ઇસરોની 100મી છલાંગથી ઇતિહાસ રચાયો અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે ભારતની સોનેરી સિદ્ધિ
- હવે 200મું મિશન પણ બહુ જલદી પૂરું થશે : નવા ચેરમેન વી. નારાયણ
- લોન્ચિંગની 19મી મિનિટે એનવીએસ-02 સેટેલાઇટ તેની જીઓસિન્ક્રોન્સ ટ્રાન્સફર ઓર્બિટમાં ગોઠવાઇ ગયો : દરેક ભારતીય માટે ગૌરવરૂપ દિવસ
બેંગલુરુ/મુંબઇ : આજે ૨૦૨૫ની ૨૯, જાન્યુઆરીએ, બુધવારે, સવારે ૬.૨૩ વાગે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને(ઇસરો) તેનું ૧૦૦ મું મિશન સફળતાપૂર્વક તરતું મૂકીને અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે પોતાની ટેકનિકલ સુવર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ઇસરોએ આજે તેના ૧૦૦ મા મિશનના સ્વરૂપમાં જીઓસિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વેહિકલ-એફ૧૫(જીએસએલવી-એફ ૧૫) પ્રકારના આધુનિક રોકેટ દ્વારા એનવીએસ -૦૨ સેટેલાઇટ શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સ્ટેશન પરથી તરતો મૂક્યો છે.
આ ગૌરવવંતા પ્રસંગે ઇસરોના નવા ચેરમેન ડો.વી.નારાયણને ખુશાલી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ૨૦૨૫ના નવા વર્ષેના પ્રારંભમાં જ અમે અમારું પહેલું અને ઇસરોનું ૧૦૦ મું મિશન સફળતાથી તરતું મૂકી શક્યા છીએ તેનો ભરપૂર આનંદ છે.
રોકેટ લિફ્ટ ઓફ્ફ થયું તેની બરાબર ૧૯ મી મિનિટે એનવીએસ-૦૨ સેટેલાઇટ તેની ૩૨૨.૯૩ કિલોમીટરની જીઓસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં સફળતાથી ગોઠવાઇ ગયો છે. સરળ રીતે સમજીએ તો એનવીએસ-૦૨ સેટેલાઇટ પૃથ્વીથી દૂર આકાશમાં ૩૨૨.૯૩ કિલોમીટરના અંતરે તેની નિશ્ચિત ભ્રમણકક્ષામાં પહોંચી ગયો છે. જીએસએલવી-એફ ૧૫ રોકેટ ઇસરોનું છઠ્ઠી પેઢીનું એટલે કે છઠ્ઠા તબક્કાનું રોકેટ છે. ઇસરોએ અત્યારસુધીમાં વિવિધ પ્રકારનાં રોકેટ્સ(જેને લોન્ચ વેહિકલ કહેવાય છે) દ્વારા ૧૨૦ ટન વજનના ૫૪૮ સેટેલાઇટ્સ તરતા મૂકવાની સિદ્ધિ મેળવી છે.આ જ સિદ્ધિમાં ૨૩ ટનના ૪૩૩ વિદેશના સેટેલાઇટ્સ પણ છે. ખાસ કરીને પોલાર સેટલાઇટ લોન્ચ વેહિકલ(પીએસએલવી) તો ઇસરોનું વર્કહોર્સ કહેવાય છે. અત્યારસુધીમાં ઇસરોએ પોતાના જુદી જુદી આધુનિક ટેકનોલોજીનાં અને વધુ વજન ક્ષમતાવાળાં રોકેટ્સ દ્વારા ચંદ્રયાન : ૧-૨-૩ , મંગળયાન-૧, આદિત્ય--એલ ૧, જેવાં પડકારરૂપ મિશન તરતાં મૂકવામાં સફળતા મેળવી છે. ઉપરાંત, ઇસરોએ એક જ રોકેટમાં એક સાથે ૧૦૪ સેટેલાઇટ્સ સફળતાથી તરતા મૂકીને વિશ્વ વિક્રમ પણ કર્યો છે.
