ISROએ અદ્ભુત ટૅક્નોલૉજી શોધી ! વીજળી ક્યાં પડશે, પહેલા જ મળી જશે ઍલર્ટ
ISRO Lightning Prediction Technology : દેશભરમાં દર વર્ષે અનેક વખત વીજળી પડવાના કારણે ઘણા લોકોના મોત થતાં હોય છે. વીજળી પડવાના કારણે જાનમાલને પણ ઘણું નુકસાન થતું હોય છે, ત્યારે આ સમસ્યાના ઉકેલ માટે ભારતીય અવકાશ સંશોધન સંગઠને (ISRO) એક મહત્ત્વની ટૅક્નોલૉજી શોધી કાઢી છે. ચોમાસામાં વીજળી ક્યાં પડશે, તેની માહિતી પહેલેથી જ મળી જશે. ઇસરોની નવી ટૅક્નોલૉજી મુજબ હવે વીજળી પડે તે પહેલા જ ઍલર્ટ મળી જશે.
ઇસરોની સફળતાએ વિશ્વભરને ચોંકાવ્યા
ઇસરોએ વીજળીની આગાહી કરવાની ક્ષમતા મેળવી લીધી છે. ઇસરોની આ સફળતાએ વિશ્વભરને ચોંકાવી દીધા છે. ઇસરોએ કહ્યું કે, ‘ભારતીય જીઓસ્ટેશનરી સેટેલાઇટમાંથી ડેટા એકત્ર કરીને વીજળીની આગાહી કરવામાં સફળતા મળી છે. આ સિદ્ધિ ઇસરોના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર દ્વારા હાંસલ કરવામાં આવી છે.’
2.5 કલાક પહેલા મળી જશે ઍલર્ટ
નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરના વિજ્ઞાનીઓને INSAT-3D સેટેલાઇટથી પ્રાપ્ત થયેલ ‘આઉટગોઇંગ લોંગવેવ રેડિયેશન(OLR)’માંથી ખાસ પ્રકારના સંકેત જોવા મળ્યા છે. સંકેત મુજબ વિજ્ઞાનીઓને ઓઍલઆરની ગતિમાં ઘટાડો થવાના કારણે વીજળી પડવાની સંભાવના જોવા મળી છે. આ નવી ટૅક્નોલૉજીના કારણે અઢી કલાક પહેલા વીજળીની આગાહી થઈ શકે છે. ઇસરોની આ ટૅક્નોલૉજીથી દેશભરના લોકો તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં ખૂબ ઉપયોગી નીવળશે. ઇસરોની નવી ટૅક્નોલૉજી મુજબ જ્યાં વીજળી પડવાની સંભાવના હશે, ત્યાંથી લોકોને હટાવી શકાશે. તેનાથી જાનમામલને ઓછું નુકસાન થશે.