જિયો-હોટસ્ટાર મર્જર બાદ 1100 કર્મચારીઓને છૂટા કરશે: ઘણા ડિપાર્ટમેન્ટ પર પડી છે અસર
JioHotstar Layoffs: ડિઝની+હોટસ્ટાર અને જિયો મર્જર બાદ હવે જિયો-હોટસ્ટાર બન્યું છે. આ જિયોહોટસ્ટાર હવે ભારતનું સૌથી મોટું મીડિયા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ બન્યું છે. જોકે તેઓ હવે તેમના 1100 કર્મચારીઓને છૂટા કરી રહ્યા છે. તેમને બહુ જલદી છૂટા કરવામાં આવશે અને આ જાહેરાત કંપની દ્વારા જ કરવામાં આવી છે.
એક મહિના પહેલાં થઈ હતી શરુઆત
કંપની દ્વારા કહેવાયું છે કે તેઓ બહુ જલદી છૂટા કરશે, પરંતુ તેમને છૂટા કરવાની શરુઆત એક મહિના પહેલાથી થઈ ગઈ હતી અને આગામી થોડા મહિના સુધી એક પછી એક એમ કરવામાં આવશે. આ છટણીમાં ઘણાં ડિપાર્ટમેન્ટ પર અસર પડી છે.
છથી બાર મહિનાનો પગાર આપવામાં આવશે
જિયો-હોટસ્ટારમાં જે પણ કર્મચારીને છૂટા કરવામાં આવી રહ્યા છે, તેમને છથી બાર મહિનાનો પગાર આપવામાં આવશે. કર્મચારી કેટલા વર્ષથી કંપનીમાં છે અને તે કયા લેવલ પર છે તે બાબતોને ધ્યાનમાં રાખીને આ પગાર ચૂકવવામાં આવશે. ફાઇનાન્સ, કોમર્શિયલ, ડિસ્ટ્રિબ્યુશન અને લીગલ ડિપાર્ટમેન્ટમાંથી આ કર્મચારીઓને છૂટા કરાશે.
નામ જાહેર ન કરવાની સલાહ
કંપની દ્વારા જે પણ કર્મચારીને છૂટા કરવામાં આવ્યા છે, તેમને એ વિશે જાહેર ન કરવા માટેની સલાહ આપવામાં આવી છે. તેમને છૂટા કરવામાં આવ્યા હોવાથી તેની અસર તેમની આગામી નોકરી પર પણ પડી શકે છે. આ છટણીમાં સિનિયર ડિરેક્ટર્સ, સિનિયર મેનેજર્સ, એન્ટ્રી-લેવલના કર્મચારી અને આસિસ્ટન્ટ વાઇસ-પ્રેસિડન્ટ લેવલના વ્યક્તિઓ પર તેની અસર જોવા મળશે. આ છટણીની સ્પોર્ટ્સ ડિવિઝન પર કોઈ અસર નહીં પડે. તેમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ, વિમેન્સ પ્રીમિયર લીગ અને ચેમ્પિયન્સ ટ્રોફીના કર્મચારીઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ગૂગલે લોન્ચ કર્યું નવું ફીચર, સર્ચમાં ઉમેરો કર્યો AI ચેટબોટનો
લોન્ચ કરશે નવી ચેનલ
જિયો-હોટસ્ટાર હવે તેમના સ્પોર્ટ્સ પોર્ટફોલિયોને વધારવાની તૈયારી કરી રહ્યા છે. જિયોહોટસ્ટારને લાગે છે કે માર્કેટમાં સ્પોર્ટ્સ ડિવિઝનની ખૂબ ડિમાન્ડ છે. આથી તેઓ હવે વાયકોમ 18 નેટવર્કનો ઉપયોગ કરીને સ્પોર્ટ્સ માટે રીજનલ ભાષામાં ચેનલ શરુ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવાની ચર્ચા છે.