ઈસરો મંગળ ગ્રહનું સંશોધન લદાખમાં કરશે, જાણો વિજ્ઞાનીઓએ કેમ આ સ્થળની પસંદગી કરી
Mars Mission in Ladakh: ISRO દ્વારા લદાખમાં માર્સ સિમ્યુલેશન મિશનની શરૂઆત કરવામાં આવી છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) પહેલી વાર લેહ અને લદાખમાં સિમ્યુલેશન સ્પેસ મિશન કરી રહી છે. આ એક સંયુક્ત પ્રોજેક્ટ છે, જેમાં ISROની હ્યુમન સ્પેસફ્લાઇટ સેન્ટર, યુનિવર્સિટી ઓફ લદાખ, IIT બોમ્બે, અને આકા સ્પેસ સ્ટુડિયો સાથે મળીને કામ કરી રહ્યાં છે. તેઓ સ્પેસમાં એકાંત, બંધન અને કુદરતી સંસાધનોની મર્યાદા પર ફોકસ કરી રહ્યાં છે.
વસવાટ કરનાર પર અસર
Hab-1 એક વિશિષ્ટ પ્રકારનું ટૂલ છે. આ એક જ એવું ટૂલ છે, જેમાં એકાંત અને બંધનમાં મનુષ્ય હોય તો તેની આરોગ્ય અને ક્ષમતાઓ પર શું અસર પડે છે, તેનો તુલનાત્મક અભ્યાસ કરાય છે. આ હેબિટેટમાં સામાન્ય જરૂરિયાતોનો સમાવેશ કરાયો છે, જેમાં હાઇડ્રોફોનિક્સ ફાર્મ, કિચન અને સેનિટાઇઝેશન ફેસિલિટીનો સમાવેશ થાય છે. આ ડેટા પરથી અંતરિક્ષમાં લાંબા સમયના મિશન પર મનુષ્યના આરોગ્ય પર શું અસર થાય છે અને તેને કાબુમાં રાખી શકાય કે નહીં તે દિશામાં સંશોધન કરાશે.
આ સંશોધનો માટે લદાખની પસંદગી કરાઈ છે કારણ કે, લદાખ ઊંચાઈ પર આવેલું છે અને ત્યાં ભેજનું પ્રમાણ ખૂબ ઓછું છે. આ ઉપરાંત લદાખ અને મંગળ ગ્રહની જમીન અને વાતાવરણ વચ્ચે ઘણી સામ્યતા છે.
સિમ્યુલેશન મિશન
આ એક સિમ્યુલેશન મિશન છે એટલે કે, પૃથ્વી પર અન્ય ગ્રહની જે પરિસ્થિતિ હોય તેવો માહોલ તૈયાર કરવામાં આવે છે અને તેના પરથી પરીક્ષણ કરવામાં આવે છે.
અજય દેવગનની 'Runway 34'માં જેમ ફલાઇટ્સ સિમ્યુલેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં અજય દેવગન ફ્લાઇટમાં નથી હોતો, પરંતુ એક મશિન પર બેસીને તેણે ફ્લાઇટ કેવી રીતે ઉડાવી હતી તે બતાવે છે. એવી જ રીતે, માર્સ સિમ્યુલેશન મિશનમાં પણ એવું કરવામાં આવી રહ્યું છે. આ મિશન પરથી જે ડેટા મળ્યા તે ભવિષ્યના મિશન માટે ખૂબ મહત્ત્વના સાબિત થઈ શકે છે. ભારતના દરેક સ્પેસ મિશન અને અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવાના મિશન સાથે આ મિશન સંકળાયેલું છે. તેમાં ગગનયાન પ્રોગ્રામનો પણ સમાવેશ થાય છે.
અન્ય ગ્રહ માટે પણ પરીક્ષણ
આ મિશનમાં જે વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો છે તે ઘણી એક્ટિવિટીઝ પર ફોકસ કરશે. અન્ય ગ્રહ પર જીવન જીવવા માટે કઈ વસ્તુઓની જરૂર પડશે તેમાંથી હેબિટેટ ડિઝાઇન, રિસોર્સ મેનેજમેન્ટ કેવી રીતે કરવું, તેમ જ ક્રૂ મેમ્બર્સ પર સાયકોલોજિકલ દૃષ્ટિએ કેવી અસર થાય છે તેના પર ફોકસ કરવામાં આવશે. આ તમામ સ્ટડી પછી ચંદ્ર અને અન્ય ગ્રહ પર કેવી અસર થાય છે તે માટે પણ સિમ્યુલેશન દ્વારા પરીક્ષણ કરવામાં આવશે. આ માટે આકા સ્પેસ સ્ટુડિયો દ્વારા ડિઝાઇન તૈયાર કરવામાં આવશે અને તે સસ્ટેઇનેબલ હશે.