ઇસરો દ્વારા સ્પેડેક્સ મિશનની ડોકિંગ પ્રોસેસને લંબાવવામાં આવી, જાણો શું છે કારણ
ISRO Postpone Docking Mission: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) દ્વારા સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ એટલે કે સ્પેડેક્સને લંબાવવામાં આવ્યું છે. ISRO દ્વારા બે સેટેલાઇટને અવકાશમાં જોડવા માટેની પ્રોસેસ કરવામાં આવવાની હતી. આ જોડવાની પ્રોસેસને ડોકિંગ કહેવામાં આવે છે. આ માટે બે સેટેલાઇટને લોન્ચ પણ કરવામાં આવી હતી, જોકે તેમની ડોકિંગ પ્રોસેસમાં વિલંબ થઈ રહ્યો છે.
બીજી વાર થયું પોસ્ટપોન
ISRO દ્વારા આ મિશનને બીજી વાર પોસ્ટપોન કરવામાં આવ્યું છે. આ મિશન પહેલાં સાત જાન્યુઆરીએ થવાનું હતું. જોકે તેમાં અડચણ આવતાં આ મિશનને 9 જાન્યુઆરીએ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હવે એને પણ પોસ્ટપોન કરવામાં આવ્યું છે.
પોસ્ટપોન થવાનું કારણ?
ISRO દ્વારા બે સેટેલાઇટ વચ્ચેના અંતરને લઈને તકલીફ આવતાં એને પોસ્ટપોન કરવામાં આવ્યું છે. બંને સેટેલાઇટ વચ્ચેનું અંતર ઘટાડીને 225 મિટરનું કરવાનું હતું. જોકે આ અંતર જ્યારે ઘટાડવામાં આવી રહ્યું હતું ત્યારે ક્લિયર દેખાઈ ન રહ્યું હોવાથી તેને પોસ્ટપોન કરવામાં આવ્યું છે. ISRO દ્વારા ચેઝર અને ટાર્ગેટ એમ બે સેટેલાઇટને લોન્ચ કરવામાં આવ્યા હતા અને તેમની વચ્ચે ડોકિંગ કરવામાં આવશે. આ માટેની નવી તારીખ હવે બહુ જલદી જાહેર કરવામાં આવશે.
ભારત માટે મહત્ત્વનું મિશન
આ મિશનને 30 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશન ભારત માટે ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે તેના પર ઘણા મિશન અને સ્પેસ સ્ટેશનનું ભવિષ્ય બંધાયેલું છે. ડોકિંગ ટેક્નોલોજી અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીન પાસે જ છે. જો ભારત આ મિશનમાં સફળ રહે તો તે ચોથો દેશ બની જશે જેની પાસે સેટેલાઇટને ડોકિંગ અને અનડોકિંગ કરવાની ટેક્નોલોજી હશે.