મસ્ક સારો માણસ છે, તે પોતાના માટે નહીં, લોકો માટે જ કરશે... મસ્ક અને ટ્રમ્પની દોસ્તી વિશે જેફ બેઝોસ
Jeff Bezos on Elon Musk: એમેઝોનના માલિક જેફ બેઝોસનું કહેવું છે કે ઇલોન મસ્કે ક્યારેય તેની ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની દોસ્તીનો ઉપયોગ પોતાના ફાયદા માટે નહીં કરે. ઇલોન મસ્કે અમેરિકાના ઇલેક્શનમાં ખુલ્લેઆમ ડોનાલ્ડ ટ્રમ્પનો સપોર્ટ કર્યો હતો. ઇલોન મસ્કને ફર્સ્ટ બડી કહેવામાં આવે છે. તેમ જ ઇલોન મસ્ક એક ડિપાર્ટમેન્ટનો હેડ છે જે સરકારના ફાયદા માટે કામ કરશે. આ માટે ઇલોન મસ્કને વાઇટ હાઉસમાં એક ઓફિસ પણ આપવામાં આવશે એવી ચર્ચા છે.
ઇલોન મસ્ક અને જેફ બેઝોસ છે હરીફ
ઇલોન મસ્ક સ્પેસએક્સનો માલિક છે અને જેફ બેઝોસ બ્લુ ઓરિજિનનો માલિક છે. બન્ને કંપની અવકાશ અને એ માટેના યાન માટે કામ કરી રહી છે. તેમ જ બન્ને કંપની અવકાશ ટ્રાવેલ માટે પણ કામ કરી રહી છે. આથી આ બન્ને કંપની માર્કેટમાં ખૂબ જ જોરદાર હરીફાઇ કરી રહી છે. આ વિશે જેફ બેઝોસે કહ્યું હતું કે ‘ઇલોન પહેલેથી ખૂબ જ ચોક્કસ છે કે તે જે કઈ પણ કરશે એ લોકોના ઇન્ટરેસ્ટ માટે કરશે. તે કોઈ પણ દિવસે પોતાના અંગત ફાયદા માટે કંઈ નહીં કરે. હું તેને ઓળખું છું.’
મંગળ ગ્રહ અને ચાંદ મિશન વિશે
ગયા મહિને ઇલોન મસ્કે કહ્યું હતું કે અમેરિકાએ સૌથી પહેલાં સ્પેસક્રાફ્ટને મંગળ ગ્રહ પર મોકલવું જોઈએ નહીં કે ચાંદ પર. નાસાના સ્પેસ એક્સપ્લોરેશનના પ્રોગ્રામ વિશે ઇલોન મસ્ક અને જેફ બેઝોસ બન્ને કામ કરી રહ્યા છે. ઇલોન મસ્કની કમેન્ટ વિશે પૂછતાં જેફ બેઝોસે કહ્યું કે ‘મારો અંગત મત એ છે કે આપણે બન્નેને સાથે એક્સપ્લોર કરવું જોઈએ. આપણે કોઈ વસ્તુ શરૂ કરવી અને એને બંધ ન કરવી જોઈએ. આપણે ચંદ્રના પ્રોગ્રામને અટકાવવો ન જોઈએ.’
ડોનાલ્ડ ટ્રમ્પની દોસ્તીની અસર અવકાશ મિશન પર?
ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્કની દોસ્તી જગજાહેર છે. ઇલેક્શનના પ્રચાર દરમ્યાન ઘણી વાર ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ચંદ્ર કરતાં નાસાએ હવે મંગળ ગ્રહ પર ફોકસ કરવું જોઈએ. આ વિશે ઇલોન મસ્ક પહેલેથી કહેતા આવ્યા છે અને ડોનાલ્ડ ટ્રમ્પ પણ એજ કહી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડન્ટની ગાદી સંભાળતા જ આ મિશનમાં બદલાવ આવી શકે છે એ વિશે પૂછતાં જેફ બેઝોસ કહે છે, ‘કોઈ પણ મિશનની તૈયારી માટે એક પ્રેસિડન્ટનો કાર્યકાળ હોય એના કરતાં વધુ સમય લાગે છે. આથી કોઈ પણ મિશન કરવા માટે એના પર સતત કામ કરવું જરૂરી છે. આથી કોઈ પણ પ્રોગ્રામમાં બદલાવ આવે એવા ચાન્સ ઓછા છે.’