સ્પેસએક્સમાં કામ કરતો 16 વર્ષનો સોફ્ટવેર એન્જિનિયર કૈરન કાઝી ફરી ચર્ચામાં, જાણો કોણ છે આ બાળક
Who Is Kairan Quazi?: ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સમાં કામ કરનાર સોફ્ટવેર એન્જિનિયર કૈરન કાઝી હાલમાં ફરી ચર્ચામાં આવ્યો છે. આ ચર્ચામાં આવવાનું કારણ એ છે કે નોકરી શોધવા માટે ઉપયોગમાં લેવામાં આવતું પ્લેટફોર્મ લિન્ક્ડઇન દ્વારા તેનું એકાઉન્ટ ફરી રિસ્ટોર કરવામાં આવ્યું છે. એ જાણીને નવાઈ લાગશે કે એક એકાઉન્ટ રિસ્ટોર કરવા માટે શું કામ કોઈ ચર્ચામાં આવે? જોકે આ બાળક બે વર્ષ પહેલાં પણ ચર્ચામાં આવ્યો હતો, જ્યારે ઇલોન મસ્ક દ્વારા તેને જોબની ઓફર કરવામાં આવી હતી.
કોલેજનો સૌથી યુવાન ગ્રેજ્યુએટ
કૈરન કાઝી હાલમાં 16 વર્ષનો છે. તેણે 2023માં સેન્ટા ક્લારા યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. આ કોલેજ 170 વર્ષથી ચાલે છે અને કૈરન અત્યાર સુધીનો સૌથી યુવાન ગ્રેજ્યુએટ છે. 2021થી 2023 દરમિયાન તે એસોસિયેટેડ સ્ટુડન્ટ ગવર્નમેન્ટનો ઇલેક્ટેડ સેનેટર પણ રહ્યો છે.
ઇલોન મસ્કે કરી હતી જોબની ઓફર
કૈરન કાઝી વિશે જાણતા જ ઇલોન મસ્કે તેને 2023માં જોબની ઓફર કરી હતી. તે હવે સ્પેસએક્સમાં સોફ્ટવેર એન્જિનિયર છે. સ્ટારલિંક પ્રોજેક્ટ પર તે કામ કરે છે. તેનું કામ ડેટા પર કામ કરવાનું છે અને ઓપ્ટિમાઇઝેશનના જે પ્રોબ્લેમ આવે છે તેને દૂર કરવાનું છે. આ માટે હાઈ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગની સમજ અને રિયલ-ટાઈમ પ્રોગ્રામિંગની જરૂર પડે છે. કૈરન આ પહેલાં ઇન્ટેલ લેબ્સમાં ઇન્ટર્ન તરીકે કામ કરતો હતો. હ્યુમન AI લેબમાં કામ કરનારો તે પહેલો અંડરગ્રેજ્યુએટ વ્યક્તિ છે. તે લિનક્સ ફાઉન્ડેશન નોર્થ અમેરિકા સમિટનો કીનોટ સ્પીકર રહી ચૂક્યો છે.
આ પણ વાંચો: ચેટજીપીટીને પણ થઈ શકે છે એનઝાઇટી, મનુષ્યની જેમ એ પણ સ્ટ્રેસમાં આવી જાય છે…
શું થયું હતું 2023માં?
2023માં કૈરન કાઝીએ તેની લિન્ક્ડઇન પ્રોફાઇલ બનાવી હતી. એ સમયે લિન્ક્ડઇને તેને ડિલીટ કરી નાખી હતી. આ વિશે કૈરને પોસ્ટ કર્યું હતું કે, ‘લિન્ક્ડઇન દ્વારા મને નોટિસ મોકલવામાં આવી છે કે મારી ઉંમર 16 વર્ષથી ઓછી હોવાથી તેમણે મારી પ્રોફાઇલ ડિલીટ કરી નાખી છે. મારે આ વાતનો દરેક જગ્યાએ સામનો કરવો પડી રહ્યો છે. લિન્ક્ડઇનની આ પાયાવિહોણી વાત છે કે તેમના પ્લેટફોર્મ પર એકાઉન્ટ બનાવવા માટે ઓછામાં ઓછી ઉંમર 16 વર્ષ હોવી જોઈએ. દુનિયાની સરસ એન્જિનિયરીંગની જોબ મને મળી શકે છે, પરંતુ પ્રોફેશનલ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવા માટે મારી ઉંમર ઓછી પડે છે. લિન્ક્ડઇન બતાવી રહ્યું છે કે તેમની પોલિસી કેટલી બેકાર છે.’
લિન્ક્ડઇને પ્રોફાઇલ કરી રિસ્ટોર
કૈરનની ઉંમર 16 વર્ષ થતાં, લિન્ક્ડઇન દ્વારા તેની પ્રોફાઇલને રિસ્ટોર કરવામાં આવી છે. આ વિશે કૈરન કાઝીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું કે, ‘મારી ઉંમર 16 વર્ષની થતાં લિન્ક્ડઇન દ્વારા મને ફરી પ્લેટફોર્મ પર એકાઉન્ટનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી છે.’ આ પોસ્ટ પર ઘણા લોકોએ તેનું સ્વાગત કર્યું, પરંતુ એક યુઝરે કમેન્ટ કર્યું કે, ‘મહેરબાની કરીને યુટ્યૂબ પર ફરી વીડિયો પોસ્ટ કરવાનું શરૂ કરો.’