Get The App

ઇસરોએ યુરોપિયન સ્પેસ એજન્સીના પ્રોબ-3 મિશનને તરતું મૂક્યું

Updated: Dec 6th, 2024


Google NewsGoogle News
ઇસરોએ યુરોપિયન સ્પેસ એજન્સીના પ્રોબ-3 મિશનને તરતું મૂક્યું 1 - image


- આકાશમાં કૃત્રિમ ગ્રહણનો વિશિષ્ટ પ્રયોગ થશે

- સૂર્યની બાહ્ય કિનારીનો અને સૌર જ્વાળાઓનો અભ્યાસ થશે 

શ્રીહરિકોટા : ઇન્ડિયન  સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને (ઇસરો) આજે ૨૦૨૪ની  ૫, ડિસેમ્બરે, સાંજે ૪ : ૦૪ વાગે  તેના વર્કહોર્સ ગણાતા રોકેટ પોલાર સેટેલાઇટ લોન્ચ વેહિકલ-સી ૫૯ (પીએસએલવી-સી ૫૯) દ્વારા યુરોપિયન સ્પેસ એજન્સી(ઇએસએ)ના પ્રોબ -૩ મિશનને  સફળતાપૂર્વક તરતું મૂક્યું છે.  

ઇએસએના પ્રોબ-૩ મિશનને શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી સફળતાપૂર્વક તરતું મૂકાયું છે.

ઇસરોના ચેરમેન શ્રીધર પન્નીકર સોમનાથે એવી માહિતી આપી છે કે (પીએસએલવી-સી ૫૯) રોકેટે પ્રોબ-૩ મિશનના બે સેટેલાઇટ્સને બરાબર ૧૮ મી મિનિટે તેની  નિશ્ચિત ભ્રમણકક્ષામાં ગોઠવી દીધા છે. 

આમ તો પ્રોબ-૩ મિશનને ગઇકાલે બુધવારે જ તરતું મૂકવાનું હતું. જોકે મિશનમાં અમુક ટેકનિકલ અવરોધ સર્જાયો હોવાથી મૂળ કાર્યક્રમમાં ફેરફાર કરીને મિશનને આજે તરતું મૂકાયું  છે.

આજે ઇએસએના વિજ્ઞાાનીઓની ટીમ પણ અહીં હાજર રહી હતી. ટીમના સભ્ય જોએ ઝેન્ડરે  ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે અમારું પ્રોબ-૩ મિશન સફળ રીતે તેની ભ્રમણકક્ષામાં ગોઠવાઇ ગયું હોવાથી અમે બેહદ ખુશી વ્યક્ત કરીએ છીએ. 

* પ્રોબ - ૩ નો ખર્ચ : કેટલો સમય કાર્યરત રહેશે : ઇએસએનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે પ્રોબ - ૩ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ૨૧૦ અમેરિકન ડોલર છે. અવકાશયાન બે વર્ષ સુધી કાર્યરત રહેશે.

* પ્રોબ-૩ નો હેતુ અને કૃત્રિમ ગ્રહણનો વિશિષ્ટ પ્રયોગ :

   પ્રોબ-૩ મિશનમાં ખરેખર તો  સેટેલાઇટ્સ છે.આ બંને સેટેલાઇટ્સમાં કોરોનાગ્રાફ(જેનું વજન :૩૧૦ કિલો છે) અને ઓકલ્ટર(જેનું વજન :૨૪૦ કિલો છે) એમ બે જુદાં જુદાં અવકાશયાન છે. આ બંને સેટેલાઇટ્સ એકબીજાથી ૧૫૦ મીટર(૪૯૨ ફૂટ)નું અંતર રાખીને કામગીરી કરશે.