ઇસરોના વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર(વીએસએસસી) ડાયરેક્ટર એસ.ઉન્નીકૃષ્ણને આત્મવિશ્વાસ વ્યકત કરતાં કહ્યું છે કે આપણે ૧૦૦ મું મિશન સફળતાથી પાર પાડયું.હવે ૨૦૦મા મિશનનો લક્ષ્યાંક પણ બહુ જલદી પૂરો થઇ શકશે. આજના ૧૦૦ મા મિશન સાથે જીએસએલવી રોકેટની પણ ૧૭ મી ફ્લાઇટ્સ પણ સફળ રહી છે, જેમાં સ્વદેશી ટેકનોલોજીનું ક્રાયોજેનિક સ્ટેજ પણ છે.
ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાાન વિભાગ સહિત સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના રાજ્ય કક્ષાના પ્રધાન ડો. જિતેન્દ્ર સિંહે ખુશી વ્યકત કરતાં કહ્યું છે કે ઇસરોના ૧૦૦ મું સફળ મિશન દરેક ભારતીય નાગરિક માટે ગૌરવની ક્ષણ છે.સમગ્ર ભારત ઇસરાના પ્રતિભાશાળી, કુશળ રાષ્ટ્રપ્રેમી વિજ્ઞાાનીઓની તથા એન્જિનિયરોની સિદ્ધિ માટે ખરેખર ગૌરવ અનુભવે છે.
એનવીએસ - 02 સેટેલાઇટ દ્વારા સ્થળ, ગતિ, સમયની સચોટ માહિતી મળશે
- સેટેલાઇટમાં સ્વદેશી ટેકનોલોજીની એટમિક ક્લોક ગોઠવવામાં આવી છે: નાવિક સિરિઝમાં કુલ પાંચ સેટેલાઇટ્સનો કાર્યક્રમ છે
બેંગલુરુ/મુંબઇ : આજે ૨૦૨૫ની ૨૯, જાન્યુઆરીએ, બુધવારે એનવીએસ-૦૨ સેટેલાઇટને ઇસરોના ૧૦૦ મા મિશનનું સોનેરી ગૌરવ પ્રાપ્ત થયું છે. એનવીએસ-૦૨ સેટેલાઇટ ખરેખર તો નેવીગેશન વીથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન(એનએવીઆઇસી-નાવિક) સિરિઝનો બીજોહિસ્સો છે.એનવીએસ -૦૧ ૨૦૨૩ની૨૯,મે એ તરતો મૂકવામાં આવ્યો છે.
* એનવીએસ-૦૨ સેટેલાઇટનો મૂળ હેતુ : સ્થળ, ગતિ,સમય વિશે ભારતનાં નાગરિકોને સચોટ માહિતી આપવાનો છે. સાથોસાથ ભારત આજુબાજના ૧,૫૦૦ કિલોમીટરના વિશાળ પરિસરમાં પણ આ જ સેવા મળી શકશે.
* એનવીએસ સિરિઝ : એનવીએસ સિરિઝ છે. એટલે કે આ સિરિઝમાં એનવીએસ- ૦૧/૨/૩/૪/૫ સેટેલાઇટનો સમાવેશ થાય છે. આજે એનવીએસ -૦૨ સેટેલાઇટ તરતો મૂકવામાં આવ્યો છે.
* વૈજ્ઞાાનિક ઉપકરણો : એનવીએસ-૦૨માં નેવીગેશન(દિશાસૂચક) માટે એલ૧,,એલ૫, અને એસ બેન્ડ્ઝ ઉપરાંત સી બેન્ડ પણ છે. સેટેલાઇટ ઇસરોના યુ.આર. રાવ સેટેલાઇટ સેન્ટરમાં તૈયાર થયો છે.
* એટમિક ક્લોક વિશેષ ઉપકરણ : એનવીએસ - ૦૨ સેટેલાઇટમાં સ્વદેશી ટેકનોલોજીનું રૂબિડિયમ એટમિક ફ્રિક્વન્સી સ્ટાન્ડર્ડ(આર.એ.એફ.સી.) નામનું ખાસ વૈજ્ઞાાનિક ઉપકરણ પણ છે. સરળ રીતે સમજીએ તો સેટેલાઇટમાં એટમિક ક્લોક ગોઠવવામાં આવી છે. એટમિક ક્લોકની મદદથી સમયની સચોટ માહિતી મળશે.
* વજન : પાવર : આ નવા સેટેલાઇટનું વજન૨,૨૫૦ કિલો છે. તેની પાવર હેન્ડલિંગ ક્ષમતા ૩ કિલોવોટ છે.