2024ની 21, જુલાઇનો દિવસ અત્યાર સુધીનો સૌથી હોટ : સરેરાશ તાપમાન 17.09 ડિગ્રી નોંધાયું
- યુરોપિયન ક્લાઇમેટ સર્વિસ કોપરનિકસનો ચોંકાવનારો અહેવાલ
- બળબળતી ગરમીની જેમ હવે અત્યંત ટાઢાબોળ દિવસો પણ આવવાનો વરતારો
મુંબઈ : ૨૦૨૪ની ૨૧, જુલાઇ, રવિવારનો દિવસ પૃથ્વી પરનો સૌથી હોટ હોટ દિવસ હતો.૨૧, જુલાઇએ પૃથ્વી જાણે કે ગરમીથી ધગધગી ગઇ હોય તેવો માહોલ સર્જાયો હતો. આ દિવસે અગાઉના બધા રેકોર્ડ્ઝ તોડી નાખ્યા હતા. આવી ચેતવણી સૂચક માહિતી યુરોપિયન ક્લાઇમેટ સર્વિસ કોપરનિકસનાં સૂત્રોએ આપી હતી.
કોપરનિકસનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે ૨૧મી જુલાઇએ સરેરાશ વૈશ્વિક તાપમાન ૧૭.૦૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ૨૧,જુલાઇનું તાપમાન તાપમાન ૨૦૨૩ની ૬,જુલાઇએ નોંધાયેલા સરેરાશ તાપમાનની સરખામણીએ એક (૧) ડિગ્રી વધુ હતું, એટલે કે ૧૬.૯ ડિગ્રી સેલ્સિયસ હતું. આમ ૨૧,જુલાઇના સરેરાશ તાપમાને અગાઉના વરસના સરેરાશ તાપમાનનો રેકોર્ડ તોડયો છે.
કોપરનિકસના ડાયરેક્ટર કાર્લો બ્યુઓન્ટેમ્પોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા તેર(૧૩) મહિનાના તાપમાનની અને અગાઉનાં વરસોની આંકડાકીય માહિતી વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો છે. હાલ આપણે સહુ અસહ્ય કહી શકાય તેવી ભારે ચિંતાજનક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહયા છીએ કારણ કે સમગ્ર વિશ્વનું તાપમાન સતત વધી રહ્યું છે.આટલું જ નહીં, આપણને હવે ભવિષ્યમાં બહુ થોડા મહિના કે વરસો દરમિયાન આના કરતાં પણ વધુ તાપમાનનો અનુભવ થશે.
કોપરનિકસનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી હતી કે માનવીય પ્રવૃત્તિઓને કારણે જ ક્લાઇમેટ ચેન્જના રેકોડ્ઝ થતા હોય છે અને તૂટતા પણ હોય છે. હવે બહુ નજીકના ભવિષ્યમાં ગરમીના રેકોર્ડ્ઝની જેમ જ ઠંડીના રેકોર્ડ પણ થાય તેવી ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઇ રહી છે.
૨૦૨૪નું વર્ષ તો અસહ્ય ગરમ રહ્યું જ છે પણ ૨૧,જુલાઇના દિવસે પૃથ્વી પર નવી જ ઘટના બની કે જે એન્ટાર્કટિકાના સામાન્ય શિયાળા કરતાં કંઇક વિશિષ્ટ હતું. હજી ગયા ૨૦૨૩ના જુલાઇમાં જ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં પણ કંઇક આ જ પ્રકારની ગતિવિધિ થઇ રહી હોવાનો સંકેત મળ્યો હતો.
અમેરિકાના કેલિફોર્નિયાના અંતરિયાળ વિસ્તારોમાં તો ગરમીનો પારો ફેહરેનહીટના ત્રણ આંકડામાં નોંધાયો હતો. પરિણામે પશ્ચિમ અમેરિકામાં આગ લાગવાની લગભગ ૨૪ ઘટનાઓ બની હતી. બરાબર આ જ તબક્કે યુરોપ આખું પણ પરસેવે રેબઝેબ થઇ ગયું હતું.
બર્કલે અર્થ ક્લાઇમેટના વિજ્ઞાની ઝેક હાઉસફાધરે પણ કહ્યું છે કે આ બધાં લક્ષણો ખરેખર ઘેરી ચિંતાનાં છે. મને લાગે છે કે ૨૦૨૪નું વર્ષ સત્તાવાર રીતે સૌથી ગરમ જાહેર થાય તેવી ૯૨ ટકા જેટલી શક્યતા છે. એટલે કે ૨૦૨૪નું વરસ ૨૦૨૩ કરતાં પણ વધુ હોટ જાહેર થવાની પૂરી સંભાવના છે.
સામાન્ય રીતે તો સમગ્ર વિશ્વમાં જુલાઇ મહિનો સૌથી ગરમ ગણાય છે. કારણ એ છે કે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જમીનનું પ્રમાણ સૌથી વધુ છે. પરિણામે ઋતુ ચક્રના ફેરફાર સાથે ગરમી પણ વધે.વૈશ્વિક તાપમાનમાં વધારો થાય.
પૃથ્વીના તાપમાનમાં વધારો થવાનું મહત્વનું પરિબળ છે અલ - નીનો.( પેસિફિક મહાસાગરમાં સર્જાતા ગરમ પ્રવાહને અલ નીનો , જ્યારે ઠંડા પ્રવાહોને લા - નીના કહેવાય છે).અલ -નીનો પરિબળને કારણે પેસિફિક મહાસાગરના પેટાળમાંના જ્વાળામુખી ફાટવાનું જોખમ પણ વધી રહ્યું છે. આવી સંભવિત ઘટનાઓને કારણે પણ વૈશ્વિક તાપમાનમાં વધારો થાય. જોકે આવી ઘટનાઓ કાંઇ ગ્રીન હાઉસ ગેસીસ જેટલા મહત્વના તો નથી જ.ગ્રીન હાઉસીસ ગેસીસને કારણે તો પૃથ્વીનો વિરાટ ગોળો દિન પ્રતિદિન વધુ ને વધુ હોટ બની રહ્યો છે.