પ્રોબ-૩નો હેતુ સૂર્યની બાહ્ય કિનારી કોરોનામાં થતી અકળ ગતિવિધિનો સંશોધનાત્મક અભ્યાસ કરીને તેની ઉપયોગી માહિતી મેળવવાનો છે. સૂર્યની સપાટીના તાપમાન(૬,૦૦૦ કેલ્વિન) કરતાં તેની બાહ્ય કિનારી કોરોનાનું તાપમાન(૧૦--૨૦ લાખ કેલ્વિન) ચોક્ક્સ કયાં કારણો --પરિબળોને કારણે આટલું બધું વધુ હોય છે તેનું રહસ્ય શોધવા પ્રયાસ થશે.ઉપરાંત, દર ૧૧ વર્ષે શરૂ થતી સૌર સાયકલ દરમિયાન આદિત્યનારાયણમાં થતા મહાભયંકર ખળભળાટ અને તેમાંથી ફેંકાતી ભારે વિનાશક સૌર જ્વાળાઓનો પણ અભ્યાસ થશે. 

મહત્વની બાબત તો એ છે કે બંને સેટેલાઇટ્સ દ્વારા અંતરિક્ષમાં કૃત્રિમ ગ્રહણનો માહોલ તૈયાર કરવામાં આવશે.સરળ રીતે સમજીએ તો ઓક્લ્ટર નામનું અવકાશયાન સૂર્યની ઝળહળતી સપાટી સામે કૃત્રિમ અવરોધ સર્જશે, જ્યારે કોરોનાગ્રાફ અવકાશયાન સૂર્યની ઝાંખી થઇ ગયેલી કોરોના(સૂર્યની બહારની કિનારીને કોરોના કહેવાય છે) માં થતી અકળ ગતિવિધિનો સંશોધનાત્મક અભ્યાસ કરશે.ઉપયોગી માહિતી મેળવશે. કૃત્રિમ ગ્રહણની આ ટેકનિકલ પ્રક્રિયા ૨૦૨૫ના નવા વર્ષથી શરૂ થશે.

સતત છ કલાક સુધી ચાલનારા કૃત્રિમ ગ્રહણના અભ્યાસ દ્વારા ઇએસએના ખગોળશાસ્ત્રીઓ કોરોનાનો ગહન અભ્યાસ કરી શકશે. સાથોસાથ ગહન નિરીક્ષણ પણ કરીને અત્યાંત ઉપયોગી માહિતી મેળવી શકશે.ખરેખર તો  છ કલાકના કૃત્રિમ ગ્રહણની આ પ્રક્રિયા દર વર્ષે થતાં ૫૦ કુદરતી ગ્રહણોના નિરીક્ષણ બરાબર હશે. પહેલા ગ્રહણનાં પરિણામ ૨૦૨૫ના માર્ચમાં મળશે.

ખગોળશાસ્ત્રીઓને જે માહિતી મળશે તેના દ્વારા સ્પેસ વેધર(સૂર્યમાં થતા મહાભયાનક તોફાનની પૃથ્વી પર થતી અસરને સ્પેસ વેધર કહેવાય છે)ની સચોટ આગાહી થઇ શકશે.દર ૧૧ વર્ષે સૂર્યમાં થતા ભારે ખળભળાટને કારણે તેની સપાટી પરથી ભારે જોખમી સૌર જ્વાળાઓ ફેંકાય છે. આવી સૌર જ્વાળાઓ કદાચ પણ પૃથ્વીના વાતાવરણ સુધી આવી જાય તો પૃથ્વી પરનો સંદેશા વ્યવહાર, વાહનવ્યહાર, ટેલિવિઝન, રેડિયો સહિત આકાશમાં ફરતા સેટેલાઇટ્સને ભારે નુકસાન થાય છે.સ્પેસ વેધરની સચોટ આગાહીને કારણે વિશ્વના દેશ પોતાની જરૂરી સલામતી વ્યવસ્થા કરી શકશે. 

ભારતે પણ સૂર્યના સંશોધનાત્મક અભ્યાસ માટે  ૨૦૨૩ની ૨, સપ્ટેમ્બરે આદિત્ય --એલ ૧ અવકાશયાન લાગ્રાન્ગ પોઇન્ટ -૧ પર ગોઠવ્યું છે.


Google NewsGoogle News