લેપટોપ ધીમું પડી ગયું છે ? એસએસડી હાર્ડ ડ્રાઈવ નાખી જુઓ
તમારી પાસે પ્રમાણમાં જૂનું કમ્પ્યૂટર કે લેપટોપ છે? લાંબા સમય પછી તે ધીમું થતું ગયું હશે. નવું પીસી કે લેપટોપ ખરીદવાનું મન થતું
હોય પરંતુ એટલું બજેટ ન હોય તો એક સહેલો ઉપાય કરી શકાય.
ફક્ત તેમાંની હાર્ડડ્રાઇવ બદલાવી જુઓ. પહેલાં કમ્પ્યૂટરમાંની બધી બિનજરૂરી
ફાઇલ્સ અને પ્રોગ્રામ ડિલીટ કરો. મહત્ત્વના ડેટાનો બેકઅપ લો અને પછી નજીકની
કમ્પ્યૂટર શોપમાં જઇને તેની હાર્ડડિસ્ક બદલી શકાય છે કે નહીં તેની તપાસ કરો.
પીસી કે લેપટોપ જૂનું હશે તો તેમાં એચડીડી પ્રકારની હાર્ડડિસ્ક હોવાની પૂરી
સંભાવના છે. તેને બદલીને નવી ટેકનોલોજીની સોલિડ-સ્ટેટ ડ્રાઇવ (એસએસડી) પ્રકારની
હાર્ડડિસ્ક ઇન્સ્ટોલ કરાવી શકાય, તો ફક્ત આ એક ફેરફારને કારણે
પર્ફોર્મન્સમાં મોટો સુધારો થઈ જશે. અગાઉ એસએસડી પ્રકારની હાર્ડડિસ્ક પ્રમાણમાં
મોંઘી હતી પરંતુ હવે તેના ભાવ સતત ઘટતા જાય છે.
જૂની એચડીડી પ્રકારની ડિસ્કમાં
મિકેનિકલ અને મૂવિંગ પાર્ટ્સ હોય છે. જ્યારે એસએસડીમાં કોઈ મૂવિંગ પાર્ટસ હોતા
નથી. એસએસડીમાં ડેટા સ્ટોરેજ અલગ પ્રકારે થાય છે અને એચડીડી કરતાં ઘણા વધુ લાંબા
સમય સુધી સલામત રીતે સ્ટોર થાય છે. આમ જૂના પીસી/લેપટોપમાં ફક્ત હાર્ડડ્રાઇવ
બદલવાથી ડેટાની સલામતી ઘણી વધશે તેમ જ કમ્પ્યૂટર ઓન થવાનો સમય તથા તેમાં જુદા જુદા
પ્રોગ્રામ રન કરવાની ઝડપ પણ નોંધપાત્ર રીતે વધી જશે.