ઓપન ટેલિકોમ AI પ્લેટફોર્મ લઈને આવી રહ્યું છે જિયો, સિસ્કો, નોકિયા અને AMD, જાણો શું છે?
Open Telecom AI Platform: જિયો હવે ઓપન ટેલિકોમ AI પ્લેટફોર્મ લઈને આવી રહ્યું છે. આ માટે તેણે સિસ્કો, નોકિયા અને AMD જેવી મોટી-મોટી કંપનીઓ સાથે પાર્ટનરશિપ પણ કરી છે. આ તમામ કંપનીઓ મળીને ટેલિકોમ ઓપરેટ અને સર્વિસ પ્રોવાઇડર માટે રિયલ-વર્લ્ડ AI સોલ્યુશન પૂરું પાડશે. બાર્સિલોનામાં યોજાયેલી મોબાઇલ વર્લ્ડ કોન્ગ્રેસ 2025માં આ વિશે જાહેરાત કરવામાં આવી હતી. આ પ્લેટફોર્મની મદદથી ટેલિકોમ કંપનીની કામ કરવાની ક્ષમતા માં વધારો થશે અને સિક્યોરિટી પણ વધશે. આ સાથે જ તેમને રેવેન્યુ ઊભા કરવાના નવા રસ્તાઓ પણ મળશે.
ટેલિકોમ ઓપરેશન્સમાં AIનો સમાવેશ
ટેલિકોમ ઓપરેશન્સની નેટવર્ક સિસ્ટમમાં AIનો સમાવેશ કરવામાં આવશે. ઓપન ટેલિકોમ AI પ્લેટફોર્મ નેટવર્કમાં ક્રાંતિ લાવવા માટે સક્ષમ છે. ટેલિકોમ અને ડિજિટલ સર્વિસમાં સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ લેયર તરીકે AI કામ કરશે. એના દ્વારા સિક્યોરિટીમાં વધારો થશે અને કામ કરવાની ક્ષમતા પણ વધશે. આ સાથે જ ટેલિકોમ ઓપરેટર્સના ખર્ચમાં પણ ઘટાડો થશે. આ એક લાર્જ લેન્ગ્વેજ મોડલ હશે અને એના કારણે AIને લગતી અનેક સર્વિસનો ઉપયોગ કરી શકાશે.
ઓપન ટેલિકોમ AI પ્લેટફોર્મથી શું ફાયદો થશે?
રિલાયન્સ જિયોના મેથ્યુ ઓમેન દ્વારા કહેવામાં આવ્યું કે ‘ઓપન ટેલિકોમ AI પ્લેટફોર્મ દ્વારા દરેક ટેલિકોમ કંપનીના લેયર્સમાં AIનો સમાવેશ કરવામાં આવશે. મલ્ટિડોમેન વર્કફ્લો પ્લેટફોર્મ હોવાથી એમાં કામ કરવાની ક્ષમતા માં વધારો થશે અને ટેલિકોમ ઇન્ડસ્ટ્રીના સિક્યોરિટી પ્રશ્નો પણ સોલ્વ થઈ જશે.’ ટેલિકોમ ઓપરેશન્સ માટે હવે સિક્યોરિટી ખૂબ જ મોટો પ્રશ્ન છે.
ટેક કંપનીઓની પાર્ટનરશિપ
ટેક કંપનીઓ જેવી કે જિયો, સિસ્કો, નોકિયા અને AMD સાથે મળીને આ પાર્ટનરશિપ પર કામ કરી રહ્યાં છે. દરેક કંપની વિવિધ બાબતોમાં એક્સપર્ટ છે અને તેઓ એનો ઉપયોગ કરી એક પ્રોડક્ટ બનાવવા જઈ રહ્યાં છે. AMD દ્વારા હાઇ-પર્ફોર્મન્સ કોમ્પ્યુટિંગ સોલ્યુશન પૂરુ પાડવામાં આવશે. સિસ્કો દ્વારા ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન્સ અને નેટવર્કિંગ, કોમ્પ્યુટિંગ અને એનાલિટિક્સ કેપેબિલિટિસનો સમાવેશ કરવામાં આવશે. નોકિયા દ્વારા રેડિયો એક્સેસ નેટવર્ક, કોર અને ટ્રાન્સપોર્ટ ટેક્નોલોજીસ પૂરી પાડવામાં આવશે.
આ પણ વાંચો: ઇન્ટરનેટ અને AIના જમાનામાં ફાઇલને ઇન્ક્રિપ્ટ કરવી જરૂરી, જાણો કેવી રીતે કરશો...
કોણ હશે કસ્ટમર?
આ નવા પ્લેટફોર્મનું પહેલું કસ્ટમર જિયો હશે. ગ્લોબલ સર્વિસ પ્રોવાઇડર માટે આ કંપનીઓ એક નવી સર્વિસ બનાવી રહી છે. ઓપન ટેલિકોમ AI પ્લેટફોર્મ એક નેટવર્ક એન્હાન્સમેન્ટ ટૂલ નથી. આ પ્લેટફોર્મની મદદથી ટેલિકોમ સેક્ટર ઘણું રેવેન્યુ પણ ઊભું કરી શકશે. આ એક ઓપન પ્લેટફોર્મ છે એટલે કે અન્ય ટેલિકોમ કંપની પણ એનો ઉપયોગ કરી શકશે, પરંતુ જિયો પહેલું કસ્ટમર છે.