ઇસરોએ ભાવિ સમાનવ ચંદ્રયાત્રાની તૈયારી શરૂ કરી દીધી : એસ.સોમનાથ

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
ઇસરોએ ભાવિ સમાનવ ચંદ્રયાત્રાની તૈયારી શરૂ કરી દીધી : એસ.સોમનાથ 1 - image


- ગગનયાનમાં કદાચ એક જ અવકાશયાત્રીને તક મળશે

- નવું સૂર્ય રોકેટ સૌથી તોતિંગ, સૌથી આધુનિક હશે : 32 ટનની વજન ક્ષમતા હશે : ભાવિ અંતરિક્ષ સંશોધન કાર્યક્રમોમાં પણ ઉપયોગી બનશે 

બેંગલુરુ/મુંબઇ : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો) અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે એક પછી એક ઉજળી સફળતા પ્રાપ્ત કરી રહ્યું છે. ચંદ્રયાન -૩ અવકાશયાનની ઉજળી સફળતા બાદ ઇસરો હવે ભારતના ભાવિ અવકાશયાત્રીઓને પણ ચંદ્રની ધરતી પર ઉતારવાની અતિ મહત્વાકાંક્ષી યોજના તૈયાર કરી રહ્યું છે. ઇસરો ૨૦૪૦માં ભારતના ભાવિ અવકાશયાત્રીઓને પૃથ્વીના એક માત્ર ઉપગ્રહની ધરતી પર ઉતારવા મહત્વાકાંક્ષી યોજનાની તૈયારી કરી રહ્યું છે. સાથોસાથ ઇસરો મહત્વાકાંક્ષી ગગનયાન પ્રોજેક્ટ માટે પણ ભરપૂર તૈયારી કરી રહયું છે.ગગનયાન માટે ચાર અવકાશયાત્રીઓ(પ્રશાંત નાયર, અંગદ પ્રતાપ,અજિત કૃષ્ણન,સુભાંશુ શુકલા)ને પસંદ પણ કરવામાં  આવ્યા છે.આ ચારેય ભાવિ અવકાશયાત્રીઓ ભારતીય હવાઇદળના જાંબાઝ પાયલોટ્સ છે. 

ઇસરોના ચેરમેન શ્રીધર પેન્નીકર સોમનાથે ભાવિ કાર્યક્રમો સહિત મૂન મિશનની ખાસ માહિતી આપતાં કહ્યું હતું કે  ભારતના  ભાવિ અવકાશયાત્રીઓને  ચંદ્ર પર લઇ જવા માટે ઇસરોએ વિશિષ્ટ ટેકનોલોજીવાળું રોકેટ બનાવવાની તૈયારી પણ શરૂ કરી દીધી છે.  ઇસરો હવે અત્યારસુધીનું સૌથી તોતિંગ,સૌથી વધુ વજન વહન ક્ષમતાવાળું, અત્યાધુનિક ટેકનોલોજી સાથેનું રોકેટ તૈયાર કરી રહ્યું છે. આ નવા રોકેટનું નામ છે, સૂર્ય, નેક્સ્ટ જનરેશન લોન્ચ વેહિકલ (એન.જી.એલ.વી.).

સૂર્ય મૂળ સંસ્કૃત નામ છે.સૂર્ય સમગ્ર સૃષ્ટિના જન્મદાતા અને જીવનદાતા છે. પૃથ્વી પરની વિશાળ , હસતીરમતી, રંગબેરંગી જીવ સૃષ્ટિને દરરોજ સવારે પ્રકાશ અને ઉર્જા આપે છે. 

સૂર્ય રોકેટમાં  લિક્વિડ ઓક્સિજન(એલ.ઓ.એક્સ.) અને મિથેન પર ચાલતાં  બે પ્રકારનાં એન્જિન્સ(એલ.એમ.ઇ. -૧૦૦૦) હશે. આ બંને એન્જિન્સ રોકેટના નીચેના હિસ્સા માટે હશે,જ્યારે રોકટના ઉપરના ભાગમાં ક્રાયોજેનિક એન્જિન ગોઠવાશે. એન.જી.એલ.વી. આ પ્રકારનું પહેલું રોકેટ હશે. આ આધુનિક ટેકનોલોજીના એન્જિનની વજન ક્ષમતા  ૩૨ ટનની હશે અને પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષા સુધી જઇ શકશે. અમારાં અત્યારસુધીનાં બધાં રોકેટ્સની વજન ક્ષમતા કરતાં સૂર્યની વજન ક્ષમતા  ત્રણ ગણી વધુ હશે. 

ભવિષ્યમાં આ જ એન.જી.એલ.વી.ની મદદથી ભારત અંતરિક્ષના વધુ દૂરના વિસ્તારમાં પણ જઇ શકશે. સાથોસાથ વધુ મોટા કદના, વધુ વજનના, વધુ વૈજ્ઞાાનિક ઉપકરણ સાથેના સેટેલાઇટ્સને અને અવકાશયાનને પણ સરળતાથી લોન્ચ કરી શકશે.આવા પ્રયોગોથી ઇસરો અંતરિક્ષનાં નવાં રહસ્યોનો તાગ મેળવી શકશે. 

  એસ.સોમનાથે એવી માહિતી પણ આપી હતી કે આ જ એન.જી.એલ.વી. ની મદદથી  ૨૦૪૦માં ભારતના ભાવિ અવકાશયાત્રીઓ ચંદ્રયાત્રાએ જઇ શકશે. 

એસ.સોમનાથે બહુ મહત્વનો સંકેત આપતાં એમ પણ કહ્યું હતું કે ગગનયાન માટે આમ તો ેચાર અવકાશયાત્રીઓને પસંદ કરવામાં આવ્યા છે.આમ છતાં આ ચારમાંથી એક જ અવકાશયાત્રીને પૃથ્વી બહારના અફાટ,અનંત અંતરિક્ષનાં દર્શન કરવાની તક મળશે. જોકે અમે બાકીના ત્રણ અવકાશયાત્રીઓને પણ જરૂરી બધી તાલીમ આપીશું. બધું સમુંસૂતરું પાર પડશે તો  ગગનયાનની પહેલી ટેસ્ટ ફ્લાઇટ લગભગ ૨૦૨૫ના અંતમાં થશે. 

ઇસરો પીએમને પણ અંતરિક્ષમાં મોકલી શકે એટલું સક્ષમ 

એસ.સોમનાથે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે કે અમે ગગનયાનને સફળ બનાવવા માટે તમામ પ્રકારની અત્યાધુનિક ટેકનોલોજીના પ્રયોગો કરી રહ્યા છીએ. અરે, ઇસરોને તક મળે તો  અમે તો ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ અંતરિક્ષમાં મોકલી શકીએ એટલા સક્ષમ છીએ. આપણા વડા પ્રધાન અંતરિક્ષ પ્રવાસે જાય તો તેનાથી રૂડું બીજું શું હોઇ શકે ? આ તો આપણા સહુ માટે ગૌરવરૂપ બની રહેશે. 

જોકે સૌથી મહત્વની બાબત તો એ છે કે આપણા વડા પ્રધાન પર રાષ્ટ્રની ઘણી ઘણી જવાબદારી પણ છે.


Google NewsGoogle News