ઇસરોને સ્પેડેક્સ મિશનનાં ચેઝર- ટાર્ગેટ અવકાશ યાનના ડોકિંગના પડકારરૂપ પ્રયોગમાં ઝળહળતી સફળતા મળી
- ભારતની ટેકનિકલ સિદ્ધિની ગુંજ સમગ્ર વિશ્વમાં ફેલાઇ
- ડોકિંગની સફળતા ભાવિ સ્પેસ સ્ટેશનના અને મૂન મિશનમાં પણ ઉપયોગી બનશે : અંતરિક્ષ સંશોધનના પ્રયોગો પણ થઇ શકશે : પૃથ્વીના પેટાળમાંનાં ખનીજ તત્ત્વોનું સંશોધન થઇ શકશે
બેંગલુરુ/મુંબઇ : ડોકિંગ સક્સેસ.સ્પેસક્રાફ્ટ ડોકિંંગ સક્સેસફૂલ્લી કમ્પ્લીટેડ.એ હિસ્ટોરિક મોમેન્ટ.
બંને અવકાશયાનની એકબીજાં સાથે જોડાઇ જવાની ટેકનિકલ પ્રક્રિયા સફળ રીતે પૂરી થઇ છે. આપણા માટે આ ક્ષણ ઐતિહાસિક છે
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઝેશને(ઇસરો) આજે ૨૦૨૫ ની ૧૬,જાન્યુઆરીએ સવારે ૧૦.૦૪ વાગે આવી ખુશાલી જાહેર કરી છે.
ઇસરોએ તેના પોલાર સેટેલાઇટ લોન્ચ વેહિકલ -૬૦ (પીએસએલવી-૬૦) દ્વારા સ્પેસડેક્સ મિશન અંતર્ગત એસડીએક્સ૦૧ (ચેઝર) અને એસડીએક્સ૦૨ (ટાર્ગેટ) સંજ્ઞાા ધરાવતાં બે નાનાં કદનાં અવકાશયાન ૨૦૨૪ની ૩૦,ડિસેમ્બરે શ્રીહરિકોટના સ્પેસ સ્ટેશન પરથી તરતા મૂક્યા છે. બંને અવકાશયાનનું વજન ૨૨૦ - ૨૨૦ કિલો છે. બંને અવકાશયાનનું કદ મોટા રેફ્રીજરેટરના કદ જેવડું છે.
આ બંને અવકાશયાન એકબીજાં સાથે સફળ રીતે જોડાઇ જાય ( જેને ડોકિંગ કહેવાય છે) તે માટે ઇસરોએ કરેલા ટેકનોલોજીના પડકારરૂપ પ્રયોગને ઝળહળતી સફળતા પ્રાપ્ત થઇ છે.
આ સફળતા સાથે જ ભારત ડોકિંગ ટેકનોલોજીમાં સફળતા મેળવનારો વિશ્વનો ચોથો દેશ બન્યો છે. હાલ આવી ટેકનોલોજી અમેરિકા, સોવિયેત રશિયા,ચીન પાસે છે.
ઇસરોના યુ.આર. રાવ સેટેલાઇટ સેન્ટરના ડાયરેક્ટર એમ. શંકરને એવી માહિતી આપી છે કે અમારા મૂળ કાર્યક્રમ મુજબ બંને સેટેલાઇટ્સની ડોકિંગ પ્રોસેસ પહેલાં ૭, જાન્યુઆરીએ થવાની હતી. જોકે ગ્રાઉન્ડ સિમ્યુલેશન(કોઇપણ પ્રક્રિયા માટેનું સચિત્ર નિદર્શન)ની ટેકનિકલ પ્રક્રિયાના આધારે અમુક સચોટ કામગીરી બાકી હોવાથી બંને સેટેલાઇટ્સની ડોકિંગ પ્રોસેસ ૭ અને ૯, જાન્યુઆરીએ એમ બે દિવસ થઇ શકી નહોતી.
* ચેઝર અવકાશયાન અને ટાર્ગેટ અવકાશયાન એકબીજાં સાથે કઇ રીતે જોડાયાં ?
ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે ચેઝર અને ટાર્ગેટ બંને અવકાશયાનની ડોકિંગની સફળ પ્રક્રિયા આજે સવારે નવ વાગે પૃથ્વીથી દૂર ૪૭૫ કિલોમીટરના અંતરે થઇ છે. શરૂઆતના તબક્કે બંને અવકાશયાન વચ્ચે ૨૦ કિલોમીટરનું અંતર હતું.ત્યારબાદ ૨૦૨૫ની ૧૨,જાન્યુઆરી,રવિવારે પહેલા પ્રયાસમાં બંને અવકાશયાંન વચ્ચેનું અંતર ઘટાડીને ૧૫ મીટર અને બીજા પ્રયત્નમાં ફક્ત ત્રણ(૩) મીટર કરવામાં આવ્યું હતું.
ડોકિંગની પ્રક્રિયા સફળ રહે તે માટે ચેઝર અને ટાર્ગેટ બંને અવકાશયાન એક જ ભ્રમણકક્ષામાં રહેવાં જરૂરી છે, કે જેથી ચેઝર તેના સાથી ટાર્ગેટનો સંપર્ક સાધી શકે.અમે આજે સવારે નવ વાગે બંને અવકાશયાન વચ્ચેની ગતિ તબક્કાવાર ઘટાડવાનું શરૂ કર્યું હતું. છેવટે ચેઝર અને ટાર્ગેટ અવકાશયાન વચ્ચે ફક્ત ત્રણ મીટરનું અંતર રહ્યું ત્યારેબંને એકબીજાં સાથે મજબૂત રીતે જોડાઇ ગયાં છે.
* ડોકિંગ પ્રક્રિયા શા માટે ટેકનિકલ પડકાર હોય છે ? ભવિષ્યમાં કયા પ્રોજેક્ટ્સમાં કઇ રીતે ઉપયોગી બની શકે ?
ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ(ટી.આઇ.એફ.આર.--મુંબઇ)ના સિનિયર ખગોળશાસ્ત્રી(નિવૃત્ત) અને અમેરિકાની નાસા સાથે ભારતના અનુરાધા પ્રોજેક્ટમાં સક્રિય હિસ્સો લેનારા પ્રો.મયંક વાહિયાએ તેમના બહોળા સંશોધન અને અનુભવના આધારે ગુજરાત સમાચારને કહ્યું હતું કે કોઇપણ સેટેલાઇટ તેની ધરી પર લગભગ ૮૦ કિલોમીટરની(પ્રતિ સેકન્ડ)ની તીવ્ર ગતિએ ગોળ ગોળ ફરતો હોય.સાથોસાથ તે સેટેલાઇટ ૯૦ મિનિટમાં પૃથ્વીની એક પ્રદક્ષિણા પણ પૂરી કરતો હોય.
આવી પરિસ્થિતિમાં કોઇપણ બે સેટેલાઇટસને કે અવકાશયાનને એકબીજાં સાથે જોડવાં હોય તો બંનેની ગતિ દર સેકન્ડે તબકક્કાવાર ઘટાડવી પડે. સાથોસાથ બંને વચ્ચેનું અંતર પણ બહુ થોડા મીટરનુંં થવું જોઇએ.આ પ્રક્રિયા સચોટપણે ન થાય તો બંને સેટેલાઇટ્સ કે અવકાશયાન આરસપહાણના નાના પથ્થરની જેમ અફાટ અંતરિક્ષમાં ફેંકાઇ જાય. પડકારરૂપ પરિસ્થિતિ તો એ હોય છે કે આ સમગ્ર ટેકનિકલ પ્રક્રિયા બંને સેટેલાઇટ્સમાંના કેમેરાની મદદથી અને પૃથ્વી પરથી કરવાની હોય છે. વળી, બંને સેટેલાસટ્સ કે અવકાશયાનનું ડોકિંગનું લોકિંગ એટલું સચોટ અને મજબૂત હોવું જોઇએ કે તેમાંથી હવા પણ બહાર ન નીકળી શકે.
