Aditya-L1 Mission : 'મિશન સૂર્ય' તેના લક્ષ્યથી ખૂબ જ નજીક, 7 જાન્યુઆરીનો દિવસ મહત્વપૂર્ણ
પૃથ્વીથી આ લેગ્રેંજ પોઈન્ટ 1નું અંતર 15 લાખ કિ.મી. છે
Aditya-L1 Mission : સૂર્યના અભ્યાસ માટે મોકલવામાં આવેલ ભારતનું પહેલું અવકાશ મિશન adity L-1 તેના અંતિમ તબક્કામાં છે. થોડા જ દિવસોમાં તે નિર્ધારિત લક્ષ્ય L-1 પોઈન્ટ પર પહોંચી જશે. ઈસરોના ચીફ એસ. સોમનાથે આ અંગે જાણકારી આપી હતી. ઈસરોના ચીફે જણાવ્યું કે, adity L-1 એકદમ સાચા માર્ગ ગતિ કરી રહ્યું છે અને મને લાગે છે કે તે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. તેમણે કહ્યું કે, 7 જાન્યુઆરીએ adity L-1 તેના અંતિમ દાવપેચને પૂર્ણ કરી L1 પોઈન્ટમાં પ્રવેશ કરે તેવી સંભાવના છે.
સૂર્યથી પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું?
સૂર્ય અને પૃથ્વી વચ્ચે પાંચ લેગ્રેંજ પોઈન્ટ આવેલા છે. લેગ્રેંજ પોઈન્ટ એને કહેવાય છે જ્યાંથી સૂર્યને કોઈપણ પ્રકારના ગ્રહણ કે અવરોધ વિના જોઈ શકાય છે. આદિત્ય એલ-1ને લેગ્રેંજ પોઈન્ટ 1 પર મોકલાશે. પૃથ્વીથી આ લેગ્રેંજ પોઈન્ટ 1નું અંતર 15 લાખ કિ.મી. છે. જોકે સૂર્યથી પૃથ્વીનું અંતર 15 કરોડ કિ.મી. છે.
આ મિશનનો મુખ્ય ઉદેશ્ય ?
આદિત્ય L-1 એ ભારતનું પ્રથમ સૂર્ય મિશન છે. તેને લોન્ચ કરીને ભારત સૌર વાતાવરણની ગતિશીલતા એટલે કે ક્રોમોસ્ફિયર અને કોરોનાનો અભ્યાસ કરવા માંગે છે. આ સાથે, તે કોરોનામાંથી મોટા પ્રમાણમાં ઉર્જા મુક્ત થવાના રહસ્યો પણ ખોલવા માંગે છે. વધુમાં, આદિત્ય L-1 દ્વારા, ISRO આંશિક રીતે આયોનાઇઝ્ડ પ્લાઝ્માના ભૌતિકશાસ્ત્ર અને અવકાશ હવામાનની ગતિશીલતા પર માહિતી એકત્ર કરવાનો ઇરાદો ધરાવે છે. તેની સાથે જ, તે સૌર વાતાવરણમાંથી પ્લાઝ્મા અને ચુંબકીય ક્ષેત્રોના મોટા પાયે વિસ્ફોટનો અભ્યાસ કરવાનો ઇરાદો ધરાવે છે.
આ મિશનમાં કેટલા પેલોડ હશે?
આદિત્ય L-1 સાત પેલોડ સાથે તેના ગંતવ્ય સ્થાને પહોંચશે. આ પેલોડ્સ દ્વારા, ઈસરોને ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર એટલે કે સૂર્યની દૃશ્યમાન સપાટીની બરાબર ઉપરની સપાટી અને કોરોના (સૂર્યનું સૌથી બહારનું પડ)ના અભ્યાસમાં મદદ મળશે.