Get The App

વિમાનની શોધના મૂળમાં પતંગ, પતંગનું વિજ્ઞાન અને વિજ્ઞાનની શોધના પ્રયોગોમાં પતંગ

પતંગએ માત્ર મનોરંજનનું જ સાધન નથી પતંગનું પણ વિજ્ઞાન છે

વિજ્ઞાનની શોધોના પ્રયોગોમાં પણ પતંગ ખૂબજ ઉપયોગી બની છે.

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News


વિમાનની શોધના મૂળમાં પતંગ, પતંગનું વિજ્ઞાન અને વિજ્ઞાનની શોધના પ્રયોગોમાં પતંગ 1 - image

નવી દિલ્હી,13 જાન્યુઆરી,2024,શનિવાર 

સૂર્ય દક્ષિણ ગોળાર્ધથી ગતિ કરીને ઉત્તર તરફ મકરરાશીમાં પ્રવેશે છે. સદીઓથી બનતી આ સોલાર ઘટના ઉતરાયણ પર્યાવરણ, સજીવસૃષ્ટિ અને માનવ જીવન માટે મહત્વની છે. સૂર્યનું ઉત્તરાયણએ આનંદ આપનારી ઘટના છે. આકાશમાં ઉડાડવામાં આવતી પતંગો ઉતરાયણ પર્વની વિશિષ્ટ ઓળખ છે. પતંગએ માત્ર મનોરંજનનું જ સાધન નથી પતંગનું પણ વિજ્ઞાન છે અને વિજ્ઞાનની શોધોના પ્રયોગોમાં પણ પતંગ ખૂબજ ઉપયોગી બની છે.

વિમાનના શોધક રાઇટ બ્રધર્સ એ વિમાન ઉડાડવાના પ્રયોગો માટે પતંગના સિધ્ધાંતો પર આધાર રાખ્યો હતો. વિંગ પાર્પિગના બધાજ પરીક્ષણો બોકસ પ્રકારની પતંગો પર કર્યા હતા. રાઇટ બંધુ વિલ્વર અને ઓરવિલે માત્ર ૧૧  અને ૭ વર્ષના હતા ત્યારે તેમના પિતા વાંસ,કાગળ અને રબરથી બનેલું પતંગ જેવું બોકસ પ્રકારનું રમકડું લાવ્યા હતા. આમાંથી જ પ્રેરણા લઇને વિવિધ પ્રકારના મોડલ તૈયાર કર્યા હતા. રાઇટ બંધુઓએ પતંગ જેવું ગલાઇડર તૈયાર કર્યું જેમાં નાના બે પંખા લગાવેલા હતા.

વિમાનની શોધના મૂળમાં પતંગ, પતંગનું વિજ્ઞાન અને વિજ્ઞાનની શોધના પ્રયોગોમાં પતંગ 2 - image

તેને તારની મદદથી મરજી મુજબ નમાવીને ઉપર નીચે લાવી શકાતું હતું. તેમણે પ્રયોગ માટે અમેરિકાના નોર્થ કેરોલિનાના રેતાળ ટેકરીઓવાળા સ્થળની પસંદ કરી હતી. ત્યાર પછી રાઇટબંધુઓએ ૧૨ હોર્સ પાવરનું એક ડિઝલ એન્જિન લગાવ્યું જેને વાયુયાનની નીચેની લાઇનના જમણી તરફ પંખા પર ફિટ કર્યું જયારે ડાબી બાજુ પાયલોટને બેસવાની સીટ બનાવી હતી.

હવાનું દબાણ અને વાતાવરણની સ્થિતિને સમજવા માટે પતંગનો સિધ્ધાંત ખૂબ કામ આવ્યો હતો. છેવટે ૧૭ ડિસેમ્બર ૧૯૦૩ના રોજ ઓરવીલે એક વાયુયાનને ૩૬ ફૂટ ઉંચાઇ સુધી ઉડાડયું હતું.જયારે વિલ્વરનું વિમાન ૨૦૦ ફૂટની ઉંચાઇ સુધી ગયું હતું. યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના મહાન બહુમુખી પ્રતિભા ધરાવતા રાજપુરુષ બેન્જામિન ફેન્કલિનનો પતંગ પ્રયોગ મશહુર છે.

