Get The App

કેટી પેરી સહિત છ મહિલાઓએ અંતરિક્ષની સફર ખેડીને ઇતિહાસ રચ્યો, જાણો તેના વિશે સંપૂર્ણ માહિતી

Updated: Apr 15th, 2025


Google News
Google News
કેટી પેરી સહિત છ મહિલાઓએ અંતરિક્ષની સફર ખેડીને ઇતિહાસ રચ્યો, જાણો તેના વિશે સંપૂર્ણ માહિતી 1 - image


Katy Perry Space Travel Cost: પોપ સિંગર કેટી પેરીએ અન્ય પાંચ મહિલાઓ સાથે અનોખી સિદ્ધિ મેળવી છે. 1963 બાદ પહેલી વાર અંતરીક્ષમાં ફક્ત મહિલાઓની ટીમ ગઈ હતી. આ ટીમમાં કેટી પેરી સહિત છ મહિલાઓનો સમાવેશ થાય છે, જે દરેક તેમના પોતાના ક્ષેત્રમાં દિગ્ગજ છે. અગિયાર મિનિટની આ અનોખી સફર માટે ઘણાં પૈસા ખર્ચ થયા છે, અને એ માટે કોણે કેટલા રૂપિયા ખર્ચ્યા હતા એ જાણવા જેવું છે. એમેઝોન કંપનીના માલિક જેફ બેઝોસની બ્લૂ ઓરિજિન દ્વારા આ મિશન પાર પાડવામાં આવ્યું હતું. 

કેવી રીતે કરી હતી સફર?

કેટી પેરી સહિત અન્ય પાંચ મહિલાઓ સોમવારે એટલે કે 14 એપ્રિલે જેફ બેઝોસની બ્લૂ ઓરિજિન કંપનીના સ્પેસક્રાફ્ટમાં અંતરિક્ષની સફરે ગઈ હતી. આ સફર આશરે 10 મિનિટની હતી. ન્યુ શેપર્ડ રોકેટ દ્વારા આ મહિલાઓને ધરતીથી 100 કિલોમીટરથી વધુ ઉપર લઈ જઈને અંતરિક્ષની જે બાઉન્ડ્રી તરીકે ઓળખવામાં આવે છે, જેને કાર્મન રેખા કહેવામાં આવે છે, એ ક્રોસ કરી હતી. તેમણે કુલ 212 કિલોમીટરની યાત્રા કરી છે.

કોણ કોણ ગયું હતું આ મિશનમાં?

NS-31 તરીકે ઓળખાતા આ મિશનમાં પોપ સિંગર કેટી પેરી ગઈ હતી. તેની સાથે આયશા બોવે પણ ગઈ હતી. આયશા નાસાની ભૂતપૂર્વ વિજ્ઞાની અને સ્ટેમબોર્ડ કંપનીની સીઈઓ છે. બોહેમિયન વંશની અંતરિક્ષમાં જનારી તે પહેલી વ્યક્તિ બની છે. અમાંડા ગુયેન એક બાયોએસ્ટ્રોનોટિક્સ અનુસંધાન વિજ્ઞાની છે. તેણે હાર્વર્ડમાંથી ડિગ્રી મેળવી છે. યૌન હિંસાથી પીડિત લોકોના હક માટે તે આગળ પડતું કામ કરી રહી છે. વિયતનામની અને દક્ષિણ એશિયાની પહેલી મહિલા છે જે અંતરિક્ષમાં ગઈ છે.

ગેલ કિંગ એક પ્રસિદ્ધ પત્રકાર છે. તેમની સાથે ફિલ્મ પ્રોડ્યુસર કેરિયન ફ્લિન પણ ગઈ હતી. તે મહિલાઓના અધિકાર અને સમાનતા વિશે વધુ ફિલ્મો બનાવવા માટે જાણીતી છે. લોરેન સાંચેઝ એક પત્રકાર, પાયલટ અને લેખિકા છે. તે મહિલાઓને આ ક્ષેત્રમાં કરિયર બનાવવા માટે પ્રેરિત કરવા માગે છે. આ ઉપરાંત લોરેન જેફ બેઝોસના પાર્ટનર પણ છે.

અગિયાર મિનિટ માટે કેટલો થયો ખર્ચ?

બ્લૂ ઓરિજિન રોકેટને અંતરિક્ષમાં 10 મિનિટની મુસાફરી માટે 1.15 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. બ્લૂ ઓરિજિનના પ્રવક્તા બિલ કિક્રોસે સીએનએનને ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કેટી પેરી સાથે આ મિશનમાં જેટલી પણ મહિલાઓએ સફર કરી છે, એમાંની કેટલીક ફ્રીમાં મુસાફરી કરી હતી. જોકે કોણે કેટલા રૂપિયા ખર્ચ કર્યા હતા એ વિશે તેણે કોઈ માહિતી નહોતી આપી.

આ પણ વાંચો: ભારતે બનાવ્યા ‘સ્ટાર વોર્સ’ જેવા લેઝર હથિયાર, ડ્રોન્સને સરળતાથી નિશાન બનાવી શકાય એ ટેક્નોલોજી વિશે જાણો...

કેટી પેરીની નેટવર્થ શું છે?

કેટી પેરી એક સિંગર હોવાની સાથે કંપોઝર અને ટેલિવિઝન શોની જજ પણ છે. તેની કુલ સંપત્તિ 400 મિલિયન ડોલરની આસપાસ હોવાનું અનુમાન છે. કેટી પેરી દસ વર્ષથી વધુ સમય માટે પર્ફોર્મન્સ માટે સૌથી વધુ રકમ ચાર્જ કરતી સેલિબ્રિટીઝમાંની એક રહી ચૂકી છે. 2023માં કેટી પેરીએ પોતાના ગીતોની લાઇબ્રેરી લિટમસ મ્યુઝિકને 225 મિલિયન ડોલરમાં વેચી હતી.

Tags :