LICના નામે થઈ રહી છે છેતરપિંડી: ખોટી વેબસાઇટ અને એપ્લિકેશનમાં ફસાયા તો ઇન્શ્યોરન્સ કંપની એની જવાબદારી નહીં લે
LIC Scam: લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) દ્વારા જાહેર જનતાને ચેતવણી આપવામાં આવી છે. હાલમાં LICના નામનો ઉપયોગ કરીને માર્કેટમાં એક ખોટી એપ્લિકેશન ચાલી રહી છે. એને લઈને લોકોને છેતરવામાં આવી રહ્યાં છે. આથી લોકોને એ વિશે ચેતીને રહેવા કહેવામાં આવ્યું છે. LICની વિવિધ એપ્લિકેશન બનાવી તેમને છેતરવામાં આવી રહ્યાં છે. આ સ્કેમ ઘણાં લોકોને થઈ રહ્યો હોવાથી LIC દ્વારા એ વિશે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યું છે.
LIC દ્વારા જાહેર કરવામાં આવ્યું સ્ટેટમેન્ટ
LIC દ્વારા આ વિશે એક સ્ટેટમેન્ટ જાહેર કરી એમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમારા ધ્યાનમાં આવ્યું છે કે LICના નામથી કેટલીક એપ્લિકેશ ફરી રહી છે, જે લોકોને છેતરી રહી છે. જો કોઈ પણ વેરિફાઇડ કર્યા વગરના પ્લેટફોર્મ પર પેમેન્ટ કરવામાં આવશે તો એની જવાબદારી LIC નહીં લે.'
કેવી રીતે કરવામાં આવી રહ્યું છે સ્કેમ?
સ્કેમ કરનારા મોટાભાગે ઇન્શ્યોરન્સ કંપની તરીકે ગ્રાહકોને ટાર્ગેટ કરે છે. તેમને લોભામણી ઓફર આપીને તેમને છેતરવામાં આવે છે. આ સાથે જ LICની એપ્લિકેશન અને વેબસાઇટ પણ ખોટી બનાવે છે, જેથી ગ્રાહકને તેના પર માહિતી બતાવી ત્યાંથી પેમેન્ટ કરાવવામાં આવે છે. આ એપ્લિકેશન અને વેબસાઇટ LIC જેવી જ દેખાતી હોય છે અને સામાન્ય વ્યક્તિ માટે એને ઓળખવું ખૂબ જ મુશ્કેલ છે. આથી મોટાભાગની વ્યક્તિ છેતરપિંડીનો શિકાર બને છે. આ વેબસાઇટ અને એપ્લિકેશન પર પોલિસીની માહિતી અને પેમેન્ટ કરતી વખતે એને રીડાયરેક્ટ કરવામાં આવે છે, એટલે કે અન્ય વેબસાઇટ પર લઈ જવામાં આવે છે અને એની યુઝર્સને ખબર પણ નથી પડતી. આથી આ પેમેન્ટ કર્યા બાદ તે LICના ખાતામાં નહીં, પરંતુ સ્કેમ કરનાર પાસે જાય છે.
સ્કેમથી પોતાને બચાવવા શું કરશો?
આ માટે યુઝરે પેમેન્ટ કરવા પહેલાં અથવા તો માહિતી દાખલ કરવા પહેલાં એ પ્લેટફોર્મ વેરીફાઇ છે કે નહીં એ ચેક કરવું. આ માટે કોઈ પણ લિંક પર ક્લિક નહીં કરવું. વેબ બ્રાઉઝર ઓપન કરી એમાં વેબ એડ્રેસ લખવાનું આવે ત્યારે LICની વેબસાઇટ લખી એના પર જવું. આ સિવાય ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરમાં LIC Digital એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી. વોટ્સએપ પર આવેલી અથવા તો કોઈએ લિંક મોકલેલી એપ્લિકેશન પર ક્લિક ન કરવું. પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં પણ એપ્લિકેશન મળે ત્યારે એ કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે અને કેટલા લોકો દ્વારા ડાઉનલોડ કરવામાં આવી છે એની માહિતી મેળવી લેવી. આ સાથે જ બેન્ક ખાતાની માહિતી અથવા તો ક્રેડિટ કાર્ડ નંબર ક્યારેય કોઈને આપવો નહીં.'