ISRO આજે લોન્ચ કરશે Spadex મિશન: જાણો ભારત માટે આ મિશન કેમ ખૂબ મહત્ત્વનું છે
Most Important Mission of India: ISRO દ્વારા આજે જે Spadex મિશન લોન્ચ કરવામાં આવી રહ્યું છે એ અત્યાર સુધીનું ISROનું સૌથી મોટું મિશન છે. ISRO દ્વારા આજે શ્રીહરિકોટામાં Spadex મિશનને લોન્ચ કરવામાં આવશે. ISRO દ્વારા સોશિયલ મીડિયા પર જણાવવામાં આવ્યું છે કે આ મિશનને રાતે દસ વાગ્યે લોન્ચ કરવામાં આવશે. એવું કહેવામાં આવે છે કે આ મિશન જો સફળ રહ્યું તો એને લઈને ભારતનું અવકાશમાં બનતું સ્પેસ સ્ટેશન અને ચંદ્રયાન-4 સફળ રહેવાના ચાન્સ ખૂબ જ વધી જશે. આથી જ આ મિશનને ખૂબ જ મહત્ત્વનું કહેવામાં આવી રહ્યું છે.
શું છે Spadex મિશન?
આ મિશનમાં બે સેટેલાઇટ છે. એકને ચેઝર કહેવામાં આવી રહ્યું છે અને બીજી સેટેલાઇટને ટાર્ગેટ. ચેઝર જે છે એ ટાર્ગેટ સેટેલાઇટને પકડશે અને એના દ્વારા ડોકિંગ કરવામાં આવશે. ડોકિંગ એટલે કે એક સેટેલાઇટને બીજી સેટેલાઇટ સાથે જોડવાનું. આ સાથે જ આ મિશનમાં એક મહત્ત્વપૂર્ણ ટેસ્ટ કરવામાં આવશે. આ સેટેલાઇટમાં એક રોબોટિક આર્મ હશે જે હુકની મદદથી સેટેલાઇટને પકડશે અને એને પોતાની તરફ ખેંચશે. એટલે કે ડોકિંગ માટે આ પદ્ધતિ સફળ રહે છે કે નહીં એનું ટેસ્ટ કરવામાં આવશે. આ ટાર્ગેટ કોઈ પણ સેટેલાઇટ હોઈ શકે છે અને આ તુરંત મોકલવામાં આવી છે તે જ સેટેલાઇટ નથી. આ કારણસર આ મિશન ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે એના કારણે અન્ય સેટેલાઇટને ડોકિંગ કરવા માટે શું કરવું તે નક્કી થશે.
આ પણ વાંચો: YouTube પ્રીમિયમ છે અને તેમ છતાં એડ્સ આવે છે? આ રીતે સોલ્વ કરો પ્રોબ્લેમ...
શું ફાયદો થશે?
આ મિશન સફળ રહ્યું તો એના કારણે ખૂબ જ ફાયદો થશે. ખાસ કરીને, કોઈ સેટેલાઇટ અથવા તો સેટેલાઇટનો કોઈ પણ ભાગ જે તેની ચોક્કસ ઓર્બિટમાંથી બહાર જઈ રહ્યો હોય, તેને પકડીને ફરી એની દિશામાં અથવા તો એની યોગ્ય જગ્યાએ લાવી શકાશે. આ સાથે જ ઓર્બિટમાં સેટેલાઇટને સર્વિસ કરવી અને રીફ્યૂલિંગ કરવાની ટેક્નિક પણ મળી જશે. Spadex મિશનમાં બે અલગ-અલગ સ્પેસક્રાફ્ટને એક સાથે જોડવામાં આવશે અને એનાથી ભવિષ્યમાં ખૂબ જ ફાયદો થશે. એક સ્પેસક્રાફ્ટમાં પ્રોબ્લેમ આવ્યો હોય, તો અન્ય એને મદદ કરી શકશે.
ચંદ્રયાન-4 માટે મહત્ત્વનું મિશન
ચંદ્રયાન-4 માટે અવકાશમાં ડોકિંગ કરવું ખૂબ જ જરૂરી છે. ડોકિંગ વગર આ મિશન શક્ય નથી. ભારતને અવકાશમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવા માટે પણ આ ટેક્નિક ખૂબ જ મહત્ત્વની છે. આ જ ટેક્નિક ચંદ્રયાન માટે મદદ કરશે. એક જ રોકેટ દ્વારા બે સેટેલાઇટને ધરતી પરથી છોડવામાં આવશે. અંતરિક્ષમાં જઈને એ બન્ને અલગ થઈ જશે અને ત્યારબાદ બન્ને પોત-પોતાની રીતે કામ કરશે.
ઓછા ખર્ચે સૌથી મહત્ત્વનું મિશન
ISRO દ્વારા આ મિશન પાછળ વધુ પડતો ખર્ચ કરવામાં નથી આવ્યો. અન્ય મિશનની સરખામણીએ આ મિશન પાછળ ખૂબ જ ઓછો ખર્ચ થયો છે, પરંતુ એમ છતાં એ સૌથી મહત્ત્વનું મિશન છે. ISROનો ઉદ્દેશ PSLV રોકેટની મદદથી બે સેટેલાઇટને અંતરિક્ષમાં છોડવાનો છે, જેની મદદથી ડોકિંગ અને અનડોકિંગ કરવામાં આવશે. આ મિશનની મદદથી ચંદ્ર પર વ્યક્તિઓ દ્વારા જે મિશન કરવામાં આવશે, તેમ જ ચંદ્ર પરથી નમૂનાઓ લાવવામાં પણ એ મદદ કરશે.
આ પણ વાંચો: ISROનું મોટું મિશન: અંતરિક્ષમાં અલગ-અલગ સેટેલાઇટનું ડોકિંગ કરવાની તૈયારી શરૂ
ભારત બનશે દુનિયાનો ચોથો દેશ
ISROના કહ્યા મુજબ આ ટેક્નોલોજીનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે, જ્યારે એક હેતુ માટે એક કરતાં વધુ રોકેટ લોન્ચની જરૂરિયાત હોય છે. આ મિશન સફળ રહ્યું તો ભારત ચોથો દેશ બની જશે જેની પાસે આ ટેક્નોલોજી હશે. અત્યાર સુધી અમેરિકા, ચીન અને રશિયા પાસે આ ટેક્નોલોજી છે. આ ત્રણ દેશ પાસે ડોકિંગ અને અનડોકિંગ કરી શકાય એવી ટેક્નોલોજી છે જેની મદદથી સેટેલાઇટની સર્વિસ, ફ્લાઇંગ ફોર્મેશન અને સ્પેસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી શકાય.