સેટેલાઇટ્સ કે સ્પેસક્રાફ્ટ્સના ડોકિંગના આધારે ભવિષ્યમાં સ્પેસ સ્ટેશનમાં અવકાશયાત્રીને અને જીવન જરૂરી ચીજવસ્તુઓને મોકલી શકાય.સાથોસાથ તેમને પૃથ્વી પર સલામત રીતે પાછાં પણ લાવી શકાય. ઉપરાંત, આ જ ટેકનોલોજી ભારતના ભાવિ મૂન મિશનમાં પણ ઉપયોગી બની શકે.
* અનડોકિંગ પણ પડકારરૂપ ગણાય: ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ (ટીઆઇએફઆર-મુંબઇ)ના સિનિયર ખગોળશાસ્ત્રી અને ભારતની પહેલી વેધશાળા એસ્ટ્રોનોમી સેટેલાઇટ(એસ્ટ્રોસેટ) પ્રોજેક્ટના સભ્ય ડો.કે.પી.સિંહે મોહાલીથી ગુજરાત સમાચારને કહ્યું હતું કે ચેઝર અને ટાર્ગેટની ડોકિંગ પ્રક્રિયા સફળ રહી તે પ્રસંગ ભારત અને ઇસરો બંને માટે બહુ મોટી સફળતા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઇસરોની પ્રતિષ્ઠા વધુ ઉજળી બની છે.
હવે જોકે બંને અવકાશયાનના અનડોકિંગની પ્રક્રિયા થશે ત્યારે પણ ટેકનિકલ પરીક્ષા થશે.કારણ કે અનડોકિંગની પ્રક્રિયા પણ એટલી જ પડકારરૂપ હોય છે. હવે ઇસરો આવી ટેકનિકલ સિદ્ધિ મેળવવામાં કાબેલ થતું જાય છે.
* હવે પછી કઇ પ્રક્રિયા --પરીક્ષણ થશે ?
ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે હવે આવતા બે -ત્રણ દિવસની પ્રક્રિયામાં બંને અવકાશયાનો વચ્ચે એરટાઇટ પેસેજ બનાવવામાં આવશે કે જેથી ચેઝરમાંથી ઇલેક્ટ્રીક પાવર ટાર્ગેટમાં મોકલી શકાય. ત્યારબાદ છેલ્લા તબક્કે બંને અવકાશયાનની છૂટાં પડવા(જેને અનડોકિંગ કહેવાય છે)ની પ્રક્રિયા પણ થશે.
મહત્વની બાબત તોએ પણ છે કે ડોકિંગ અને અનડોકિંગની પ્રક્રિયા દરમિયાન બંને અવકાશયાનનો એકબીજાં સાથેનો અને પૃથ્વી પરનાં સ્ટેશન સાથેનો સંદેશા વ્યવહાર પણ જળવાઇ રહે તેનું પણ પરીક્ષણ થશે.આ પરીક્ષણ દ્વારા બંને અવકાશયાન એકબીજાંની સ્થિતિ અને ગતિ વિશે જાણી શકે.
* ચેઝર -- ટાર્ગેટ અવકાશયાન કઇ કામગીરી કરશે ?
ચેઝર અવકાશયાનમાં અને ટાર્ગટ અવકાશયાનમાં અત્યાધુનિક ટેકનોેલોજીના કેમેરા સહિત અન્ય વૈજ્ઞાાનિક ઉપકરણો પણ છે. હવે નજીકના દિવસોમાં જ આ બધાં ઉપકરણો પણ કાર્યરત થશે.આવતાં બે વર્ષ દરમિયાન આ બંને અવકાશયાન અંતરિક્ષમાંના રેડિયેશન(કિરણોત્સર્ગ)ના પ્રમાણ વિશે સંશોધન શરૂ કરશે. સાથોસાથ પૃથ્વી પર અને ભૂગર્ભમાં કયાં કયાં કુદરતી ખનિજ તત્ત્વો છે તેનું પણ સંશોધન શરૂ કરશે.