ઇસરો હવામાન અને કુદરતી આપત્તિઓની સચોટ આગાહી માટે ઇન્સેટ-3 ડીએસ તરતો મૂકશે
ઇસરોનું ટાઇમ ટેબલ બહુ વ્યસ્ત બની ગયું છે
સેટેલાઇટ 17, ફેબ્રુઆરીએ સાંજે 5 :30 વાગે જી.એસ.એલ.વી.-એફ 14 રોકેટ દ્વારા શ્રીહરિકોટા પરથી આકાશમાં 36,000 કિ.મી.ના અંતરે તરતો મૂકાશે: ચાર વૈજ્ઞાનિક ઉપકરણ છે
ISRO news | ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) ચંદ્રયાન -૩, આદિત્ય-એલ૧ અવકાશયાન, એક્સ્પોસેટ બાદ હવે ૨૦૨૪ની ૧૭,ફેબ્રુઆરીએ ઇન્સેટ-૩ડીએસ (ઇન્ડિયન સેટેલાઇટ) તરતો મૂકશે. ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે ઇન્સેટ-૩ડીએસ ૧૭, ફેબ્રુઆરીએ સાંજે ૫:૩૦ વાગે જીઓસિન્ક્રોનસ લોન્ચ વેહિકલ -એફ ૧૪ (જી.એસ.એલ.વી.) દ્વારા શ્રીહરિકોટાના સ્પેસ સ્ટેશન પરથી તરતો મૂકાશે. ચાર સ્ટેજનું અને ૫૧.૭ મીટર લંબાઇ ધરાવતું જી.એસ.એલ.વી.૨, ૨૭૪ કિલાનું ભારેભરખમ વજન ધરાવતા ઇન્સેટ -૩ડીએસને લઇને પૃથ્વીથી ૩૬,૦૦૦ કિલોમીટરના અંતરે તરતો મૂકશે.
ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી હતી કે ઇન્સેટ -૩ડીએસનો હેતુ હવામાનની અને આબોહવાની સચોટ આગાહીનો છે.આમ તો હવામાનની આગાહી માટે અત્યારે ઇન્સેટ -૩ ડી અને ઇન્સેટ -૩ ડીઆર એમ બે સેટેલાઇટસ સંપૂર્ણપણે સક્રિય છે. હાલ ભારતના હવામાન વિભાગના વિજ્ઞાનીઓ આ બંને સેટેલાઇટ્સની મદદથી હવામાનની આગાહી કરે છે. એટલે આ નવો ઇન્સેટ-૩ ડીએસ હવામાનની આગહી માટેનો ત્રીજી પેઢીનો અને વધુ આધુનિક ટેકનોલોજી સાથેનો સેટેલાઇટ છે.
આ નવો ઇન્સેટ-૩ ડીએસ સેટેલાઇટ ઠંડી, ગરમી, ચોમાસુ, વાવાઝોડું, વીજળીના કડાકા, મેઘગર્જના, વાતાવરણમાંનો ભેજ, જમીનનું તાપમાન, સમુદ્રની સપાટીનું તાપમાન અને તેના પર થતા ફેરફાર વગેરેની સચોટ આગાહી પણ કરશે. આ નવા સેટેલાઇટના ઉપયોગથી ઇન્ડિયન મિટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ (આઇ.એમ.ડી.), નેશનલ સેન્ટર ફોર મિડિયમ - રેન્જ વેધર ફોરકાસ્ટિંગ (એન.સી.એમ.આર.ડબલ્યુ.એફ.), ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટ્રોપિકલ મિટિયોરોલોજી (આઇ.આઇ.ટી.એમ.), નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ઓશન ટેકનોલાજી (એન.આઇ.ઓ.ટી.) વગેરે એજન્સીઓ આંકડાકીય માહિતી સાથે ઇમેજીસ પણ મેળવીને હવામાનમાં થતા વ્યાપક ફેરફારની સચોટ આગાહી કરી શકશે.
ઇન્સેટ-૩ડીએસમાં (૧) ઇમેજર (૨)સાઉન્ડર (૩) ડાટા રીલે ટ્રાન્સપોન્ડર(૪)સેટેલાઇટ એઇડેડ સર્ચ એન્ડ રેસ્કયુ ટ્રાન્સપોન્ડર એમ કુલ ચાર વૈજ્ઞાનિક ઉપકરણ છે. સેટેલાઇટને સોલાર પેનલ્સ,આધુનિક ટેકનોલોજીની બેટરી, પાવર જનરેશન ૧૫૦૫ વોટ્સ વગેરે દ્વારા ઉર્જા મળશે.