Get The App

અંતરિક્ષમાં જશે સિંગર કેટી પેરી, અંતરીક્ષ યાનમાં હશે માત્ર મહિલાઓ: જાણો શું છે મિશન NS-31

Updated: Apr 12th, 2025

GS TEAM


Google News
Google News
અંતરિક્ષમાં જશે સિંગર કેટી પેરી, અંતરીક્ષ યાનમાં હશે માત્ર મહિલાઓ: જાણો શું છે મિશન NS-31 1 - image


All Female To Go In Space: પોપ સિંગર કેટી પેરી બહુ જલદી અંતરિક્ષની યાત્રા પર જવાની છે. એમેઝોનના માલિક જેફ બેઝોસ દ્વારા શરૂ કરવામાં આવેલી બ્લુ ઓરિજિન દ્વારા તે આ પ્રવાસ કરશે. આ ફ્લાઇટમાં દરેક મહિલા ક્રૂ જોવા મળશે.

ક્યાથી ઉપડશે આ સ્પેસક્રાફ્ટ?

કેટી પેરી જે સ્પેસક્રાફ્ટમાં જવાની છે, તેને ધ ન્યુ શેપર્ડ સ્પેસક્રાફ્ટ નામ આપવામાં આવ્યું છે. અમેરિકાના પ્રથમ અંતરિક્ષ યાત્રી એલન શેપર્ડના નામ પરથી આ સ્પેસક્રાફ્ટનું નામ રાખવામાં આવ્યું છે. વેસ્ટ ટેક્સાસમાં આવેલી બ્લુ ઓરિજિનના લોન્ચપેડ પરથી આ સ્પેસક્રાફ્ટને લોન્ચ કરવામાં આવશે.

11 મિનિટમાં 100 કિલોમીટર

કેટી પેરી જે સ્પેસક્રાફ્ટમાં જવાની છે, તેને અંતરિક્ષમાં પહોંચવા માટે લગભગ અગિયાર મિનિટનો સમય લાગશે. આટલી મિનિટમાં સ્પેસક્રાફ્ટ 100 કિલોમીટર ઊંચાઈએ પહોંચી જશે. આ મિશનને NS-31 નામ આપવામાં આવ્યું છે. બ્લુ ઓરિજિનની આ અગિયારમી ફ્લાઇટ છે, જેમાં મનુષ્યને ફક્ત અંતરિક્ષમાં પ્રવાસ માટે લઈ જવામાં આવ્યું છે.

અંતરિક્ષમાં જશે સિંગર કેટી પેરી, અંતરીક્ષ યાનમાં હશે માત્ર મહિલાઓ: જાણો શું છે મિશન NS-31 2 - image

1963 બાદ પહેલી વાર ફક્ત મહિલાઓ જશે અંતરિક્ષમાં

1963ના એક મિશન બાદ પહેલી વાર અંતરિક્ષમાં ફક્ત મહિલા ક્રૂ જોવા મળશે. એ સમયે સોવિયેટ કોસ્મોનોટ વેલેન્ટિના ટેરેશ્કોવા અંતરિક્ષમાં સોલો મિશન પર ગઈ હતી. ત્યાર બાદ એક પણ વાર ફક્ત મહિલા અંતરિક્ષમાં નથી ગઈ. કેટી પેરી સાથે આ મિશનમાં જેફ બેઝોસની મંગેતર લોરેન સેનચેઝ, જર્નલિસ્ટ ગેલ કિંગ, નાસાની એરોસ્પેસ એન્જિનિયર આઇશા બોવ, સિવિલ રાઇટ્સ એક્ટિવિસ્ટ અમેન્ડા ગ્યુયેન અને ફિલ્મ પ્રોડ્યુસર કેરીએન ફ્લીન જોવા મળશે.

કેટી પેરી અંતરિક્ષમાં ક્યારે જશે?

કેટી પેરી આ તમામ મહિલા ક્રૂ સાથે 14 એપ્રિલે અંતરિક્ષમાં જશે. આ સ્પેસક્રાફ્ટને લોન્ચ કરવાનો સમય ભારતના સાંજે સાત વાગ્યે રાખવામાં આવ્યો છે. આ મિશન દ્વારા મહિલાઓને પ્રેરિત કરવામાં આવશે. માત્ર અંતરિક્ષમાં જવા માટે જ નહીં, પરંતુ અંતરિક્ષમાં કરિયર બનાવવા માટે પણ તેમને પ્રેરિત કરવામાં આવશે. આ મિશન દ્વારા દરેક વ્યક્તિ સ્પેસક્રાફ્ટની મોટી-મોટી વિન્ડોમાંથી અંતરિક્ષનો નજારો માણશે. તેમ જ અંતરિક્ષમાંથી પૃથ્વી કેવી દેખાશે તે પણ જોઈ શકશે.

આ પણ વાંચો: OpenAIએ ઇલોન મસ્ક સામે કર્યો કેસ, ખોટી માહિતીનો પ્રચાર અને હેરેસમેન્ટનો મૂક્યો આરોપ

લાઇવ દેખાડવામાં આવશે

આ ઇવેન્ટ બ્લુ ઓરિજિન દ્વારા આ ઇવેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. એટલે કે અંતરિક્ષના રસિયાઓ અને કેટી પેરીના ફેન્સ આ ઇવેન્ટને લાઇવ જોઈ શકશે. આ યાત્રા વિશે કેટી પેરી કહે છે, ‘હું આ યાત્રા માટે ખૂબ જ ઉત્સાહી છું. હું મારી દીકરીને પ્રેરિત કરવા માગું છું કે હંમેશાં સિતારાને પકડવા માટેની કોશિશ કરવી.’

Tags :