Get The App

ઇસરોએ આદિત્ય-એલ 1ના મેગ્નેટોમીટર બૂમને લાગ્રાન્ગ પોઇન્ટ-1ની ભ્રમણકક્ષામાં તરતું મૂક્યું

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
ઇસરોએ આદિત્ય-એલ 1ના મેગ્નેટોમીટર બૂમને લાગ્રાન્ગ પોઇન્ટ-1ની ભ્રમણકક્ષામાં તરતું મૂક્યું 1 - image


- ઉપકરણ સૂર્યમાં થતી અકળ અને ભયાનક ગતિવિધિનો અભ્યાસ કરશે સૌર પવનોની અને સૌર જ્વાળાની સચોટ આગાહી કરી શકાશે 

બેંગલુરુ :  ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન  (ઇસરો)એ   ૨૦૨૪ની  ૧૧,જાન્યુઆરીએ આદિત્ય-એલ ૧ અવકાશયાનના મેગ્નેટોમીટર બૂમ  નામના વૈજ્ઞાનિક ઉપકરણને લાગ્રાન્ગ પોઇન્ટ-૧ની હેલો ઓર્બિટમાં સફળતાથી તરતું મૂક્યું છે.આ પ્રક્રિયા ફક્ત નવ(૯) સેકન્ડ્ઝમાં  પૂરી થઇ ગઇ છે.

આદિત્ય-એલ ૧ અવકાશયાન ભારતનુ સૂર્યના સંશોધનાત્મક અભ્યાસ માટેનું પહેલું અવકાશયાન છે.આદિત્ય-એલ અવકાશયાન ૨૦૨૩ની ૨,સપ્ટેમ્બરે  પોલાર સેટેલાઇટ લોન્ચ વેહિકલ-એક્સએલ દ્વારા તરતું મૂકાયું છે. આદિત્ય -એલ૧ અવકાશયાન બરાબર ૧૩૨ દિવસની પડકારરૂપ અંતરિક્ષયાત્રા કરીને  ૨૦૨૪ની ૬,જાન્યુઆરીએ સાંજના ૪ :૧૭ વાગે પૃથ્વીથી ૧૫ લાખ કિલામીટર દૂર આવેલા  લાગ્રાન્ગ પોઇન્ટ-૧ પર સંપૂર્ણ સફળતાથી અને સલામતીપૂર્વક પહોંચ્યું છે.

ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી  આપી હતી કે આદિત્ય-એલ ૧ અવકાશયાનમાં કુલ સાત વૈજ્ઞાનિક ઉપકરણ છે. મેગ્નેટોમીટર બૂમ  આ સાતમાંનું એક વૈજ્ઞાનિક ઉપકરણ છે. મેગ્નેટોમીટર  બૂમની   લંબાઇ  ૬(છ) મીટર(૧૮ ફૂટ) છે  અને તે  કાર્બન ફાઇબર  પોલીમરમાંથી  બનાવવામાં આવ્યું છે.   મેગ્નેટોમીટર બૂમનો હેતુ સૂર્યના ક્રોમોસ્ફિયર(સૂર્યની સપાટી અને તેની બાહ્ય કિનારી-કોરોના- વચ્ચેનો પ્લાઝ્માનો પાતળો  હિસ્સો) અને કોરોના(સૂર્યની બાહ્ય કિનારી)ના સંશોધનાત્મક અભ્યાસ કરવાનો છે. સૂર્યના હાઇડ્રોજન અને હિલિયમના વિરાટ ગોળામાં થતી અકળ અને ભયાનક ગતિવિધિને જાણવા અને સમજવા મેગ્નેટોમીટર બૂમની કામગીરી બહુ ઉપયોગી બનશે.

મેગ્નેટોમીટર બૂમમાં આધુનિક ટેકનોલોજીનાં બે ફ્લેક્સગેટ મેગ્નેટોમીટર સેન્સર્સ  પણ છે. આ બંને  ફ્લેક્સગેટ  મેગ્નેટોમીટર સેન્સર્સ  અંતરિક્ષમાંના ઓછી તીવ્રતાવાળા  આંતરગ્રહીય ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરીને તેનું માપ પણ લેશે. આ બંને સેન્સર્સને આદિત્ય-એલ અવકાશયાનથી ત્રણ અને છ મીટર દૂરના અંતરે ગોઠવવામાં  આવ્યાં છે કે જેથી તેને અવકાશયાનમાંનાં અન્ય ઉપકરણોમાંથી  ફેંકાતા ચુંબકીય ક્ષેત્રની વિપરીત અસર ન થાય.

ઇસરોનાં સૂત્રોએ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહ્યું હતું કે હવે મેગ્નેટોમીટર દ્વારા સૂર્યમાં થતી રહસ્યમય અને ભારે તોફાની ગતિવિધિની ઉપયોગી માહિતી મળશે. એટલે કે સૂર્યની વિરાટ થોળી પરથી ફેંકાતા વિનાશક સૌર પવનો અને સૌર જ્વાળાઓની અસર પૃથ્વીના ઋતુ ચક્ર તથા હવામાન-આબોહવામાં કેવી અને કેટલી અસર થાય છે તેની સચોટ જાણકારી મળશે. આ જાણકારીથી સૌર પવનો અને સૌર જ્વાળાઓ પૃથ્વી સુધી ચોક્કસ ક્યારે પહોચશે તેની પણ સચોટ આગાહી કરી શકાશે. સાથોસાથ તેની ભયાનક અસરમાંથી બચવાના ઉપાયો વિશે પણ કરી શકાશે.


Google NewsGoogle News