજીએ તો માનવ શરીરમાં કરોડો -અબજો કોષ(સેલ્સ) છે. હવે કોઇ વ્યક્તિને કેન્સર થાય કે કેન્સરની ગાંઠ થાય તો કેન્સરના કોષ શરીરમાં ચોક્કસ કયા કયા અંગમાં અને કઇ રીતે ફેલાશે, તેની ગતિવિધિ  કેવી હોય છે  તેની હજી સુધી જાણ નથી થઇ. 

અમે લિવિંગ મેટર ફિઝિક્સના આ પ્રયોગ દ્વારા  કેન્સરના કોષની અકળ ગતિવિધિ જાણવા -સમજવાનો પ્રયાસ કર્યો છે. સમગ્ર રીતે કહીએ તો અમે લિવિંગ મેટર ફિઝિક્સના આધારે બાયોલોજી(ભૌતિકશાસ્ત્રના આધારે જીવ વિજ્ઞાાન)ની ગતિવિધિ જાણવા અને સમજવા પ્રયાસ કર્યો છે. અમારા આ પ્રયોગનાં પરિણામના આધારે  ભવિષ્યમાં  તબીબી વિજ્ઞાાનના ક્ષેત્રમાં પણ ઉપયોગી સંશોધન થઇ શકશે એવી અમને આશા છે.


Google NewsGoogle News