ISROના વિજ્ઞાનીઓનો વિશ્વમાં ડંકો, ચંદ્રયાન-3ની ટીમને US સ્પેશ ફાઉન્ડેશનનો સર્વોચ્ચ પુરસ્કાર એનાયત
Science & Technology: ભારતના અંતરિક્ષ વિજ્ઞાાનીઓનો ડંકો દુનિયાભરમાં વાગી રહ્યો છે. સ્પેસ ક્ષેત્રે મેળવેલી સિદ્ધીનું ઉદાહરણ તેઓએ ચંદ્રયાન-૩ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સોફ્ટ લેન્ડીંગ કરાવ્યું તે છે, આ પૂર્વે ભારતે પહેલા જ પ્રયત્ને મંગળયાન સફળ રીતે મંગળ પર ઉતારી વિશ્વને ચકિત કરી દીધું હતું. અત્યારે ભારતનું સૂર્ય યાન સૂર્ય તરફ ગતિ કરી તેની ભ્રમણ કક્ષામાં ગોઠવાઈ રહ્યું છે. ઇસરોના વિજ્ઞાાનીઓની સમગ્ર ટીમે ટીમ વર્ક દ્વારા આ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તેથી સમગ્ર ટીમને 2024નો જ્હોન એસ જેક સ્વિગર્ટ જુનિયર પુરસ્કાર એનાયત કરાયો છે.
કોલોરાડોમાં વાર્ષિક અતંરીક્ષ સંગોષ્ટીના ઉદ્ધાટન સમયે ઇંડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) તરફથી હ્યુસ્ટન સ્થિત ભારતના મહાવાણિજય દૂત ડી.સી. મંજૂનાથે આ પુરસ્કાર પ્રાપ્ત કર્યો. જે યુ.એસ. સ્પેશ ફાઉન્ડેશનનો સર્વોચ્ચ પુરસ્કાર છે.
આ સંસ્થાએ તેના પ્રેસ રીલીઝમાં જણાવ્યું છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ઉતરનારા પહેલા દેશ તરીકે ઇસરોના મિશન ચંદ્રયાન-૩ માનવીની અંતરિક્ષ સંશોધન આકાંક્ષાઓની સમજ અને સહયોગ માટે નવા ક્ષેત્રો સુધી વિસ્તારીત કરે છે. આ સ્પેશ ફાઉન્ડેશનના મુખ્ય અધિકારી હીદર-પ્રિંગલે આ પુરસ્કારની ઘોષણા કરતાં કહ્યું : અંતરિક્ષમાં ભારતનું નેતૃત્વ વિશ્વ માટે પ્રેરણા દાયક છે. ચંદ્રયાન-૩ની ટીમના અગ્રણી કાર્યએ અંતરિક્ષ સંશોધન ક્ષેત્રના સ્તરને ફરી વધારી દીધુ છે. ચંદ્રયાન-૩નું સોફટ લેન્ડીંગ આપણા સર્વે માટે ઉદાહરણરૂપ છે. વધાઈ હો. હવે અમે વધુ રાહ જોઈ શકીએ તેમ નથી કે હવે આગળ તમો શું કરશો.
ભારતે ગત વર્ષે મિશન ચંદ્રયાન-૩ નીચે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સફળતાપૂર્વક સોફટ લેન્ડીંગ કરી ઇતિહાસ રચી દીધો છે. હજી સુધી દુનિયાના કોઈ દેશે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર પગ મુક્યો નથી.