ભારત મોકલશે 50 જાસૂસી ઉપગ્રહ, જાણો શું છે ઈસરોની યોજના
આગામી પાંચ વર્ષમાં ભારતના આકાશમાં ISRO જાસૂસી ઉપગ્રહોનું નેટવર્ક ઉભું કરશે
આ નેટવર્ક અંતરિક્ષમાંથી ચીન અને પાકિસ્તાનની કાર્યવાહી પર નજર રાખશે
ISRO to launch 50 Spy Satellites: ISROના વડા ડૉ. એસ. સોમનાથે જણાવ્યું હતું કે, ભારત આગામી પાંચ વર્ષમાં 50 જાસૂસી ઉપગ્રહો લોન્ચ કરશે, જે જમીન સંબંધિત ગુપ્ત માહિતી એકત્રિત કરશે. તેમણે એમ પણ કહ્યું કે, આ એક લક્ષ્ય છે. જેને હાંસલ કરવાના પ્રયાસો કરવામાં આવશે. તેમજ આ ઉપગ્રહોની મદદથી દુશ્મનની હિલચાલ પર નજર રાખી શકાશે.
જિયો-ઈન્ટેલિજન્સ ડેટા એકત્ર કરવામાં આવશે
ડૉ. એસ. સોમનાથે આ જાણકારી IIT મુંબઈની વાર્ષિક વિજ્ઞાન અને ટેકનોલોજી ઈવેન્ટમાં આપી હતી. તેમને જણાવ્યું હતું કે આ સેટેલાઈટને અવકાશમાં અલગ અલગ ઉંચાઈ પર તૈનાત કરવામાં આવશે. જેની મદદથી વિવિધ લેવલથી જિયો-ઈન્ટેલિજન્સ ડેટા એકત્ર કરી શકાય. આ સેટેલાઈટની મદદથી આપણા સૈનિકો દુશ્મન દેશની હિલચાલ પર નજર રાખી શકશે તેમજ સરહદો પર ઘૂસણખોરી રોકવામાં મદદ મળશે.
સ્પેસ પાવર તરીકે ભારતની તાકાત વધશે
ભારતના 50 સ્પેસક્રાફ્ટ સતત પડોસી દેશો પર નજર રાખશે, જેથી પાકિસ્તાન અને ચીન જેવા દેશો કોઈપણ કાર્યવાહી કરતા પહેલા બે વાર વિચારશે. આ સેટેલાઈટના કારણે સ્પેસ પાવર તરીકે ભારતની તાકાત વધશે. આ ઉપગ્રહો AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે પણ કનેક્ટેડ હશે, જેથી કોઈ પણ ખોટા કામો સામે ભારતીય સૈન્ય તાત્કાલિક પગલાં લઇ શકે.
બહુવિધ ઓર્બિટમાં મૂકીને સારી રીતે દેખરેખ થશે
ડૉ. એસ. સોમનાથે જણાવ્યું હતું કે આ સેટેલાઈટને જીઓસ્ટેશનરી ઇક્વેટોરિયલ ઓર્બિટ (GEO) અને લોઅર અર્થ ઓર્બિટ (LEO)માં સેટ કરવામાં આવશે. તેમજ આ સેટેલાઈટને ઘણી ઓર્બિટમાં મૂકીને વધુ સારી રીતે દેખરેખ કરી શકાય છે. આ સેટેલાઈટમાં સિન્થેટિક એપરચર રડાર, થર્મલ કેમેરા, ઇન્ફ્રારેડ કેમેરા અને વિઝીબલ કેમેરા મુકવામાં આવશે, જેથી દુશ્મન દેશ કોઈપણ રીતે ભારત પર હુમલો કરતા પહેલા વિચાર કરે.
જાસૂસી સાથે વિકાસનો માર્ગ પણ ખોલશે
સોમનાથે કહ્યું કે 50 ઉપગ્રહોને આગામી 5 વર્ષમાં અંતિમ સ્વરૂપ આપવા માટે એસેમ્બલ કરવામાં આવ્યા છે. જે માત્ર જાસૂસી જ નહીં પરંતુ દેશના વિકાસનો માર્ગ પણ ખોલશે. આ સેટેલાઈટને એટલા માટે લોન્ચ કરવામાં આવશે કારણે કે આસપાસ થઇ રહેલા ફેરફારો પર નજર રાખીને દેશની તાકાતમાં વધારો કરી શકાય. જો ભારત આ સ્તરે ઉપગ્રહો લોન્ચ કરી શકે છે, તો દેશ સામેના જોખમોને વધુ સારી રીતે ઘટાડી શકાય છે.