VIDEO: ઈસરોની વધુ એક સિદ્ધિ, રિ-યુઝેબલ લૉન્ચ વ્હીકલ પુષ્પકનું ત્રીજું સફળ લેન્ડિંગ, જાણો તેની ખૂબી

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
ISRO Reusable Launch Vehicle Pushpak


ISRO Reusable Launch Vehicle Pushpak : ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ રિ-યુઝેબલ લૉન્ચ વ્હીકલ-એલઈએક્સ-03 (RLV-LEX-03) ‘પુષ્પક’નું ત્રીજું સફળ લેન્ડિંગ કરી વધુ એક સિદ્ધિ મેળવી છે. આ સફળતા બાદ હવે ઈસરો માટે ‘પુષ્પક’ના ઑર્બિટલ રી-એન્ટ્રી ટેસ્ટ કરવાનો રસ્તો સરળ બની ગયો છે. ઈસરોઓ આજે (23 જૂન) સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, પુષ્પકે પડકારજનક પરિસ્થિતિમાં અદ્યતન ક્ષમતાઓના પ્રદર્શનથી ચોક્કસ હોરિઝેન્ટલ લેન્ડિંગ કર્યું છે.

ચિનૂક હેલિકોપ્ટર દ્વારા પુષ્પકનું લેન્ડિંગ

ઈસરો દ્વારા બેંગલુરથી લગભગ 200 કિલોમીટર દૂર ચિત્રદુર્ગ જિલ્લામાં ચલ્લકેરે સ્થિત એયરોનૉટિકલ ટેસ્ટ રેંજમાં ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેનાના ચિનૂક હેલિકોપ્ટર દ્વારા પુષ્પકને 4.5 કિલોમીટર ઊંચાઈ પર લઈ જવાયા બાદ ઑટોનોમસ લેન્ડિંગ માટે રન-વે પર છોડી દેવાયું હતું. બીજા પરિક્ષણ દરમિયાન પુષ્પકને 150 મીટરની ક્રોસ રેન્જ પરથી છોડવામાં આવ્યું હતું. જોકે આ વખતે રેન્જ વધારીને 500 મીટર કરાઈ હતી. જ્યારે હેલિકોપ્ટર દ્વારા પુષ્પકને છોડવામાં આવ્યું, ત્યારે તેની લેન્ડિંગ વેલોસિટી પ્રતિ કલાક 320 કિમીથી વધુની હતી.

આરએલવી પ્રોજેક્ટ શું છે?

ઈસરોનો સૌથી મહત્ત્વનો પ્રોગ્રામ આરએલવી પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ અવકાશમાં માનવને જરૂર પડતી ટેકનિકલ સામગ્રી ઉપલબ્ધ કરાવશે. ઈસરો રિ-યુઝેબલ લૉન્ચ વ્હીકલ દ્વારા અવકાશમાં લો-કૉસ્ટ એક્સેસ મેળવી શકશે, એટલે કે અવકાશમાં ઓછા ખર્ચે પ્રવાસ થઈ શકશે. આ સેટેલાઈટથી ઓછા ખર્ચે પ્રોજેક્ટ લોન્ચ કરી શકાશે. આ ઉપરાંત તેનો ફરી પ્રયોગ પણ કરી શકાશે.

અગાઉ બે વખત પરીક્ષણ કરાયું હતું

જો પૃથ્વીની ભ્રમણકક્ષામાં કોઈ સેટેલાઈટમાં ખામી સર્જાય, તો તેને લૉન્ચ વ્હીકલની મદદથી રિપેર કરી શકાય છે. તેની મદદથી બાયોલોજી અને ફાર્મા ક્ષેત્ર સાથે સંકળાયેલા કોઈ પણ સંશોધન કરવા સરળ થઈ જશે. અગાઉ બે એપ્રિલ-2023 અઅને 22 માર્ચ-2024માં પ્રયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે ત્રીજી વખત સફળ લેન્ડિંગ કરાયું છે. હવે ઈસરો આ લૉન્ચ વ્હીકલના ઑર્બિટલ રી-એન્ટ્રીનું ટેસ્ટ કરશે. આ ટેકનોલોજીના કારણે રૉકેટ લોન્ચિંગ અને અવકાશમાં ઉપકરણો પહોંચાડવાનો ખર્ચ ઘટશે.

રીયુઝેબલ લોન્ચ વ્હીકલ ટેકનોલોજી શું છે?

લોન્ચ વ્હીકલના બે ભાગ હોય છે. પ્રથમ રોકેટ અને બીજું તેના પર લગાવાયેલું સ્પેસક્રાફ્ટ અથવા સેટેલાઈટ... જેને પૃથ્વીની ભ્રમણકક્ષા કે અવકાશમાં છોડવાનું હોય છે. રોકેટનું કામ સ્પેસક્રાફ્ટ અથવા સેટેલાઈટને અવકાશ અથવા પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચાડવાનું છે. હાલના સમયમાં ઈસરો પ્રક્ષેપણ કર્યા બાદ રોકેટ અથવા લૉન્ચ વ્હીકલને સમુદ્રમાં પાડી દે છે, એટલે કે તેનો ફરી ઉપયોગ થતો નથી. જોકે આ નવી ટેકનોલોજી રીયૂજેબલ ટેકનોલોજીના કારણે ફરી ઉપયોગ થઈ શકે છે. ઈસરો આ જ ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે. ઈલોન મસ્કની કંપની સ્પેસ-એક્સ પાસે પણ આ ટેક્નોલોજી છે.


Google NewsGoogle News