આકાશી વીજળીને જાણવા સમજવાનો આટલો ખતરનાક પ્રયોગ કોઇએ કર્યો હોવાનું જાણ્યું નથી.ઇસ ૧૭૪૫માં વીજળીને લગતી શોધ કરવાનું યુરોપના સંશોધકોને ઘેલું લાગ્યું હતું. એક વાર આકાશની વીજળી અને ઘર્ષણથી પેદા થતી વીજળી એક જ છે  એ સાબીત કરવા ફેન્કલિને પતંગ ચગાવી હતી. ફેન્કલિને એ માટે તેમના ઘરની નજીક એક ઉંચી ઇમારત પસંદ કરી હતી. આસપાસના આકાશમાં કાળા વાદળો ઘેરાયેલા હતા. ગાજવીજ સાથે વરસાદની પણ શકયતા હતી.

વિમાનની શોધના મૂળમાં પતંગ, પતંગનું વિજ્ઞાન અને વિજ્ઞાનની શોધના પ્રયોગોમાં પતંગ 3 - image

વરસાદના ટીંપા પડવા માંડે તો કાગળની પતંગ તો પલળી જાય આથી સિલ્કની સુવાહક બને તેવા પાતળા દોરા વડે આકાશમાં પતંગ ચગાવી હતી. પતંગની બધી જ ઢીલ છોડીને એક છેડો પોતાના હાથમાં પકડી રાખ્યો હતો. જેવી વીજળી થઇ કે દોરા પાસે લગાવેલી ચાવીમાં હજારો વોટના કરંટનો ફેન્કલિને અનુભવ કર્યો હતો.

આ એક એવો ખતરનાક પ્રયોગ હતો જેમાં ફેન્કલિન મરતા મરતા બચ્યા હતા. આ પ્રયોગ પછી સાબીત થયું કે આકાશમાં થતી વીજળી અને જમીન પર પેદા કરવામાં આવતી વીજળી એક જેવી છે. ચોમાસામાં આકાશી વીજળી પડવાથી માલ મિલકતને કરોડો રુપિયાનું નુકસાન થતું હતું હોવાથી લાઇટનિંગ બારની શોધ થઇ હતી.

ટેલીફોનના શોધક ગ્રેહામ બેલનું માનવું હતું કે પતંગથી એક દિવસ લોકો આકાશમાં ઉડવા માટે પણ સક્ષમ હશે. આધુનિક વિમાનની શોધ ભલે રાઇટ બંધુઓએ કરી  પરંતુ રાઇટ બંધુઓ પહેલા લિનાથેલ નામના એક જર્મન માણસે પ્રથમ વાર આકાશમાં ઉડવા અંગે ગંભીરતાથી વિચાયું હતું. તેને પાંખ જેવા આકારનું મશીન બનાવી મશીન સાથે પોતાને બાંધીને પહાડ પરથી કુદકો માર્યો હતો.

વિમાનની શોધના મૂળમાં પતંગ, પતંગનું વિજ્ઞાન અને વિજ્ઞાનની શોધના પ્રયોગોમાં પતંગ 4 - image

એક વાર  તે ૫૦ ફૂટ ઉંચાઇ પર ઉડયો ત્યારે તેજ હવાના સપાટાથી સંતુલન ગુમાવી દેતા પટકાઇને મોત થયું હતું. ઓસ્ટ્રેલિયાના લોરેન્સે  વર્ષ ૧૮૯૩માં બનાવેલી બોકસ આકારની પતંગને ઉડવાની વસ્તુમાં બદલી નાખી હતી. આમ મનુષ્યને આકાશમાં ઉડવાની ઝંખના સદીઓથી રહી છે આથી તેના આવિષ્કારનું પ્રથમ સોપાન પણ પતંગ જ રહી હતી.

વર્ષ ૧૮૯૮ થી ૧૯૩૩ સુધી યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના હવામાન બ્યૂરો દ્વારા હવામાનના સ્ટડી માટે  પતંગ કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું. ત્યાં બોકસ આકારના પતંગ ઉડાડીને હવામાન સંબંધી માહિતી મેળવવામાં આવતી હતી. ખાસ કરીને વાયુમંડળમાં હવાનું દબાણ, ભેજ, વેગ અને પવનની દિશા જાણવા માટે પણ પતંગની મદદ લેવામાં આવતી હતી.


Google NewsGoogle News