VIDEO: ‘હેલો આઈરિસ મેમ...’, કેરળમાં વિદ્યાર્થીઓને ભણાવશે દેશના પહેલા AI શિક્ષક
આઇરિસ ત્રણ ભાષામાં વિદ્યાર્થીઓના જટિલ પ્રશ્નોના જવાબ આપી શકે છે
Image:Instagram |
AI Teacher : ભારતમાં શિક્ષણ ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થયો છે. કેરળ દેશનું પહેલું રાજ્ય બન્યું છે જેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ટીચર બાળકોને ભણાવવાની જવાબદારી નિભાવશે. આ માટે હ્યુમનોઇડ રોબોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ જનરેટિવ એઆઈ શિક્ષકને ગયા મહિને જ શાળામાં દાખલ કરવામાં આવ્યા હતા અને તે તરત જ વિદ્યાર્થીઓમાં લોકપ્રિય બન્યા હતા.
રોબોટમાં વાસ્તવિક શિક્ષક જેવી વિશેષતા
'આઇરિસ' નામના સાડી પહેરેલ એઆઈ આધારિત હ્યુમનોઇડ રોબોટ કેટીસીટી હાયર સેકન્ડરી સ્કૂલ તિરુવનંતપુરમમાં ફિમેલ રોબોટ શિક્ષક છે. તેનો અવાજ સ્ત્રી જેવો છે અને તેમાં વાસ્તવિક શિક્ષકની ઘણી વિશેષતાઓ છે. આ એઆઈ રોબોટને રજૂ કરનારી કંપનીના જણાવ્યા અનુસાર, આઇરિસ માત્ર કેરળમાં જ નહીં પરંતુ દેશના પહેલા એઆઈ જનરેટેડ સ્કૂલ શિક્ષક છે.
ત્રણ ભાષામાં આપે છે જવાબ
આઇરિસ ત્રણ ભાષા બોલી શકે છે અને વિદ્યાર્થીઓના જટિલ પ્રશ્નોના જવાબ પણ આપી શકે છે. આઇરિસનો નોલેજ બેઝ અન્ય ઓટોમેટેડ ટીચિંગ ગેજેટ્સ કરતા ઘણો છે કારણ કે તે ChatGPT જેવા પ્રોગ્રામિંગ સાથે બનેલા છે. હ્યુમનોઇડ્સને વિદ્યાર્થીઓ માટે અયોગ્ય વિષયો, જેમ કે ડ્રગ્સ અને હિંસા વિશેની માહિતી પર તાલીમ આપવામાં આવતી નથી.
જનરેટિવ AI રોબોટ શિક્ષકોની સંખ્યામાં વધારો કરવાનું આયોજન કરી રહી છે શાળા
શાળાના આચાર્ય મીરા એમએનના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓના હકારાત્મક પ્રતિભાવને પગલે 3000થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળા આગામી શૈક્ષણિક સત્રમાં જનરેટિવ AI રોબોટ શિક્ષકોની સંખ્યામાં વધારો કરવાનું આયોજન કરી રહી છે.