SUITની મદદથી Aditya L1એ સૂર્યની 11 જુદા જુદા રંગોમાં લીધી હતી તસવીરો, જાણો આ કેમેરો કેવો છે?
આ પ્રથમ વખત છે જ્યારે SUIT એ સૂર્યની ફુલ ડિસ્ક તસવીરો લીધી છે
આદિત્ય L-1 અવકાશયાન 2 સપ્ટેમ્બરે ISRO દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું
image : Twitter |
Aditya L1 SUIT: આદિત્ય L-1 અવકાશયાને SUIT દ્વારા સૂર્યની કેટલીક ફૂલ વેવલેન્થ તસવીરો 200 થી 400 નેનોમીટર વચ્ચે કેપ્ચર કરી છે. આ તસવીરો ISRO દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવી છે, જે 11 અલગ-અલગ રંગોમાં દેખાઈ રહી છે. આ પ્રથમ વખત છે જ્યારે SUIT એ સૂર્યની ફુલ ડિસ્ક તસવીરો લીધી હતી. તો ચાલો જાણીએ કે આદિત્ય L-1 સ્પેસક્રાફ્ટે આ ફોટો કેવી રીતે કેપ્ચર કર્યા અને તેમાં કયો કેમેરો લગાવવામાં આવ્યો છે જે સૂર્યનો ફોટો કેપ્ચર કરી રહ્યો છે. આ તસવીરો ઈસરોએ 8 ડિસેમ્બરે શેર કરી હતી.
2 સપ્ટેમ્બરે આદિત્ય L1 લોન્ચ કરાયું હતું
આદિત્ય L-1 અવકાશયાન 2 સપ્ટેમ્બરે ISRO દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું અને 20 નવેમ્બરના રોજ ISRO દ્વારા તેનું SUIT પેલોડ ખોલવામાં આવ્યું હતું.
આ SUIT શું છે?
ઈસરોએ આ અવકાશયાનમાં સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT-Solar Ultraviolet Imaging Telescope) સ્થાપિત કર્યું છે જેણે સૂર્યના ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરની તસવીરો લીધી છે. ફોટોસ્ફિયર એટલે સૂર્યની સપાટી, જ્યારે ક્રોમોસ્ફિયર એટલે સપાટી અને બાહ્ય વાતાવરણ વચ્ચેનું પાતળું લેયર. ક્રોમોસ્ફિયર સૂર્યની સપાટીથી 2000 કિલોમીટર સુધી વિસ્તરેલું હોય છે.
અગાઉ 6 ડિસેમ્બરે તસવીરો લેવાઈ હતી
ઉલ્લેખનીય છે કે, આ પહેલા 6 ડિસેમ્બરે સૂર્યની લાઈટ સાયન્સ તસવીરો લેવામાં આવી હતી. આ પ્રથમ વખત છે જ્યારે SUIT ની મદદથી સંપૂર્ણ ડિસ્કની તસવીરો લેવામાં આવી છે. સંપૂર્ણ ડિસ્કનો અર્થ થાય છે સૂર્યના તે ભાગનું સંપૂર્ણ ચિત્ર જે સામેથી દેખાય છે. ISRO દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં તમે જોઈ શકો છો કે પ્લેગ, સ્પોટ્સ અને સૂર્યના શાંત ભાગો દેખાઈ રહ્યા છે.
SUIT કોણે બનાવ્યું?
SUIT ને મણિપાલ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન (MAHE), ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (IUCAA), સેન્ટર ફોર એક્સેલન્સ ઇન સ્પેસ સાયન્સ ઈન્ડિયન (CESSI), ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ, ઉદયપુર સોલર ઓબ્ઝર્વેટરી, તેજપુર યુનિવર્સિટી અને ISROના વિજ્ઞાનીઓ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. તે આદિત્ય L1 માં ફીટ કરાયેલા 7 વિવિધ પેલોડ્સમાંથી આ એક છે.