Get The App

સાત ગ્રહોવાળી વિશાળ સૂર્ય માળા મળી આવી અમુક ગ્રહો ખડકાળ અને ઘટ્ટ વાતાવરણવાળા છે

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
સાત ગ્રહોવાળી વિશાળ સૂર્ય માળા મળી આવી અમુક ગ્રહો ખડકાળ અને ઘટ્ટ વાતાવરણવાળા છે 1 - image


- અનંત-અગોચર બ્રહ્માંડનું અદભુત રહસ્ય મળ્યું

- પૃથ્વીથી 5,000 પ્રકાશ વર્ષ દૂરના આ નવા સૌર મંડળનો પિતૃ તારો આપણા સૂર્ય કરતાં 10 ગણો વધુ મોટો અને પાંચ ગણો વધુ ગરમ છે

- કેપ્લર-385 સૂર્યમાળાનો પિતૃતારો અને તેના બે ગ્રહો

- કેપ્લર-385 સૌરમંડળનો સાત ગ્રહોનો વિશાળ પરિવાર

વોશિંગ્ટન/મુંબઇ : અનંત અને અગોચર બ્રહ્માંડનાં એક પછી એક રહસ્યનો તાગ મળી રહ્યો  છે. અંતરિક્ષમાં નવું  સૌર મંડળ મળી આવ્યું છે. આ નવી સૂર્ય માળામાં સાત ગ્રહો છે.સાત નવા ગ્રહોવાળી સૂર્યમાળાનું નામ (બ્રહ્માંડના કોઇપણ સૂર્યમંડળ, ગેલેક્સી, તારો, ગ્રહ, ઉપગ્રહ, લઘુગ્રહ વગેરેને ખાસ પ્રકારની ખગોળશાસ્ત્રીય સંજ્ઞાા હોય છે) કેપ્લર-૩૮૫ રાખવામાં આવ્યું છે. 

કેપ્લર-૩૮૫ નવી સૂર્ય માળા આપણી પૃથ્વીથી ૫,૦૦૦ પ્રકાશ વર્ષના અતિ અતિ દૂરના અંતરે છે.  

અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિસક્સ એન્ડ સ્પેસ  એડમિનિસ્ટ્રેશન (નાસા)ના કેપ્લર સ્પેસ ટેલિસ્કોપ (કેપ્લર સ્પેસ ટેલિસ્કોપને ૨૦૧૮ની ૩૦, ઓક્ટોબરે તેની સંશોધન કામગીરીથી નિવૃત્ત જાહેર કરવામાં આવ્યું છે) દ્વારા થયેલા સંશોધનની વિગતોના આધારે આ નવી સૂર્યમાળા શોધાઇ  છે.

નાસાનાં સૂત્રોના કહેવા મુજબ અત્યારસુધીમાં ફક્ત આપણી મિલ્કી વે ગેલેક્સીમાં જ ૩,૯૧૬ સૂર્યમાળા શોધાઇ છે, જેમાં પિતૃ તારા ફરતે એક  કરતાં વધુ ગ્રહો પ્રદક્ષિણા કરે છે.આ ગણતરીએ અફાટ અંતરિક્ષમાંની લાખો-કરોડો ગેલેક્સીઝમાં કેટલાં સૂર્ય મંડળો હશે તે બાબત કદાચ કલ્પનાતીત છે.

નાસાના કેપ્લર સ્પેસ ટેલિસ્કોપના નવા કેટલોગમાં ૪,૪૦૦ ગ્રહો  અને  એક  કરતાં વધુ ગ્રહો ધરાવતી ૭૦૦ સૂર્યમાળાનોઉલ્લેખ છે. આ કેટલોગનો વધુ ગહન અભ્યાસ થઇ રહ્યો હોવાથી અંતરિક્ષનાં હજી પણ વધુ રહસ્યો અને આશ્ચર્યો જાણવા મળે તેવી પણ સંભાવના છે. નાસાના એમીસ રિસર્ચ સેન્ટર (કેલિફોર્નિયા)ના  ખગોળશાસ્ત્રી  અને આ સંશોધનપત્રના મુખ્ય લેખક જેક લીઝાઉર અને  તેની ટીમના  સભ્યાએ એવી માહિતી આપી હતી કે  કેપ્લર -૩૮૫ સોલાર સિસ્ટમના કેન્દ્રમાં જે પિતૃ તારો છે તે આપણા સૂર્યના કદ કરતાં ૧૦ ગણો વધુ મોટો અને પાંચ (૫) ગણો વધુ ગરમ છે.સાત  ગ્રહોમાંના બે અંદરના વર્તુળના ગ્રહો આપણી પૃથ્વી કરતાં થોડા મોટા કદના છે. વળી, આ બંને ગ્રહો પૃથ્વી જેવા  ખડકાળ અને તેને વાતાવરણ પણ હોવાની પૂરી શક્યતા છે.જ્યારે અન્ય પાંચ ગ્રહો પણ આપણી પૃથ્વી કરતાં વધુ મોટા કદના છે, જોકે નેપ્ચુન કરતાં નાના કદના છે. મહત્વની બાબત તો એ છે કે આ પાંચેય ગ્રહોનું વાતાવરણ ઘણું ઘટ્ટ હોવાની સંભાવના છે. હાલ તો અમે આ નવા પિતૃ તારા અને તેના સાત ગ્રહો વિશે વધુ સંશોધન કરી રહ્યા  છીએ. કહેવાનો અર્થ એ  છે કે આ અજીબોગરીબ અને અનંત  અંતરિક્ષમાં  આપણે પૃથ્વીવાસીઓ સાવ જ એકલા છીએ કે આપણો સાદ કે સંદેશો સાંભળવાવાળું બીજું કોઇ  છે તેનો તાગ મેળવી રહ્યા છીએ.

નાસાના કેપ્લર સ્પેસ ટેલિસ્કોપે ૨૦૧૮ સુધીમાં આપણી મિલ્કી વે ગેલેક્સીમાં અતિ અતિ દૂરના અંતરે ગરૃડ નજર કરીને એવો સંકેત  આપ્યો છે કે આપણી ગેલેક્સીમાં જ તારાની સંખ્યા કરતાં ગ્રહોની સંખ્યા વધુ છે.આપણી મિલ્કી વે ગેલેક્સીમાં જ સરેરાશ ૧૦૦થી ૫૦૦ અબજ  તારા (સ્ટાર્સ) છે. બ્રહ્માંડમાં આવી ૧૦૦ અબજ જેટલી ગેલેક્સીઝ હોવાનો અંદાજ છે.


Google NewsGoogle News